
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાન તરફથી સતત થઈ રહેલા ગોળીબારને કારણે બંને દેશો વચ્ચે તણાવભર્યો માહોલ છે. ભારત પાકિસ્તાનના હુમલાની જવાબી કાર્યવાહી આપી રહ્યું છે. ભારતીય સેના પાકિસ્તાનના તમામ હુમલાઓનો યોગ્ય જવાબ આપી રહી છે. ભારતે પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધમાં ચારેય વખત હરાવ્યું છે. શું તમે ભારતીય સેનાની સૌથી ખતરનાક રેજિમેન્ટ વિશે જાણો છો?
ભારતીય સેનાની ગણતરી વિશ્વની સૌથી શક્તિશાળી સેનાઓમાં થાય છે. ભારતીય સેના ફાયરપાવરની દૃષ્ટિએ વિશ્વની ચોથી સૌથી શક્તિશાળી સેના છે અને તેની સૌથી ખતરનાક રેજિમેન્ટ 'ગોરખા રેજિમેન્ટ' માનવામાં આવે છે.
ગોરખા રેજિમેન્ટ એ ભારતીય સેનાની સૌથી ખૂંખાર રેજિમેન્ટ છે. એવું કહેવાય છે કે ગોરખા સૈનિકો કોઈપણ પરિસ્થિતિમાં દુશ્મનને હરાવવામાં પાવરફૂલ છે. તેમના જુસ્સાની કોઈ પણ બરાબરી કરી શકે નહીં. બ્રિટિશ કાળ દરમિયાન ગોરખા રેજિમેન્ટની પહેલી બટાલિયન ૧૮૧૫માં રચાઈ હતી. આ સમયે ગોરખા રેજીમેન્ટનું નામ નાસિરી રેજિમેન્ટ હતું. હાલમાં ભારતીય સેનામાં 7 ગોરખા રેજિમેન્ટમાં 39 બટાલિયન છે.
ગોરખા રેજિમેન્ટનો દરેક સૈનિક દુશ્મન પર કાળ બનીને તૂટી પડે છે. ફિલ્ડ માર્શલ સેમ માણેકશાએ કહ્યું હતું કે, જો કોઈ તમને કહેતું હોય કે તે મોતથી નથી ડરતા તો તે ખોટું બોલે છે અથવા તો તે ગોરખા છે.
જણાવી દઈએ કે, ગોરખા રેજિમેન્ટના દરેક સૈનિક પાસે 18 ઇંચ લાંબુ ફોલ્ડ કરેલું છરી જેવું ખુકરી હથિયાર હોય છે. આ શસ્ત્ર આ રેજિમેન્ટની ઓળખ છે. એવું કહેવાય છે કે ગોરખા સૈનિક પોતાની ખુકરીથી જ દુશ્મનને મારી નાખવા સક્ષમ છે.