
અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે યુપી બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન એક્ટ 2004ને ગેરબંધારણીય જાહેર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે આ એક્ટ ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે. સાથે જ કોર્ટે યુપી સરકારને નિર્દેશ આપ્યો કે મદરેસામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મૂળભૂત શિક્ષણ પ્રણાલીમાં સમાયોજિત કરવામાં આવે.
જણાવી દઈએ કે, મદરેસાઓની તપાસ માટે યુપી સરકારે ઓક્ટોબર 2023માં SITની રચના કરી હતી. SIT મદરેસાઓને આપવામાં આવતા વિદેશી ફંડની તપાસ કરી રહી છે. અરજદાર અંશુમાનસિંહ રાઠોડ અને અન્યોએ પિટિશન દાખલ કરીને આ એક્ટને પડકાર્યો હતો. એમિકસ ક્યુરી અકબર અહેમદ અને અન્ય વકીલોએ કોર્ટમાં તેની રજૂઆત કરી હતી. સુનાવણી બાદ જસ્ટિસ વિવેક ચૌધરી અને જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની ડિવિઝન બેંચે આ આદેશ આપ્યો હતો.
અંશુમાન સિંહ રાઠોડ અને અન્યોએ મદરેસા બોર્ડની સત્તાઓને પડકારતી અરજી દાખલ કરાઈ હતી. અરજીમાં ભારત સરકાર, રાજ્ય સરકાર અને લઘુમતી કલ્યાણ વિભાગ દ્વારા મદરેસાઓના સંચાલન સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આ નિર્ણય પર યુપી મદરેસા બોર્ડના રજિસ્ટ્રાર પ્રિયંકા અવસ્થીએ કહ્યું કે હજુ સંપૂર્ણ આદેશની રાહ જોવાઈ રહી છે. આદેશ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે અને તે મુજબ નિર્ણય લેવામાં આવશે.
લગભગ 13 હજાર મદરેસાઓ બંધ કરવાની ભલામણ કરવામાં આવી હતી.
અગાઉ માર્ચ મહિનામાં જ ગેરકાયદે મદરેસાઓની તપાસ કરી રહેલી SITએ યોગી સરકારને લગભગ 13 હજાર મદરેસાઓ બંધ કરવાની ભલામણ કરી હતી. તપાસમાં જે મદરેસા ગેરકાયદેસર જણાયા તેમાંના મોટા ભાગના મદરેસા નેપાળ બોર્ડર પર સ્થિત છે. SITએ રિપોર્ટમાં દાવો કર્યો છે કે, આ મદરેસાઓ છેલ્લા બે દાયકામાં ગલ્ફ દેશોમાંથી મળેલા પૈસાથી બનાવવામાં આવી છે.
એસઆઈટીએ રિપોર્ટમાં વધુમાં કહ્યું હતું કે, જ્યારે આ મદરેસાઓ પાસેથી તેમની આવક અને ખર્ચની વિગતો માંગવામાં આવી ત્યારે તેઓ તે આપી શક્યા ન હતા, જેના કારણે એવી આશંકા છે કે સુનિયોજિત ષડયંત્ર હેઠળ એકત્રિત કરાયેલા નાણાંનો હવાલા મારફતે મદરેસાના બાંધકામ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. મોટાભાગની મદરેસાઓએ દાનમાં આપેલા પૈસાથી બાંધકામ કરાવવાનો દાવો કર્યો છે, પરંતુ દાન આપનારાઓના નામ જાહેર કરી શક્યા નથી. તપાસમાં કુલ 23 હજાર મદરેસાઓમાંથી 5 હજાર પાસે અસ્થાયી માન્યતાના દસ્તાવેજો મળ્યા છે.