ભાજપના પૂર્વ સાંસદ અને દિલ્હી ચૂંટણીમાં કાલકાજી સીટના ઉમેદવાર રમેશ બિધુરીનો પ્રિયંકા ગાંધી પર વિવાદાસ્પદ ટિપ્પણી સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં તેઓ દિલ્હીમાં કાલકાજીના રસ્તાને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવવાની વાત કરતા જોવા મળી રહ્યા છે.
રમેશ બિધુરી એક કાર્યક્રમમાં માઈક પર બોલતા જોવા મળે છે કે 'ચૂંટણી જીત્યા બાદ કાલકાજીના તમામ રસ્તા પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું.' શનિવારે જ ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કાલકાજીથી બિધુરીને પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા.
આ પણ વાંચો : ભાજપના કદાવર નેતા ડૉ. હર્ષવર્ધનની રાજકીય ઇનિંગ પૂરી? દિલ્હીમાં ભાજપની પ્રથમ યાદીમાં કોના માટે શું સંદેશ?
રમેશ બિધુરીનો વિવાદાસ્પદ નિવેદનો સાથે જૂનો સંબંધ છે. ગત લોકસભામાં દક્ષિણ દિલ્હીથી સાંસદ રહીને તેમણે 21 સપ્ટેમ્બર, 2023ના રોજ તત્કાલિન બસપા સાંસદ દાનિશ અલી માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ અંગે સંસદમાં ભારે હોબાળો થયો હતો. આ પછી લોકસભા સ્પીકર ઓમ બિરલાએ રમેશ બિધુરીના વાંધાજનક શબ્દોને ગૃહની કાર્યવાહીમાંથી હટાવી દીધા હતા. બાદમાં બિધુરીએ માફી માંગી હતી.