
ભારત અને બાંગ્લાદેશના ખેડૂતો વચ્ચે શનિવારે માલદાના સુખદેવપુરમાં સરહદ પર અથડામણ થઈ હતી. જેને લઈને ભારતીય ખેડૂતોએ દાવો કર્યો હતો કે, બાંગ્લાદેશી ખેડૂતો તેમના ઉભા પાકની ચોરી કરી રહ્યા છે. જ્યારે બાંગ્લાદેશીઓનું કહેવું છે કે, ભારતીયોએ સરહદ પાર કરીને તેમના કેરીના ઝાડ કાપી નાખ્યા છે.
સુખદેવપુરમાં સરહદ પર ભારત-બાંગ્લાદેશના ખેડૂતો વચ્ચે અથડામણ
મીડિયા અહેવાલ મુજબ, ભારત અને બાંગ્લાદેશના ખેડૂતો વચ્ચે શનિવારે માલદાના સુખદેવપુરમાં સરહદ પર અથડામણ થઈ હતી. જેને લઈને ભારતીય ખેડૂતોએ કહ્યું કે, 'તેમણે બાંગ્લાદેશના ખેડૂતોને સુખદેવપુરમાં BSFની 119 બોર્ડર ચોકી પાસે ભારતના વિસ્તારોમાં કથિત રૂપે પાક લેતા જોવા મળ્યા હતા. આ પછી બંને બાજુથી ખેડૂતોએ પથ્થરમારો કરવાનું શરૂ કર્યું. ઘટનાની જાણ થતાની સાથે BSF અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB)ના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ભીડને વિખેરીને પહેલાની જેમ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં આવી. જો કે, બપોર સુધીમાં બાંગ્લાદેશી નાગરિકો આંતરરાષ્ટ્રીય સરહદથી 50 થી 75 મીટરની અંદર જોવા મળ્યા હોવાના અહેવાલ છે.'
આ પણ વાંચો : મહાકુંભમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ, 20 જેટલા ટેન્ટ બળીને ખાખ, મુખ્યમંત્રી પણ પહોંચ્યા ઘટનાસ્થળે
'બાંગ્લાદેશી ખેડૂતો પાકની ચોર કરતા હતા'
ભારતીય ખેડૂતોનું કહેવું છે કે, 'અમે અમારા ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે અમે તેમને પાકની ચોર કરતા જોયા હતા. જ્યારે આ મામલે અમે પૂછ્યું તો તેઓ હિંસા પર ઉતરી આવ્યા હતા.' બીજી તરફ, બાંગ્લાદેશી ખેડૂતોએ દાવો કર્યો છે કે, 'રો લાઇન નજીકના બાંગ્લાદેશી વિસ્તારમાં ઘઉં કાપવા ગયા હતા. જ્યારે તેઓ કામ કરી રહ્યા હતા ત્યારે ભારતીય ખેડૂતો સરહદ પાર કરીને બાંગ્લાદેશી વિસ્તારમાં ઘૂસી ગયા અને ઘણા કેરીના ઝાડ કાપી નાખ્યા.'
મીડિયા અહેવાલ મુજબ, આ ઘટનામાં ત્રણ બાંગ્લાદેશી નાગરિક ઈજાગ્રસ્ત થયા હતા. જે વિસ્તારમાં અથડામણ થઈ તે વિસ્તાર બંધ છે, જેના કારણે યોગ્ય વાડ બાંધવી મુશ્કેલ બની ગઈ છે. આ કારણે, બંને બાજુના સ્થાનિક લોકો સરળતાથી એકબીજા તરફ આગળ વધે છે.
BSFના ડેપ્યુટી કમાન્ડન્ટે શું કહ્યું?
BSFના ડેપ્યુટી કમાન્ડન્ટ રાકેશ સિંહે જણાવ્યું હતું કે, 'પરિસ્થિતિ નિયંત્રણમાં છે. બંને તરફથી કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી. ભારતીય ખેડૂતોને આવી કોઈપણ ઘટનાને લઈને BSFને જાણ કરવા જણાવાયું.'