
દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તે બંગલાનું ભવિષ્ય નક્કી કરી લીધુ છે જે છેલ્લા કેટલાક વર્ષથી રાજકારણનો મોટો મુદ્દો બનેલો છે. શપથ પહેલા જ રેખા ગુપ્તાએ કહ્યું કે 'શીશમહેલ'ને મ્યુઝિયમ બનાવવામાં આવશે. મુખ્યમંત્રી તરીકે જે બંગલામાં કેજરીવાલ રહેતા હતા ભાજપ તેને 'શીશ મહેલ' કહે છે. આરોપ છે કે કેજરીવાલે આ બંગલાના પુનનિર્માણ અને સમારકામ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે. ભાજપ પહેલા જ નક્કી કરી ચુકી છે કે તેમનો મુખ્યમંત્રી આ બંગલામાં નહીં રહે.
શીશમહેલને લઇને રેખા ગુપ્તાનો મોટો નિર્ણય
દિલ્હીના મુખ્યમંત્રી તરીકે પસંદ થયેલા રેખા ગુપ્તાએ શપથ પહેલા જ કહ્યું કે, 'હું શીશમહેલમાં રહેવા નહીં જાવું.તે જનતાના પરસેવાની કમાણીનો મહેલ છે. હું જનતાને સમર્પિત કરીશ. જનતા જાય, તેને જુવે અને તેમને દરેક ક્ષણે આ વાતનો અહેસાસ થશે કે તેમના પૈસા ક્યા ખર્ચ થયા છે.'
એક સવાલના જવાબમાં રેખા ગુપ્તાએ કહ્યું કે, 'અમે શીશમહેલને એક મ્યુઝિયમ બનાવીશું...અમે તે તમામ વચનોને પણ પૂર્ણ કરીશું જે પીએમ મોદીએ કર્યા છે. આ પદ માટે મને પસંદ કરવા માટે આભાર માનું છું.'
શીશ મહેલનને લઇને ભાજપ-AAP વચ્ચે ચાલતો રહ્યો છે વિવાદ
દિલ્હીમાં 6 ફ્લેગસ્ટાફ રોડ સ્થિત આ બંગલાને લઇને ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે લાંબા સમયથી એક બીજા પર પલટવાર થતો રહ્યો છે.બંગલામાં ગેરકાયદેસર કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ CAG રિપોર્ટમાં પણ આ વાત સામે આવી હતી. CVCએ તપાસ પણ શરૂ કરી દીધી છે. આરોપ છે કે કોરોના કાળમાં અરવિંદ કેજરીવાલે આસપાસના કેટલાક બંગલાને પોતાના ઘરમાં ભેળવી લીધા હતા અને કરોડો રૂપિયા ખર્ચ કર્યા હતા. કથિત લીકર કૌભાંડમાં જેલમાં કેજરીવાલે બહાર આવ્યા બાદ જ્યારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું તો બંગલો ખાલી કરી દીધો હતો.
ચૂંટણી દરમિયાન પણ ભાજપે 'શીશમહેલ' ને એક મોટો મુદ્દો બનાવ્યો હતો. વડાપ્રધાન મોદીએ પણ અનેક રેલીમાં તેનો ઉલ્લેખ કર્યો હતો અને કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા. મહત્ત્વપૂર્ણ છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 70 બેઠકમાંથી 48 બેઠક પર જીત મેળવી હતી જ્યારે આમ આદમી પાર્ટી 22 બેઠક જીતવામાં સફળ રહી હતી. કેજરીવાલ, મનિષ સિસોદિયા, સૌરભ ભારદ્વાજ જેવા AAPના મોટા નેતાઓ ચૂંટણી હારી ગયા હતા.
રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી
ભાજપ ધારાસભ્ય રેખા ગુપ્તાને દિલ્હીના નવા મુખ્યમંત્રી પસંદ કરવામાં આવ્યા છે. તે રામલીલા મેદાનમાં બપોરે મુખ્યમંત્રીપદના શપથ લેશે. આ પાર્ટી માટે ઐતિહાસિક દિવસ છે કારણ કે ભાજપ 27 વર્ષ પછી સત્તામાં પરત ફરી છે. સુષ્મા સ્વરાજ, શિલા દીક્ષિત અને આતિશી પછી રેખા ગુપ્તા દિલ્હીના ચોથા મુખ્યમંત્રી બનશે.