
મમતા બેનર્જીની TMC પાર્ટીના સાંસદ મહુઆ મોઇત્રાએ લગ્ન કર્યા છે. તેમણે જર્મનીમાં BJDના પિનાકી મિશ્રા સાથે લગ્ન કર્યા છે, જે સુપ્રીમ કોર્ટના પ્રખ્યાત વકીલ પણ છે. પિનાકી મિશ્રા પુરી લોકસભા બેઠક પરથી બીજુ જનતા દળના સાંસદ પણ રહી ચૂક્યા છે. હાલમાં આ બેઠકનું પ્રતિનિધિત્વ ભાજપના સંબિત પાત્રા કરી રહ્યા છે. પિનાકી મિશ્રાના આ બીજા લગ્ન છે. તેમના પહેલા લગ્ન સંગીતા મિશ્રા સાથે થયા હતા, જેના થકી તેમના બે બાળકો છે, એક પુત્ર અને એક પુત્રી. ૬૫ વર્ષીય પિનાકી મિશ્રાની વકીલ તરીકે લાંબી કારકિર્દી રહી છે. આ સિવાય બીજેડીમાં નવીન પટનાયકના અંગત નેતાઓમાંના એક પણ રહ્યા છે.
પિનાકીના પહેલા લગ્ન ૧૯૮૪માં સંગીતા મિશ્રા સાથે થયા હતા. દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન કોલેજમાં અભ્યાસ કરનાર પિનાકી મિશ્રાની ગણતરી બીજેડીના ધનિક નેતાઓમાં થાય છે. તેઓ પહેલી વાર ૧૯૯૬માં લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા અને પછી ૨૦૧૯માં પુરી બેઠક પરથી જીત્યા હતા. તેમની લાંબી રાજકીય કારકિર્દી રહી છે, પરંતુ તેમની ગણતરી પ્રખ્યાત વકીલોમાં પણ થાય છે. તેમણે દેશની લગભગ તમામ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેસ લડ્યા છે. પિનાકી મિશ્રા હવે તેમના સંસદીય કાર્યકાળ દરમિયાન વિદેશી બાબતો સંબંધિત સમિતિ ઉપરાંત ઘણી સમિતિઓના સભ્ય રહી ચૂક્યા છે.
મહુઆ મોઇત્રાના પહેલા પતિ કોણ હતા?
મહુઆ મોઇત્રાના આ બીજા લગ્ન પણ છે. તેમના પહેલા લગ્ન લાર્સ બ્રોર્સન સાથે થયા હતા, મૂળ ડેનમાર્કના ફાઇનાન્સર છે. તેમના છૂટાછેડા બાદ મહુઆ મોઇત્રા સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંત દેહદરાય સાથે સંબંધમાં હતા, જેની સાથે તેમના સંબંધો બગડ્યા હતા. જય અનંત સાથેના ખરાબ સંબંધો વચ્ચે મહુઆ મોઇત્રાએ કહ્યું હતું કે, પુરુષો બાબતે મારી પસંદગી ખૂબ જ ખરાબ છે. હવે મહુઆ મોઇત્રાએ પિનાકીને તેમના જીવનસાથી તરીકે પસંદ કર્યા છે. જે તેમના કરતા ઉંમરમાં ૧૫ વર્ષ મોટા છે.
રસપ્રદ વાત એ છે કે, પિનાકી મિશ્રા અને મહુઆ મોઇત્રાનો લગ્નના જોડામાં એક ફોટો જર્મનીથી સામે આવ્યો છે. પરંતુ આ અંગે બંનેમાંથી કોઈએ તેની પુષ્ટિ કરી નથી.