
Caste Census Decision: કેન્દ્ર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી ( caste-based census ) કરવાની જાહેરાત કરી રહી છે. Congress સહિત વિપક્ષ વર્ષોથી જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવા માગતું હતું. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વારંવાર આ મુદ્દો ઉઠાવી તેને અમલમાં મુકવા અપીલ કરી રહ્યા હતાં. જો કે, સરકારે અચાનક આ જાહેરાત કરતાં વિપક્ષ ચોંકી ઉઠ્યું છે. વિપક્ષે સરકારના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતાં પૂછ્યું કે, આ હેડલાઈન મેનેજમેન્ટ તો નથી ને...
કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ જણાવ્યું હતું કે, સરકાર રાહુલ ગાંધી પર સમાજને જાતિ આધારિત વહેંચવાનો આરોપ લગાવી રહી હતી. તો શું હવે સરકાર સમાજને જાતિઓમાં વહેંચશે? રાહુલ ગાંધીની વર્ષો જૂની જાતિ આધારિત વસ્તી ગણતરીની માગની ટીકા કરી રહી હતી, હવે તેને સરકારનો માસ્ટરસ્ટ્રોક ગણાવવામાં આવી રહ્યો છે.
રાહુલ ગાંધીનો વિરોધ કેમ?
પવન ખેડાએ આગળ કહ્યું કે, જ્યારે સરકારે આ વાત માનવાની જ હતી, તો રાહુલ ગાંધીનો વિરોધ કેમ કરી રહી હતી. આમ ચોથી-પાંચમી વખત બન્યું છે, સરકારે પહેલાં રાહુલ ગાંધીનો વિરોધ કર્યો હોય અને બાદમાં તેમની વાત સ્વીકારી હોય. સામાજિક ન્યાય માટે જાતિ આધારિત વસ્તી ગણતરી જરૂરી છે. તેની સાથે અન્ય ઘણા પગલાં લેવા પડશે, સરકારે આ નિર્ણય જણાવતાં તેને કોંગ્રેસનું રાજકારણ માટેનું પત્તું ગણાવ્યું છે. પરંતુ તે અમારૂ પત્તું નહીં, સામાજિક ન્યાય પ્રત્યે અમારા મનમાં જે નિષ્ઠા છે તે જ છે. આખો દેશ જાણે છે કે, કોણ ઓરિજિનલ છે અને કોણ નકલી?
https://twitter.com/ANI/status/1917570503495278784
સરકારે હજુ ઘણા પગલાં લેવા પડશે
કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાના મતે, સરકારનો જાતિ આધારિત વસ્તી ગણતરીનો નિર્ણય પહેલું પગલું છે. સામાજિક ન્યાય માટે માત્ર આંકડાઓ કામમાં નહીં આવે. આ તો એક એક્સ-રે રિપોર્ટ છે. ત્યારબાદ કલ્યાણ માટે અન્ય ઘણા પગલાં લેવા પડશે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સાંજે સાત વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમાં આ મુદ્દે પ્રતિક્રિયા આપશે.
આ ગઠબંધનને અમારા એજન્ડા પર નચાવતા રહીશુંઃ લાલુ યાદવ
રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ યાદવે પણ કેન્દ્રના નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું કે, 'અમે સમાજવાદી જેમ કે, અનામત, જાતિ આધારિત વસ્તી ગણતરી, સમાનતા, બંધુત્વ, ધર્મનિરપેક્ષતા વગેરે મુદ્દાઓ પર 30 વર્ષ પહેલાં જ વિચાર્યું હતું, બીજા લોકો દાયકાઓ બાદ તેનું પાલન કરે છે. જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની માગ કરનારાઓને આ લોકોએ જાતિવાદી ગણાવ્યા, અને હવે પોતે જ... અમે આ ગઠબંધનને અમારા એજન્ડા પર નચાવતા રહીશું.'
30 વર્ષ જૂની માંગ, અમારી જીતઃ તેજસ્વી યાદવ
આરજેડી નેતા તેજસ્વી યાદવે આ મામલે કહ્યું કે, 'આ અમારી 30 વર્ષ જૂની માંગ હતી. આ અમારી જીત છે, સમાજવાદીઓ અને લાલુ યાદવની જીત છે... અગાઉ, બિહારના તમામ પક્ષો વડા પ્રધાનને મળ્યા હતા, પરંતુ તેમણે અમારી માંગણીને નકારી કાઢી હતી. ઘણા મંત્રીઓએ તેનો ઇનકાર કર્યો હતો, પરંતુ તે અમારી તાકાત છે કે તેમણે અમારા એજન્ડા પર કામ કરવું પડશે.'
જેડીયુએ જાતિગત વસ્તી ગણતરીના નિર્ણયને આવકાર્યો
જેડીયુના પ્રદેશ પ્રવક્તા અભિષેક જ્હાંએ સરકારના જાતિ આધારિત વસ્તી ગણતરીના નિર્ણયને આવકારતાં કહ્યું છે કે, કેન્દ્રની એનડીએ સરકારે દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. ચોક્કસપણે આ એક આવકાર્ય પગલું છે. આપ સૌ જાણો છો કે આપણા નેતા નીતિશ કુમારે આપણા પક્ષ તરફથી છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્લેટફોર્મ પર આ માંગણી કરી હતી.