
વકફ સંશોધન બિલ પાસ થતા જ યોગી સરકારે વકફ બોર્ડ દ્વારા ગેરકાયદેસર જાહેર થયેલી સંપત્તિઓ વિરૂદ્ધ કડક વલણ અપનાવ્યું છે. સરકારે તમામ જિલ્લા અધિકારીઓને આદેશ આપ્યો છે કે તે અભિયાન ચલાવીને આવી વકફ સંપત્તિઓની ઓળખ કરે જે મહેસુલમાં નોંધાયેલી નથી અને જેને નિયમ વિરૂદ્ધ વકફ જાહેર કરવામાં આવી છે. આવી સંપત્તિઓની તપાસ કરીને જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવે.
યુપીમાં વકફ દ્વારા દાવો કરાયેલી મોટાભાગની મિલકતોનો સત્તાવાર રેકોર્ડ નથી
મહેસૂલ વિભાગના જણાવ્યા અનુસાર, યુપીમાં વકફ બોર્ડ દ્વારા દાવો કરાયેલી મોટાભાગની મિલકતોનો કોઈ સત્તાવાર રેકોર્ડ નથી. મહેસૂલ રેકોર્ડ મુજબ, સુન્ની વક્ફ બોર્ડમાં ફક્ત 2,533 મિલકતો નોંધાયેલી છે. જ્યારે શિયા વક્ફ બોર્ડની માત્ર 430 મિલકતો જ સત્તાવાર રીતે નોંધાયેલી છે. જ્યારે વક્ફ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આંકડા આના કરતા ઘણા વધારે છે. સુન્ની વકફ બોર્ડ પાસે 1,24,355 મિલકતો છે અને શિયા વકફ બોર્ડ પાસે 7,785 મિલકતો છે.
દોષિતો સામે થશે કાર્યવાહી
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘણા જિલ્લાઓમાં તળાવો, ગૌચર જેવી જમીનોને વકફ જાહેર કરીને કબજામાં લેવામાં આવી હતી. હવે, આવા કિસ્સાઓમાં, કડક તપાસ પછી, જમીનને સરકારી મિલકત જાહેર કરીને પરત કરવામાં આવશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદેસર રીતે વકફ તરીકે જાહેર કરાયેલી દરેક મિલકત પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને દોષિતો પર જવાબદારી પણ નક્કી કરવામાં આવશે.
સંસદમાં વકફ સુધારા બિલ પાસ
વક્ફ સુધારા બિલ 2025ને લોકસભામાં મંજૂરી મળ્યા બાદ આખરે મોડી રાતે લાંબી ચર્ચા બાદ રાજ્યસભામાં પણ પાસ કરી દેવામાં આવ્યું છે. બિલની તરફેણમાં 128 વોટ જ્યારે 95 સભ્યોએ વિરોધમાં વોટિંગ કર્યું હતું. વક્ફ સુધારા કાયદો બનવા માટે હવે એક જ ડગલું રહી ગયું છે. આ બિલને હવે રાષ્ટ્રપતિને મોકલાશે જ્યાંથી મંજૂરી મળતાં જ વક્ફ કાયદો બની જશે.