
ગોરખપુરમાં રહેતા એક યુવકે એક જ દિવસમાં બે વાર લગ્ન કર્યા છે. તેણે દિવસે તેની ગર્લફ્રેન્ડ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા અને બાદમાં પરિવારના આગ્રહથી રાત્રે બીજી છોકરી સાથે લગ્ન કર્યા હતા. બીજા લગ્ન કર્યા પછી તેણે તેની ગર્લફ્રેન્ડને છોડી દીધી. બે દિવસ બાદ જ્યારે પ્રેમિકાને ખબર પડી કે, યુવકે તેની સાથે કોર્ટ મેરેજ બાદ પરિવારના સભ્યોની હાજરીમાં અન્ય છોકરી સાથે એ જ દિવસે રાત્રે ફરીથી લગ્ન કરી લીધા છે. પ્રેમિકા તો સીધી યુવકના ઘરે પહોંચી ગઈ. તો યુવકના પરિવારજનોએ તેની વાત સાંભળીને તેના પર ચારિત્ર્યહિનતાનો આરોપ મૂકી ઘરમાંથી કાઢી મૂકી. યુવતીની ફરિયાદના આધારે એસપી નોર્થ દ્વારા સ્થાનિક વિસ્તારની પોલીસને બે દિવસમાં તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.
હરપુર બુડહટ વિસ્તારની એક છોકરીને નજીકના ગામના જ સમુદાયના એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. લગભગ ચાર વર્ષ પછી બંનેએ એક મંદિરમાં લગ્ન કર્યા અને પછી સાથે રહેવા લાગ્યા. પરંતુ બંનેના પરિવારના સભ્યોને આ વિશે જાણ કરી નહોતી. દરમિયાન યુવકના પરિવારે તેના લગ્ન બીજી જગ્યાએ ગોઠવી દીધા. જ્યારે યુવકને આ વાતની ખબર પડી ત્યારે તેણે તેની ગર્લફ્રેન્ડ સાથે આ વાત શેર કરી અને કહ્યું કે, પરિવાર તરફથી દબાણ હતું. બીજી તરફપરિવારે લગ્નની તારીખ પણ નક્કી કરી. જ્યારે પ્રેમિકાને આ વાતની ખબર પડી તો ફરી એક વખત યુવક ઉપર દબાણ કર્યું.
છોકરીએ કહ્યું કે, ચાલ આપણે બંને કોર્ટમેરેજ કરીને પછી પરિવારને જાણ કરીશું તો આપણા સંબંધને સ્વીકારવા માટે મજબૂર થશે. જે દિવસે પરિવારે તેના લગ્ન નક્કી કર્યા હતા તે જ દિવસે કોર્ટ મેરેજની તારીખ પણ નક્કી કરવામાં આવી હતી. સવારે કોર્ટ ખુલતાની સાથે જ યુવકે તેની ગર્લફ્રેન્ડ સાથે કોર્ટમાં લગ્ન કરી લીધા અને બંને ઘરે પાછા ફર્યા. આ પછી યુવક તેની ગર્લફ્રેન્ડના ઘરેથી નીકળતા કહ્યું કે, તે તેના પરિવારના સભ્યોને મનાવી લેશે. પરંતુ યુવક સાંજે બીજા લગ્ન કરવા પહોંચી ગયો. તેણે 15 દિવસ સુધી તેની ગર્લફ્રેન્ડ સાથે વાત ન કરી તો યુવતી યુવકના ઘરે પહોંચતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો.
બે ગર્ભપાત કરાવ્યા અને જન્મેલું બાળક નર્સને સોંપ્યું
યુવતીનો આરોપ છે કે, તે બંને લિવ-ઇન રિલેશનશિપમાં હતા. આ દરમિયાન બે વખત ગર્ભપાત થયા. તારામંડળ સ્થિત એક નર્સિંગ હોમમાં બાળકને જન્મ આપ્યો, પરંતુ યુવકે તે બાળક નર્સને સોંપી દીધું. યુવકે કહ્યું કે, આપણે એકલા રહીએ છીએ અને બાળક થોડું મોટું થશે ત્યારે તેને લઈને આવીશું. છોકરીને ખબર નથી કે તે બાળક ક્યાં છે.