
- પ્રસંગપટ
ઓપરેશન સિંદૂરની સફળતા વિશે આજે પણ સતત ચર્ચાઓ થઈ રહી છે. ભારતની મિસાઇલ ક્ષમતાએ પાકિસ્તાનને ખોખરૂં કરી નાખ્યું છે. ભારતની એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનના ૬૦૦ કરતાં વધારે ડ્રોન તોડી પાડીને પાકિસ્તાનને હંફાવી નાખ્યું હતું. ભારતની એર ડિફેન્સ સિસ્ટમે ઓપરેશન સિંદૂરમાં રંગ રાખ્યો અને પાકિસ્તાનને મૂંઝવી માર્યું.
પાકિસ્તાનના ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવવા ભારતની ડિફેન્સ સિસ્ટમે ૧૦૦૦થી વધુ એર ડિફેન્સ ગન સિસ્ટમ તથા ૭૫૦ શોર્ટ અને મિડીયમ રેન્જ સરફેસ-ટુ-એર મિસાઇલ સિસ્ટમ ગોઠવી હતી. ભારતની બહુસ્તરીય ડિફેન્સ ટેકનોલોજી તેમજ તેના ઓપરેટીંગ માટે અપાયેલી સખત તાલીમ કામ લાગી હતી.
પાકિસ્તાન ભારતમાં ડરનું વાતાવરણ ઊભું કરવા માંગતું હતું. પાકિસ્તાને શરૂઆતમાં ૧૦૦ જેટલા ડ્રોનથી હુમલો કર્યો હતો. આ ૧૦૦ ડ્રોન ચોક્કસ સ્થળે ત્રાટકીને બહુ મોટી ખુવારી કરી શકે એમ હતાં, પરંતુ આ તમામ ડ્રોન ભારતની એર ડિફેન્સ સિસ્ટમે તોડી પાડયાં હતાં.
પોતાની પાસે ડ્રોન ટેકનોલોજી છે અને તેમાં પોતે ચઢિયાતા છે એમ કહેનાર પાકિસ્તાનને કદાચ એ ખબર નહોતી કે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ અનેકગણી વધારે પાવરફુલ છે અને સતત વોચ રાખી રહ્યું છે. પાકિસ્તાને છોડેલાં ડ્રોન્સનો કચ્ચરઘાણ વળી જવાથી પાકિસ્તાનને અબજો રૂપિયાનું નુક્સાન થયું છે.
ભારતના ડ્રોન ઉત્પાદકો સંરક્ષણ મંત્રાલય સાથે સતત સંપર્કમાં રહીને તેમની જરુરિયાત પ્રમાણે ડ્રોન બનાવી આપે છે. હવે ડ્રોન એક સુવિકસિત ઉદ્યોગ બની ગયો છે. કૃષિ ક્ષેત્રે ડ્રોનનો વપરાશ ઉત્તરોત્તર વધી રહ્યો છે.
ડ્રોન ટેકનોલોજી સંરક્ષણ હેતુ ક્રમશઃ વધુ ને વધુ વિકાસ પામતી ગઈ છે. આધુનિક યુદ્ધોમાં ડ્રોનનો ઉપયોગ એક અત્યંત મહત્ત્વપૂર્ણ શસ્ત્ર તરીકે થઈ રહ્યો છે. રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-ગાઝા વોરમાં પણ ડ્રોનનો છૂટથી ઉપયોગ થયો છે.
પાકિસ્તાનનો ઇરાદો ભારતનાં જાણીતાં ધર્મસ્થળો અને વધુ વસ્તી ધરાવતા વિસ્તારો પર ડ્રોન હુમલા કરવાનો હતો, પરંતુ તેની મનની મનમાં રહી ગઇ. સુવર્ણ મંદિરને ટાર્ગેટ કરવામાં આવ્યું હોવાના અહેવાલો હજુ હવે બહાર આવ્યા છે. ભારત પર હવાઇ હુમલામાં નિષ્ફળતા મળ્યા બાદ પાકિસ્તાન દેખીતી રીતે જ ડરી ગયું હતું. પાકિસ્તાનના ડ્રોન હુમલાથી ભારતને બહુ ઓછું નુકશાન થયું હતું.
ભારતનાં ૩૬ જેટલા લોકેશન પર પાકિસ્તાને ૩૦૦થી ૪૦૦ જેટલાં ડ્રોનથી હુમલા કર્યા હતા. પાકિસ્તાન તુર્કી અને ચીન પાસેથી ડ્રોન ખરીદવા ચાલુ રાખ્યું હતું. ભારતે સ્વદેશી ડ્રોન બનાવ્યાં છે, જ્યારે પાકિસ્તાને અન્ય દેશો પર આધાર રાખવો પડે છે.
ડ્રોન ટેકનોલોજી જેમ જેમ આધુનિક બનતી જાય છે તેમ તેમ ડ્રોનની ડિમાન્ડ વધતી જાય છે. આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો કહે છે કે ૨૦૩૦ સુધીમાં ભારતનું ડ્રોન માર્કેટ ૧૧ અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. હાલ વિશ્વના ડ્રોન માર્કેટમાં ભારતનું પ્રતિનિધિત્વ ૧૨.૨ ટકા જેટલું છે. ભારત વિદેશમાં પણ ડ્રોનની નિકાસ કરે છે.
૨૦૦૬માં ચીનમાં શેનઝન ખાતે સ્થપાયેલી ડીજેઆઇ નામની કંપની કોમર્શિયલ વપરાશ માટ બહુ મોટા પાયે ડ્રોન બનાવે છે. વિશ્વમાં બનતા કુલ ડ્રોનના ૭૦ ટકા જેટલા ડ્રોન આ એક કંપની બનાવે છે. ૧૦૦ જેટલા દેશોમાં એડીજેઆઈનાં ડ્રોનની નિકાસ થાય છે.
ભારતમાં ડ્રોન ફેડરેશન ઓફ ઇન્ડિયા (ડીએફઆઈ)ની રચના થઈ છે. ભારતમાં આજની તારીખે ૨૦૦ કરતાં વધારે ડ્રોન સ્ટાર્ટ-અપ્સ છે અને ડિફેન્સ, એગ્રિકલ્ચર, સર્વેલન્સ અને લોજિસ્ટિક સહિતનાં ક્ષેત્રો મળીને અંદાજે ૧૩,૦૦૦ જેટલાં ડ્રોન રજિસ્ટર્ડ થયેલાં છે.
ભારતમાં ડ્રોનના ઉત્પાદનને વેગ મળ્યો તેની પાછળનું મુખ્ય કારણ ૨૦૨૧માં ડ્રોનની આયાત પર મુકાયેલો પ્રતિબંધ છે. આયાત પર પ્રતિબંધ મુકાયા બાદ ડ્રોનનું ઉત્પાદન વધ્યું હતું. આયાત બંધ કરીને સરકારે સ્થાનિક ઉત્પાદકો માટે સવલતો ઊભી કરી આપી હતી.