
ભારત-પાકિસ્તાન વચ્ચે થોડા દિવસો સરહદે તંગદીલી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર ઓપરેશન સિંદૂર અંતર્ગત હવાઈ હુમલો કરી દીધો છે. જેને લઈને યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે થોડા દિવસ અગાઉ સુરતના દરિયા કિનારે ભારતીય નેવીનું મહાકાય યુદ્ધ જહાજ આવી પહોંચ્યું હતું. ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધ જહાજ ‘INS સુરત' ચોર્યાસી તાલુકાના હજીરા અદાણી પોર્ટ પર આવી પહોંચ્યું હતું. આધુનિક યુદ્ધ તકનીકોથી સજ્જ આ લડાયક જહાજનું હજીરા પોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતું. આઈએનએસ સુરત એન્ટી-સર્ફેસ, એન્ટી-એર અને એન્ટી-સબમરીન યુદ્ધમાં સક્ષમ છે.
INS સુરત નામ શા માટે અપાયું?
ઇન્ડિયન નેવીએ ભારતના કોસ્ટલ એરિયા અને પોર્ટ ધરાવતા શહેરોના નામે INS સિરિઝના યુધ્ધ જહાજોના નામ રાખવાની નીતિ બનાવી છે. અને એ રીતે નામકરણ કરવાનો ડિફેન્સ ડિપાર્ટમેન્ટે નવો ક્રાઇટેરિયા બનાવ્યો છે. INS-SURAT પહેલા 3 યુદ્ધ જહાજના નામ INS વિશાખાપટ્ટનમ(આંધ્રપ્રદેશ), INS પારાદીપ (ઓડિશા) અને INS ઇમ્ફાલ (મણિપુર) રાખવામાં આવ્યા હતાં. INS સુરત નેવીના પ્રોજેકટ 15- B હેઠળનું ચોથું અને અંતિમ જહાજ છે. જે વિશાખાપટ્ટનમ ખાતે તહેનાત કરવાનું આયોજન છે. સુરતનો જહાજ સાથે જૂનો નાતો હોવાને લઈને યુદ્ધ જહાજને સુરતનું નામ આપવામાં આવ્યું હતું. પ્રાચીન સમયમાં સુરતમાં જહાજના નિર્માણ પણ થતાં હતાં.
જહાજ 167 મીટર લાંબુ
યુદ્ધ જહાજ 'INS સુરત'નું નિર્માણ મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL), મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે, જેના મહત્તમ ઉપકરણો, સંસાધનો સ્વદેશી છે, જે ‘આત્મનિર્ભર ભારત’ તેમજ મેક ઇન ઇન્ડિયા વિઝનને પ્રતિબિંબિત કરે છે. જહાજની લંબાઈ 167 મીટર, પહોળાઈ 17.4 મીટર અને વજન 7400 ટન છે. તે 30 નોટ્સ (56 કિમી/કલાકથી વધુ)ની ઝડપ ધરાવે છે.
જહાજમાં અદ્યતન સેન્સર્સ
INS સુરત એન્ટી-સર્ફેસ, એન્ટી-એર અને એન્ટી-સબમરીન યુદ્ધમાં સક્ષમ છે. એ નેટવર્ક-સેન્ટ્રિક યુદ્ધ ક્ષમતાઓ અને અદ્યતન સેન્સર્સ ધરાવે છે. આ જહાજ નૌકાદળના 50 અધિકારી અને 250 ખલાસીને સમાવી શકે છે. એ 16 બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ્સ (સર્ફેસ ટુ સર્ફેસ), 32 બરાક-8/MRSAM (સર્ફેસ ટુ એર)માં માર કરતી મિસાઇલ્સ, 76 એમએમ SRGM ગન, ચાર AK-630M નજીકના હથિયાર સિસ્ટમ, બે L&T ટ્વિન ટોર્પિડો લોન્ચર્સ અને બે L&T રોકેટ લોન્ચર્સ (એન્ટી-સબમરીન યુદ્ધ માટે) ચલાવવા માટે સક્ષમ છે.આ યુદ્ધજહાજથી સરફેસ ટુ એર બારાક -8 મિસાઈલ, બ્રહ્નમોસ મિસાઈલ છોડી શકાય છે. એ ઉપરાંત RBU – 6000 એન્ટી સબમરીન રોકેટ લૉન્ચર પણ છોડવાની સુવિધા છે. OTO મેલારા 76 MM નવલ ગન્સ,AK-630 સ્ટેબીલાઈઝ રિમોટ ગનથી ગન ફાયર કરવાની ક્ષમતા ધરાવે છે. યુદ્ધજહાજના અપર ફ્લોર પર ફ્લાઈટ ડેક અને હેલિકોપ્ટર હેંગરની સુવિધા રાખવામાં આવી છે.
દિવસ-રાત થઈ શકે છે સંચાલન
ખાસ કરીને એ અદ્યતન MF-STAR રડાર અને નેટવર્ક-સેન્ટ્રિક યુદ્ધ ક્ષમતાઓથી સંપૂર્ણ સજ્જ છે. ઉપરાંત ચેતક, ALH, સી કિંગ અને MH-60R જેવાં હેલિકોપ્ટરોનું દિવસ-રાત સંચાલન કરી શકે છે, જેમાં રેલ-લેસ હેલિકોપ્ટર ટ્રાવર્સિંગ સિસ્ટમ અને વિઝ્યુઅલ એઇડ લેન્ડિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે.ઈન્ડિયન નેવીએ કોલકાતા ક્લાસ ડિસ્ટ્રોયર્સને અપગ્રેડ કરી એનું નામ બદલીને વિશાખાપટ્ટનમ ક્લાસ ડિસ્ટ્રોયર રાખ્યું છે. આ પ્રોજેક્ટનું નામ P-15 બ્રાવો-ક્લાસ અથવા P15-B રાખવામાં આવ્યું હતું. INS સુરત ભારતીય નૌકાદળનું વિશાખાપટ્ટનમ-ક્લાસ (પ્રોજેક્ટ 15B)નું ચોથું અને અંતિમ સ્ટીલ્થ ગાઈડેડ-મિસાઈલ ડિસ્ટ્રોયર છે, જે વિશ્વના સૌથી અદ્યતન યુદ્ધજહાજોમાંનું એક મનાય છે.