Home / India : Security agencies on alert after suspicious Pakistani boat spotted in Maharashtra

મહારાષ્ટ્રમાં શંકાસ્પદ પાકિસ્તાની બોટ મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ, તપાસ હાથ ધરાઇ    

મહારાષ્ટ્રમાં શંકાસ્પદ પાકિસ્તાની બોટ મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ, તપાસ હાથ ધરાઇ    

પોલીસ અને સમુદ્રી સુરક્ષા એજન્સીઓએ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના રેવદાંડા દરિયા કાંઠે એક શંકાસ્પદ બોટની તલાશ શરૂ કરી છે, જે પાકિસ્તાની માછીમારી બોટ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી. એક અધિકારીએ જણાવ્યું કે, રવિવારે રાત્રે ભારતીય નૌકાદળની રડાર પર આ બોટ રેવદાંડામાં કોરલાઈ દરિયા કાંઠેથી લગભગ બે નોટિકલ માઈલ દૂર જોવા મળી હતી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ શંકાસ્પદ બોટ પાકિસ્તાની હોવાની આશંકા

તેમણે કહ્યું કે, તે 'કદાચ પાકિસ્તાની માછીમારી બોટ' હોઈ શકે છે, પરંતુ બોટ વિશે માહિતી મળ્યા બાદ જ તેની ઓળખ અને અન્ય વિગતોની પુષ્ટિ થઈ શકશે. એક અધિકારીએ અગાઉ જણાવ્યું હતું કે, પ્રાથમિક માહિતી પ્રમાણે એવી શંકા છે કે બોટ રાયગઢ દરિયા કાંઠા સુધી આવી ગઈ હશે. બોટ દેખાયા બાદ રાયગઢ દરિયા કાંઠે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. 

સર્ચ ઓપરેશન શરૂ

અધિકારીએ જણાવ્યું કે, સૂચના મળ્યા બાદ રાયગઢ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ક્વિક રિએક્શન ફોર્સ, નેવી અને કોસ્ટ ગાર્ડના જવાનો રાત્રે ઘટનાસ્થળે પહોંચ્યા અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ હતું. જોકે, ભારે વરસાદ અને ભારે પવનના કારણે રાત્રે બોટ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી.

સાવચેતીના પગલા રૂપે જિલ્લામાં સુરક્ષા વધારાઈ

અધિકારીએ આગળ જણાવ્યું કે, રાયગઢના પોલીસ અધિક્ષક આંચલ દલાલ પરિસ્થિતિ પર નજર રાખવા માટે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે દરિયા કાંઠે પહોંચ્યા હતા. દલાલે ખુદ બોટ દ્વારા શંકાસ્પદ બોટ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ખરાબ હવામાનને કારણે તેમણે પાછા ફરવું પડ્યું હતું. આ વિસ્તારમાં ભારે પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું છે અને સાવચેતીના પગલા રૂપે જિલ્લામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

2008માં ભયાનક આતંકવાદી હુમલો

તમને જણાવી દઈએ કે, 2008માં ભારે હથિયારોથી સજ્જ 10 આતંકવાદીઓ અંધારાની આડમાં પાકિસ્તાન તરફથી સમુદ્રના રસ્તે મુંબઈ પહોંચ્યા હતા અને તેમણે ત્રણ દિવસ સુધી મુંબઈમાં તબાહી મચાવી હતી. આ ભયાનક આતંકવાદી હુમલામાં 166 લોકોના મોત થઈ ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. 

Related News

Icon