
કોચ્ચીથી દિલ્હી જતી ઇન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળ્યા બાદ નાગપુર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે. મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલા હૈદરાબાદ આવતી લુફથાંસાની ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળતા તેને ફ્રેન્કફર્ટ પરત મોકલવામાં આવી હતી.
વિમાન પર બોમ્બની ધમકી મળ્યા બાદ પ્રોટોકોલ હેઠળ તરત જ ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે જેમાં આ પૃષ્ટી થઇ કે ધમકી ગંભીર હતી કારણ કે તેમાં ફ્લાઇટનો નંબર સ્પષ્ટ આપવામાં આવ્યો હતો. તે સમય સુધી ફ્લાઇટ કોચ્ચીથી ઉડાન ભરી ચુકી હતી જેને સુરક્ષાના કારણોસર નાગપુર એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. વિમાન અને મુસાફરોની તપાસ ચાલી રહી છે.
આ પહેલા શુક્રવારે થાઇલેન્ડના ફૂકેટથી નવી દિલ્હી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-379ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી જે બાદ વિમાનને ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી હતી. ફૂકેટ એરપોર્ટના અધિકારીઓએ આ જાણકારી આપી હતી. એક અધિકારીએ જણાવ્યુ કે ઇમરજન્સી પ્રોસીજરનું પાલન કરતા તમામ મુસાફરોને વિમાનની બહાર કાઢવામાં આવ્યા હતા. એર ઇન્ડિયાના આ વિમાનમા 156 મુસાફર સવાર હતા.