Mehsana: આજે 21 જૂનના રોજ દેશ અને દુનિયામાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે ખાસ કાર્યક્રમ 'યોગ સંગમ' હેઠળ લોકો સવારે 6:30 થી 7:45 વાગ્યા સુધી દેશભરમાં એક લાખથી વધુ સ્થળોએ સામાન્ય યોગ પ્રોટોકોલ અનુસાર સામૂહિક રીતે યોગ કરી રહ્યા છે. ત્યારે મહેસાણાના વડનગરમાં શર્મિષ્ઠા તળાવ પર રાજ્યકક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીએ આપી હાજરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ યોગ દિવસની ઉજવણીમાં હાજર રહ્યા હતા. શહેરના શર્મિષ્ઠા તળાવ પર 3 હજાર કરતા વધુ લોકો યોગ કરવા માટે પહોંચ્યા હતા. એટલું જ નહીં આજે વડનગરમાં અલગ અલગ 11 સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામા આવી હતી. જેમાં શર્મિષ્ઠા તળાવ, તાનારીરી, કીર્તિ તોરણ, આર્કિયોલોજીકલ મ્યુઝિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, પ્રેરણા સ્કૂલ, હાટકેશ્વર મંદિર, હાથી દેરાણસણ, પ્રેરણા સ્ટ્રીટ સહિત 11 સ્થળે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ભુજંગાસનમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાયો
આજે વડનગર ખાતે રાજ્યકક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભુજંગાસનનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. આ કાર્યક્રમમાં ભાગ લેનારા 3000 લોકોએ સતત 2.9 મિનિટ સુધી ભુજંગાસન કરીને ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.