
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે Apple પર ટેરિફ લગાવવાની ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું કે જો કંપની ભારત અથવા કોઇ અન્ય દેશમાં બનેલા iPhone અમેરિકામાં વેચે છે તો તેના પર 25 ટકા ટેરિફ લાગશે. ટ્રમ્પની આ ધમકી બાદ અમેરિકન કંપની Apple માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે.
ભારતમાં Appleનો પ્લાન્ટ લગાવવાની જરૂર નથી- ટ્રમ્પ
Appleની સૌથી મોટી કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચર ફૉક્સકોને ભારતમાં 1.49 બિલિયન ડૉલર (12,700 કરોડ)નું રોકાણ કર્યું છે. ફૉક્સકોને પોતાના સિંગાપુર યૂનિટ દ્વારા તમિલનાડુના યુજહાન ટેકનોલોજી (ઇન્ડિયા) પ્રાઇવલેટ લિમિટેડમાં આ રોકાણ કર્યું છે.
કંપનીએ આ રોકાણ એવા સમયે કર્યું છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નથી ઇચ્છતા કે Appleની પ્રોડક્ટ ભારતમાં બને. ગત અઠવાડિયે ટ્રમ્પે કંપનીના CEO ટીમ કુકને કહ્યું હતું કે ભારતમાં ફેક્ટરી લગાવવાની જરૂર નથી. ભારત પોતાનું ધ્યાન ખુદ રાખી શકે છે.
Appleના CEO સાથે થયેલી વાતચીતની જાણકારી ટ્રમ્પે કતારના પાટનગર દોહામાં બિઝનેસ લીડર્સ કાર્યક્રમમાં આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે Appleએ અમેરિકામાં પોતાનું પ્રોડક્શન વધારવું પડશે.
અમેરિકન બજારમાં વેચાનારા 50% iPhone ભારતમાં બને છે
Appleના CEO ટીમ કુકે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે અમેરિકન બજારમાં વેચાનારા 50% iPhone ભારતમાં બની રહ્યાં છે. ટીમ કુકે કહ્યું કે ભારત એપ્રિલ-જૂન ત્રિમાસીકમાં અમેરિકામાં વેચાનારા આઇફોન્સનો કંટ્રી ઓફ ઓરિજિન બની જશે. એરપોડ્સ, એપલ વોચ જેવી અન્ય પ્રોડક્ટ મોટાભાગે વિયેતનામમાં બની રહી છે.