Home / : Vallabhbhai was a great warrior of iron courage

Ravi Purti: વલ્લભભાઈ લોખંડી પુરુષાર્થના મહાયોદ્ધા હતા

Ravi Purti: વલ્લભભાઈ લોખંડી પુરુષાર્થના મહાયોદ્ધા હતા

- સરદાર @150 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- છેવટે નક્કી થયું કે વિલાયત જવું હોય તો પૈસા કમાઈને જવું. પછી વકીલાતનો અભ્યાસ કર્યો ને વકીલાતનો ધંધો કરી ખર્ચ જેટલી કમાણી કરી વિલાયત જવાનો નિશ્ચય કર્યો.'

આપણી પૌરાણિક પરિભાષામાં કહીએ તો સરદાર વલ્લભભાઈ પટેલ બ્રહ્મર્ષિ નહીં, પણ રાજર્ષિ હતા. સ્વરાજનું તંત્ર ચલાવવામાં તેમણે જે મુત્સદ્દીગીરીનો પરિચય કરાવ્યો, રજવાડાઓના એકત્રિકરણમાં તેમણે જે અડગતા-નિડરતા બતાવી, દેશસેવા અને ગાંધીશરણ માટે તેમણે જે સમર્પણભાવ દાખવ્યો, તે જ રીતે તેમનામાં હસતે મોંએ શારીરિક અને સાંસારિક દુઃખો સહન કરી લેવાની અનન્ય તિતિક્ષા પણ હતી. આ અર્થમાં સરદાર એટલે મહાયોદ્ધા. સરદાર એટલે વીર સુભટ.

યાદ રહે કે વલ્લભભાઈમાં આવા સંયમ, ત્યાગ અને સહનશીલતાના લક્ષણો વારસામાં મળ્યાં હતા અને એ વારસો પિતાનો, પરિવારનો અને સમાજનો પણ હતો. ઝવેરભાઈ પટેલે પરિવારની સામાન્ય સ્થિતિ, ધર્મ પ્રત્યેની અડગતા, પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવવાનું સમર્પણ, જેવા અનેક ગુણોનો વારસો વલ્લભભાઈને આપ્યો હતો.

એટલે વલ્લભભાઈ જીવનના ૨૨મા વર્ષે, મેટ્રિક પાસ થઈ ગયા પછી બગલમાં થયેલું ગૂમડું જાતે જ ફોડી શક્યા હતા. આ વાત ભલે દુનિયાને નવાઈ ભરેલી લાગે, પરંતુ એમને માટે તો એ સામાન્ય હતી. વાત એટલી જ કે બગલમાં થયેલાં ગૂમડાંમાં (કાખબિલાડી) ગામના વાળંદે આવીને નસ્તર મૂકવાનું હતું. પેલા ભાઈ નસ્તર મૂકવા માટે તૈયાર કરેલો ધગધગતો સળિયો લઈને આવ્યા તો ખરાં, પણ એમની હિંમત ચાલી નહીં, હાથ ધ્રૂજ્યા, એટલે વલ્લભભાઈએ જાતે જ એ સળિયો પોતાના ગૂમડાં ઉપર મૂકીને અંદરનો બધો ગંદવાડ (પરુ) કાઢવાની હિંમત ચૂં કે ચા કર્યા વગર બતાવી હતી.

આ વાત આટલી સહજ નહોતી. એની પાછળની ભૂમિકા એવી હતી કે મેટ્રિક પાસ થયા પછી તેમને માસ્તર કે કારકૂનની સામાન્ય કારકીર્દિ પસંદ નહતી. એમનામાં યુવાનીના સ્વપ્નો જાતભાતની રીતે ઉભરાઈ રહ્યાં હતા. મોટા બેરિસ્ટરો જોઈને તેમણે મનમાં ગાંઠ વાળેલી કે ઈંગ્લેન્ડ જઈને બેરિસ્ટર થવું. આ કાળના વલ્લભભાઈના મનોરાજ્યને તેમણે પોતે જ ઈ.સ. ૧૯૨૧ના મોડાસાના એક ભાષણમાં વર્ણવતાં કહેલું કે.....

'મારી માન્યતા એ વખતે એવી હતી કે આ અભાગી દેશમાં પરદેશીની નકલ કરવી એ જ ઉત્તમ કાર્ય છે...... આ દેશના માણસો તો ગુલામગીરીને જ લાયક છે..... હું નાનપણથી જ જે લોકો સાત હજાર માઈલ દૂર પરદેશથી રાજ કરવા આવે છે તેમનો દેશ કેવો હશે તે જોવા અને જાણવાને તરફડિયાં મારતો હતો.... મારા બાપ મંદિરમાં જિંદગી ગાળતા અને તેમાં જ પૂરી કરેલી. મારી ઈચ્છા પૂરી કરવા તેમની પાસે સાધન ન હતું. મને માલૂમ પડયું કે દસ પંદર હજાર રૂપિયા મળે તો વિલાયત જવાય. મને કોઈ એટલા રૂપિયા આપે એમ ન હતું..... છેવટે નક્કી થયું કે વિલાયત જવું હોય તો પૈસા કમાઈને જવું. પછી વકીલાતનો અભ્યાસ કર્યો ને વકીલાતનો ધંધો કરી ખર્ચ જેટલી કમાણી કરી વિલાયત જવાનો નિશ્ચય કર્યો.'

આ ભૂમિકાએ 'સસ્તું ભણવાનો અને સહેલાઈથી રળવાનો ધંધો' શોધવાના એ દિવસો હતા વલ્લભભાઈ માટે. વકીલાત માટે ઈંગ્લેન્ડ જવામાં મોટી રકમ જોઈએ, તે નહોતી. એલ.એલ.બી. થવા માટે (તે સમયે) ૬ વર્ષ જોઈએ, તે નહતા. કારકૂની જેવી નાની-મોટી નોકરીઓ કરવાની ઈચ્છાશક્તિ જોઈએ, તે નહતી. એટલે તેમને માટે 'ડિસ્ટ્રીક્ટ પ્લીડર' ની પરીક્ષા પાસ કરીને, વહેલાં વહેલાં વકીલ થઈને, પૈસા કમાઈ લઈને, વધતી ઉંમરે સંસારની જવાબદારીઓ નિભાવવાનો અને ઈંગ્લેન્ડ માટે નાણા ભેગા કરી લેવાનો ટૂંકો અને ઝડપી માર્ગ પસંદ કરવો અનિવાર્ય થઈ પડયો હતો.

આ ડિસ્ટ્રિક્ટ પ્લીડરની પરીક્ષાનું તો એવું હતું કે ઘેર રહીને તૈયારી થઈ શકે. ખર્ચ કાંઈ થાય નહીં. કાયદાની ચોપડીઓ તો ઓળખીતા વકીલને ત્યાંથી માંગી લાવવાની, અને જાતે જ એનો અભ્યાસ કરી લેવાનો. દેશને ઘડનારા આ લડવૈયાએ આ રીતે જાતે ને જાતે, લાગલગાટ ૩ વર્ષ ચોટલી બાંધીને ઘેર બેઠાં પોતાનામાં રહેલાં સફળ વકીલનું ઘડતર ઈ.સ.૧૮૯૭માં મેટ્રિક પાસ થયા પછીના ૩ વર્ષ તેમણે નડિયાદમાં રહીને આ પરીક્ષાની તૈયારીઓ કરી હતી, અને ૧૯૦૦ના વર્ષમાં તે સફળતાપૂર્વક પ્લીડર બની ગયા હતા.

આ સમયગાળો, ૧૮૯૭થી ૧૯૦૦ના ત્રણ વર્ષમાં વકીલ થવા માટે રાત-દહાડો એક કરીને અભ્યાસ કરતાં વલ્લભભાઈના જીવનમાં માન્યામાં ન આવે એવા પ્રસંગો બન્યા હતા. તે પૈકીનો એક એટલે પેલો બગલના ગૂમડાંને જાતે જ ફોડી નાંખ્યાનો લોખંડી પુરુષાર્થ.

- હસિત મહેતા

Related News

Icon