
લોકો આજે પણ બોલિવૂડના મહાન અભિનેતા રહી ચુકેલા સ્વર્ગસ્થ ઈરફાન ખાન (Irrfan Khan) ને તેમની ભૂમિકાઓ માટે યાદ કરે છે. જો તમે પણ ઈરફાન ખાન (Irrfan Khan) ના ફેન છો અને તેમને મોટા પડદા પર જોવા માંગો છો, તો તમારા માટે સારા સમાચાર છે. ઈરફાન ખાનની ફિલ્મ 'પીકુ' ફરી એકવાર થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ 9 મેના રોજ રી-રિલીઝ થશે. રી-રિલીઝની જાહેરાત કરતી વખતે, દીપિકા પાદુકોણે સ્વર્ગસ્થ અભિનેતા ઈરફાન ખાનને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી જે ફેન્સના હૃદયને સ્પર્શી ગઈ. દીપિકાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ફિલ્મ વિશેનો પોતાનો અનુભવ શેર કર્યો છે. આ ક્લિપમાં ફિલ્મના ભાવનાત્મક અને રમુજી સીન પણ શામેલ હતા. આ ફિલ્મ 9 મે, 2025ના રોજ રી-રિલીઝ થવાની છે.
ઈરફાન ખાનને યાદ કરીને ભાવુક થઈ દીપિકા
દીપિકાએ પોસ્ટમાં સ્વર્ગસ્થ અભિનેતા ઈરફાન (Irrfan Khan) ને યાદ કર્યા અને તેમને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી હતી. આ ફિલ્મમાં અભિનેતાએ રાણા ચૌધરીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન શૂજિત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. ફિલ્મ પ્રત્યેનો પોતાનો પ્રેમ શેર કરતા દીપિકાએ પોસ્ટ સાથે લખ્યું, "એક ફિલ્મ જે હંમેશા મારા હૃદયમાં રહેશે - પીકુ 9 મે, 2025ના રોજ તેની 10મી વર્ષગાંઠની ઉજવણી માટે થિયેટરમાં પાછી આવી રહી છે!' ઈરફાન, અમને તમારી યાદ આવે છે! અને ઘણી વખત તમારા વિશે વિચારીએ છીએ." કોમેડી-ડ્રામા 'પીકુ' ને બોલીવુડની બેસ્ટ ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે. ક્રિટીકસે ફિલ્મની અનોખી વાર્તા અને તેના લીડ એક્ટર્સના શાનદાર અભિનયની પ્રશંસા કરી હતી.
આ ફિલ્મમાં દીપિકાએ લીડ રોલ ભજવ્યો હતો. જયારે અમિતાભ બચ્ચને તેના પિતાનો રોલ નિભાવ્યો હતો. ઈરફાન (Irrfan Khan) એ રાણા ચૌધરીની ભૂમિકા ભજવી હતી, જે એક પ્રોફેશનલ ટેક્સી કંપનીનો માલિક છે અને લીડ એક્ટર્સની કૌટુંબિક મુશ્કેલીઓમાં ફસાયેલો જોવા મળે છે. ઈરફાન (Irrfan Khan) ની રમૂજ ફિલ્મની જીવન કથાને પૂરક બનાવે છે, જે તેમના અભિનયને અદ્ભુત બનાવે છે. શૂજિત સરકારની 'પીકુ' 2015માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને ક્રિટીકસ અને દર્શકો બંને તરફથી પોઝિટીવ રીવ્યુ મળ્યા હતા. આ ફિલ્મમાં તેની ભૂમિકા માટે દીપિકાએ બેસ્ટ એક્ટ્રેસની કેટેગરીમાં તેનો બીજો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો.