મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. એકબાજુ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપી તો બીજી તરફ એવા પણ સમાચાર છે કે ઇઝરાયલે ફરીથી ઈરાન પર હુમલા શરૂ કરી દીધા છે. ઈરાની મીડિયા પ્રમાણે ઇઝરાયલે ફરીથી શિરાઝ અને તાબ્રિઝ શહેરો તેમજ નતાન્ઝ પરમાણુ સાઈટ પર હુમલો શરૂ કરી દીધો છે. અગાઉ, ઇઝરાયલી લશ્કરી પ્રવક્તા બ્રિગેડિયર જનરલ એફી ડેફ્રીને કહ્યું હતું કે ઇઝરાયલી હુમલાઓમાં ઈરાનના મુખ્ય પરમાણુ સ્થળોને ઘણું નુકસાન થયું છે. આ લડાઈ લાંબી હોઈ શકે છે. જેનો સ્પષ્ટ સંકેત છે કે ઇઝરાયલ અટકશે નહીં અને તે ઈરાન પર વધુ હુમલા કરી શકે છે.
ઇઝરાયલે ઈરાનના કુલ 20 ટોચના લશ્કરી કમાન્ડરોને મારી નાખ્યા છે. ઈરાન તરફથી વળતી કાર્યવાહીના ડરથી ઈઝરાયેલ પહેલેથી જ સતર્ક છે. સ્વીડનમાં દૂતાવાસે કહ્યું કે હાલની સ્થિતિ પ્રમાણે ઇઝરાયલ તમામ દેશોમાં તેના દૂતાવાસો બંધ કરશે. આ દૂતાવાસો આગામી સૂચના સુધી બંધ રહેશે અને ત્યાં કોન્સ્યુલર સેવાઓ પૂરી પાડવામાં આવશે નહીં.

