
અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ
'શ્રમણોનાં જીવનઘડતર માટે જેને 'ઓલટાઈમ ગ્રેટ ગ્રન્થ' કહી શકાય તે દશવૈકાલિક આગમમાં શ્રમણોને વૈરાગ્ય પ્રબળ બની રહે એ માટે ખૂબ ઝીણવટભરી બાબતો આલેખાઈ છે. એમાં વિજાતીય વ્યક્તિ પર રાગ ન થઇ જાય એની તકેદારી છે, આકર્ષક અલંકારો- ફર્નીચર વગેરે પર રાગ ન થઈ જાય એની તકેદારી છે, તો સ્વાદિષ્ટ ખાદ્યપદાર્થો પર રાગ ન થઈ જાય એની ય તકેદારી છે. ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે લગભગ સવા બે હજાર વર્ષ પછી પણ આ આગમ આજે ય દરેક શ્રમણ- શ્રમણીભગવંતોને સંયમસ્વીકાર બાદ તુર્તના સમયમાં ભણાવવાની પ્રણાલિકા બિલકુલ બરકરાર છે.'
જૈન ધર્મની અઢળક વિશેષતાઓ પૈકી, ઝળહળતા આકાશી સૂરજ જેવી એક વિશેષતા છે એના દોષમાત્રથી રહિત અને ગુણખચિત પૂર્ણસ્વરૂપી ભગવાન. જૈન દર્શન સંપૂર્ણ આત્મકલ્યાણ માટે જે જે દોષોના નાશને અનિવાર્ય માને છે તે તે તમામ દોષોનો સંપૂર્ણ નાશ એના અરિહંત- સિદ્ધ ભગવાનમાં નિહાળાય છે. એથી એનાં સિદ્ધાંતોના અભ્યાસીઓ-જિજ્ઞાાસુઓને એ વાતની પ્રતીતિ થાય છે કે આત્મકલ્યાણ માટે અનિવાર્ય મનાતી દોષનાશની વાતો માત્ર કાગળ પરના દીવા જ નથી. માત્ર સિદ્ધાંતોના આદર્શો જ નથી, બલ્કે સાધના દ્વારા જીવનમાં સંપૂર્ણ સાક્ષાત્કાર પામી શકે તેવી બાબતો છે.
ઉદાહરણરૂપે લઈએ આત્મકલ્યાણ માટે અનિવાર્યરૂપે અવરોધક બનતા ત્રણ દોષો. એ છે રાગ, દ્વેષ અને મોહ. મહાન શાસ્ત્રકાર શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ લખે છે કે 'રાગો દ્વૈષશ્ચ મોહશ્ચ, ભાવમાલિન્યહેતવ:.' મતલબ કે રાગ, દ્વેષ અને મોહ : ભાવમલિનતા- આત્મિક મલિનતાના મુખ્ય હેતુઓ છે. હવે સરખાવીએ અરિહંત-સિદ્ધભગવાનનાં જીવનમાં નિહાળાતો આ ત્રણ દોષોનો સંપૂર્ણ નાશ.
એ ભગવંતોમાં રાગદશાનું નામ-નિશાન નથી હોતું. એથી તેઓ વીતરાગ કહેવાય છે. અરે ! એમની મૂર્તિ સુદ્ધામાં ય રાગના પ્રતીકરૂપ સ્ત્રી આદિનો સંસર્ગ નથી હોતો. એ ભગવંતોમાં દ્વેષનો નાનકડો અંશ માત્ર નથી હોતો. જૈન તત્વજ્ઞાાન મુજબ, નવમા ગુણસ્થાનકના અંતે એ ક્રોધ-દ્વેષનો સર્વથા ક્ષય કરી સર્વજ્ઞા બની જાય છે. અરે ! એમની મૂર્તિ સુદ્ધામાં ય દ્વેષના પ્રતીકરૂપ કોઈ શસ્ત્રાસ્ત્ર હોતા નથી... એ ભગવંતોમાં મોહનો - અજ્ઞાાનનો અંશમાત્ર નથી હોતો. તેઓ જ્ઞાાનાવરણકર્મનો સર્વથા ક્ષય કરી સર્વજ્ઞા બની જાય છે. અરે ! એમની મૂર્તિને પણ પૂજનીય કરતાં પૂર્વે કૈવલ્યવિધાન (અંજનવિધાન) દ્વારા માન્ત્રિક પ્રક્રિયા દ્વારા સર્વજ્ઞાતાથી અલંકૃત કરાય છે. આમ ભગવાન સ્વયં રાગ-દ્વેષ-મોહથી બિલકુલ રહિત થઈ એ વાત પ્રબળપણે પુરવાર કરે છે કે જૈન સિદ્ધાંતો ફક્ત આદર્શનો નહિ, બલ્કે એથી ય વિશેષ આચરણનો-આત્મસાક્ષાત્કારનો વિષય છે.
અલબત્ત, વર્તમાનકાળમાં આપણી પાસે એવી ઉચ્ચતમ સાધના અને શુદ્ધિ શક્ય નથી કે જેથી અહીં જ અત્યારે જ રાગ દ્વેષ મોહનો સર્વથા ક્ષય થઈ શકે. એવી ઉત્કૃષ્ટ સાધના હાલમાં મહાવિદેહક્ષેત્રમાં છે. પરંતુ એ જરૂર શક્ય છે કે આપણે એ ત્રણે ય ની તીવ્રતામાં ધરખમ ઘટાડો કરી શકીએ. શ્રમણ હો કે સંસારી : સહુના માટે કક્ષાનુસાર ખૂબ વિશેષ યા વિશેષપણે શક્ય બની શકે છે આ. વર્તમાનમાં આત્મસાત્ થઈ શકે એવાં લક્ષ્યરૂપે આ ત્રણેય દોષોને આપણે આ 'ગોલ'થી નિર્બળ બનાવીએ :
૧) અતિ રાગ નહિ : ઉપર જણાવ્યું તેમ 'વીતરાગ' બનવાનું અત્યંત ઉત્કૃષ્ટ સાધનાનું પરિણામ હોય છે. એ સ્થિતિ આવે પછી તો તે જન્મના અંતે જ મોક્ષ હોય છે. એ અવસ્થા જ્યાં સુધી સર નથી થઈ શક્તી ત્યાં સુધી એનાં પ્રમાણમાં આસાન બીજા ક્રમનું લક્ષ્યાંક છે વિરાગ કેળવવાનું. વૈરાગ્યની આ ભૂમિકા મુખ્યત્વે સંસારત્યાગી શ્રમણોની છે. શ્રમણોનાં જીવનઘડતર માટે જેને 'ઓલટાઈમ ગ્રેટ ગ્રન્થ' કહી શકાય તે દશવૈકાલિક આગમમાં શ્રમણોનાં જીવનઘડતર માટે જેને 'ઓલટાઈમ ગ્રેટ ગ્રન્થ' કહી શકાય તે દશવૈકાલિક આગમમાં શ્રમણોનો વૈરાગ્ય પ્રબળ બની રહે એ માટે ખૂબ ઝીણવટભરી બાબતો આલેખાઈ છે. એમાં વિજાતીય વ્યક્તિ પર રાગ ન થઈ જાય એની તકેદારી છે, આકર્ષક અલંકારો- ફર્નીચર વગેરે પર રાગ ન થઈ જાય એની તકેદારી છે, તો સ્વાદિષ્ટ ખાદ્યપદાર્થો પર રાગ ન થઈ જાય એની ય તકેદારી છે. ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે લગભગ સવા બે હજાર વર્ષ પછી પણ આ આગમ આજે ય દરેક શ્રમણ-શ્રમણીભગવંતોને સંયમસ્વીકાર બાદ તુર્તના સમયમાં ભણાવવાની પ્રણાલિકા બિલકુલ બરકરાર છે. આપણે એમાંથી ઉદાહરણરૂપે માત્ર એક ગાથા લઈએ કે :
ચિત્તભિત્તિં ન નિજ્ઝાએ, નારીં વા સુઅલંકિઅં ;
ભક્ખરં પિ વ દટઠુણં, દિટ્વી પડિસમાહરે.
ભાવાર્થ કે વસ્ત્રાલંકારોથી સુસજ્જ- આકર્ષક સાક્ષાત્ વિજાતીય વ્યક્તિને તો નહિ જ, ઉપરાંત તેનાં એવા ચિત્રને (ફોટાને-પોષ્ટરને) પણ એકીટશે નિરખવું નહિ. અચાનક એવી તસવીર પર નજર જાય તો, ભરબપોરના આકાશી ધોમધખતા સૂર્ય પર અચાનક નજર જતાં એ નજર જેમ તુર્ત હટાવી લેવાય છે તેમ, વિજાતીય વ્યક્તિનાં ચિત્ર પરથી નજર તુર્ત હટાવી લેવી ! વૈરાગ્યને પ્રબળ રાખવાની કેવી જોરદાર તકેદારી દશવૈકાલિકશાસ્ત્રની ! આવી આવી અનેક કાળજીઓથી એ ગ્રન્થ સંયમીઓની રાગદશાને અતિ અતિ નબળી કરવાની પ્રબળ કોશિશ કરે છે.
ત્રીજી ભૂમિકા છે રાગાંધ નહિ બનવાની. એ છે સંસારીઓની ભૂમિકા. ભલે સંસારી વ્યક્તિ વિરતિધારી-વૈરાગી નથી. તો પણ એણે રાગદશાને અતિ ન બનવા દેવા માટે 'રાગાંધતા નહિ જ' ની ભૂમિકા રાખવી જોઈએ. નહિ તો સંસારી વ્યક્તિ બદનામ પણ થાય અને કોઈ લાભ વગર દુ:ખી દુ:ખી પણ થાય. રામાયણનો રાજાધિરાજ રાવણ રાગાંધતાનાં નુકસાનોનું અવ્વલ ઉદાહરણ છે. એટલે દૂરની વાત શા માટે ? આજે ય આપણી આસપાસ એવી ઘટનાઓ આકાર લેતી રહે છે કે જેમાં રાગાંધતાનાં વિચિત્ર-વિલક્ષણ નુકસાનો સંસારી વ્યક્તિને ય થાય. કરવી છે આની પ્રતીતિ ? તો વાંચો ઇ.સં ૨૦૦૬ના ઓક્ટોબર માસમાં મુંબઈમાં બનેલ આ સત્ય ઘટના :
મુંબઈના 'કેમ્સ કોર્નર'નો અતિ શ્રીમતં વિસ્તાર. ત્યાંના 'ગ્રાન્ડ પરાડી' બિલ્ડીંગમાં રહેતા કડકિયા પરિવારની પચીસ વર્ષીય યુવાન દીકરી. નામ એનું કરિશ્મા કડકિયા. પરદેશમાં ઉચ્ચતર શિક્ષણ મેળવી એ બ્રાઝિલ કોન્સ્યુલેટમાં ફિજીશીયન તરીકે જોડાઈ હતી. એ જ્યારે મુંબઈ આવી ત્યારે પારિવારિક ફલેટમાં સજાવટનું કાર્ય ચાલતું હતું. જે ઇન્ટીરીયર ડેકોરેટર એ કાર્ય કરતો હતો તે નિપુણ જોશી પ્રત્યે એને આકર્ષણ જાગ્યું. પહેલા અવ્યક્ત આકર્ષણ, પછી બોલકી આસક્તિ અને છેલ્લે ઘેલછા એ હદની આવી કે 'મારે લગ્ન આ નિપુણ સાથે જ કરવા છે' એવી જીદ-હઠ પર એ આવી ગઈ. બન્ને વચ્ચે આર્થિક અસમાનતાની ખાઈ બહુ મોટી હતી અને એ સિવાયની વિષમતાઓ પણ હતી. પરિવારે દીકરીને ખૂબ સમજાવી. પરંતુ એક તરફ રાગાંધતા અને બીજી તરફ સ્ત્રીહઠ : કરિશ્મા કોઈ રીતે સમજવા તૈયાર ન હતી. આખરે એની જીદ સામે પરિવારે નમતું જોખ્યું અને પોતાનું સ્થાન-માન બાજુએ મૂકી દીકરી માટે નિપુણનાં ઘરે માંગું મૂક્યું.
વાતમાં વિચિત્ર વળાંક ત્યાં આવ્યો કે મધ્યમવર્ગીય વરપક્ષના પરિવારે માંગાનો ઇન્કાર કર્યો ! એમને દશેહત હતી કે અત્યંત શ્રીમંત ઘરની દીકરી પોતાના સામાન્ય ઘરમાં સચવાઈ નહિ શકે. આ ઇન્કારથી દુ:ખી દુ:ખી થઈ ગયેલી કરિશ્મા ભરબપોરે નિપુણના ઘરે પહોંચી ગઈ અને 'માંગુ મંજૂર કરો, નહિ તો અપાઘાત કરીશ' ની જીદ કરવા માંડી. કોઈ પણ સમજદાર પરિવારને આવું અજુગતું દબાણ ક્યાંથી પરવડે ? પરિવાર આ રીતના દબાણ સામે ઝૂકવા તૈયાર ન થયો. હજુ તો વાતો ચાલતી હતી. ત્યાં અચાનક એણે છટ્વા મજલેથી નીચે ઝંપલાવ્યું અને લોહીલુહાણ હાલતમાં દીકરી મૃત્યુ પામી ! એક 'વેલ એજ્યુકેટેડ' વ્યક્તિ આવી મૂર્ખતાની હદની ઘેલછા કરે, બન્ને પરિવારોને શરમમાં-મુશ્કેલીમાં મૂકે અને અકાળે જીવનનો અંત લાવે : આ અતિ રાગનો અંજામ હતો. આવા અતિરાગથી દૂર રહેવા સંસારી વ્યક્તિએ પણ લક્ષ્ય રાખવું જરૂરી છે.
૨) અતિ દ્વેષ નહિ : પૂર્વે જણાવ્યું તેમ ક્રોધની સંપૂર્ણ નાબુદી કરવી- વીતદ્વેષ બનવું એ નવમા ગુણસ્થાનને અંતે પ્રાપ્ત થતી સિદ્ધિ છે. જે વર્તમાનકાળમાં અહીં શક્ય નથી. એથી બીજી ભૂમિકા આવે છે ક્ષમાશીલ-સહનશીલ બનવાની. મુખ્યત્વે આ ભૂમિકા સંસારત્યાગીઓની છે. પૂર્વોક્ત દશવૈકાલિક આગમગ્રન્થ 'અક્કોસ પહાર તજ્જણાઓ ય' પંક્તિ દ્વારા શ્રમણ-શ્રમણીભગવંતોને એમ સમજાવે છે કે અન્યોના આક્રોશ (ગુસ્સાભર્યા વચનો), પ્રહાર, તિરસ્કાર : બધું જ સંયમીઓએ ગુસ્સા વિના- સમતાથી સહન કરી લેવું જોઈએ. આમાં દ્વેષને-ક્રોધને અતિ અતિ નિર્બલ બનાવવાની તકેદારી એ આગમગ્રન્થની છે ! આજે ય ઘણા શ્રમણ-શ્રમણીભગવંતો એ ઉપદેશો ઝીલીને રાગ-દ્વેષને અતિ અતિ મંદ બનાવે છે.
ત્રીજી ભૂમિકા છે દ્વેષાંઘ નહિ બનવાની. એ સંસારીઓની ભૂમિકા છે. જીવનવ્યવહારોમાં કોઈએ કરેલ આક્રોશ-અપરાધ સામે એ ભલે કડક પ્રતિક્રિયા આપે. પરંતુ એમાં અતિદ્વેષ ન હોવો જોઈએ. દ્વેષાંધતા આ અતિદ્વેષ કરાવે છે. એમાં વ્યક્તિ વાણીમાં ભાન ભૂલે છે, તો વર્તનમાં ય ભાન ભૂલે છે. ક્યારેક આનું પરિણામ કેવું ભયંકર આવે એ નિહાળવું છે ? તો વાંચો અખબારોમાં આવેલી આ બીજી સત્ય ઘટના :
નાનકડા ગામમાં પતિ-પત્ની જે ખંડમાં સૂતા હતા ત્યાં મધરાતે અચાનક સાપ આવી ચડયો અને એણે નિદ્રાધીન પત્નીને જોરદાર ડંખ માર્યો. ચીસાચીસ થતાં પતિ જાગી ગયો. લાઈટ કરવાથી એણે કબાટ પાછળ લપાઈ જતાં સાપને જોયો. તાત્કાલિક ખંડને બધી બાજુથી બંધ કરી તાળું લગાવીને એ પત્નીને હોસ્પિટલ લઈ ગયો. પરંતુ ત્યાં સુધી કાતિલ ઝેર વ્યાપ્ત થઈ જતાં પત્નીને બચાવી ન શકાઇ. એ મૃત્યુ પામી. પતિનાં રોમેરોમમાં દ્વેષની-બદલાની આગ એવી જાગી કે ઘરે આવી એણે 'યેન કેન પ્રકારેણ' સાપ ડંખી ન શકે એ રીતે મુખેથી જીવતો પકડયો અને એને પૂછંડીના ભાગેથી મોંમા લઈ એના કટકે કટકા કરી બહાર ફેંકતો ગયો ! આમાં સાપ તો કમોતે મર્યો. પરંતુ ઝેરી સાપને આવી અવિચારી-મૂર્ખતાભરી શિક્ષા કરવા જતાં એના શરીરમાં ય ઝેર વ્યાપ્યું અને એ પણ મૃત્યુ પામ્યો ! અતિ દ્વેષ આવાં નુકસાનો કરે. માટે જીવનમાં અતિ દ્વેષ ન જામે એની તકેદારી રાખવી. છેલ્લે, ભક્ત કવિ પ્રણીણભાઈ દેશાઇના પ્રસિદ્ધ ગીત 'આતમ ઝંખે છુટકારો' ની એક પંક્તિ દ્વારા સમાપન કરીએ કે : 'ના રાગ રહે, ના દ્વેષ રહે, એવી કક્ષામાં મને રમવા દો.