આગામી 27મી જૂને અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને લઈ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે,જેના માટે આજે જળયાત્રા યોજાવાની છે. જળયાત્રાને લઈને જગન્નાથ મંદિર અને સરસપુર મંદિરમાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રાના 15 દિવસ પહેલા જળયાત્રા નીકળે છે.. હાથી, બેન્ડવાજા, ધજા પતાકા, ભજન મંડળી સાથે નિકળનારી જળયાત્રા સાબરમતી નદીના ભુદરના આરે પહોંચશે.
નદી કિનારે ગંગા પૂજનની વિધિ કરવામાં આવશે
જ્યાં નદી કિનારે ગંગા પૂજનની વિધિ કરવામાં આવશે. આ દરમિયાન મિનિ રથયાત્રા જેવા દ્રશ્યો જોવા મળે છે. સાબરમતી નદી કિનારે ગંગા પૂજનની વિધિ પૂર્ણ થયા બાદ મહંતોની હાજરીમાં 108 કળશમાં નદીના જળ ભરીને મંદિરે લાવવામાં આવશે. આ જળથી ભગવાનનો ભવ્ય જળાભિષેક કરશે.ત્યાર બાદ ભગવાનને ગજવેશ ધારણ કરશે. વર્ષમાં આ એક જ દિવસે ભગવાન જગન્નાથના ગજવેશમાં દર્શન થાય છે. અને આ દિવસથી ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી મામાને ઘરે જશે. આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી, મેયર સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.
આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઈ છે. ત્યારે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ જીએસટીવી સાથે વાત કરી હતી અને જળયાત્રાનું મહત્વ સમજાવ્યુ હતું.તેમણે કહ્યુ કે જળયાત્રા ભક્તોને ઈશ્વર સાથે જોડે છે અને પર્યાવરણની શુદ્ધિમાં પણ યોગદાન આપે છે. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે મંત્રોચ્ચારનું વિશેષ મહત્વ છે.તે આત્માને શુદ્ધિ કરાવે છે.
108 કળશમાં પાણી ભરીને મંદિરમાં લવાશે
સાબરમતી નદીના ભુદરના આરે ભવ્ય પૂજન થશે, અને 108 કળશમાં પાણી ભરીને મંદિરમાં લવાશે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ક્રૂઝમાં જળ ભરવા માટે લઈ જવામાં આવશે, અને તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. બપોરે ભગવાનને મોસાળ વાસીઓ સરસપુર લઈ જશે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી મંદિર દર્શન માટે આવશે. હાથી, ઘોડા અને બેન્ડવાજા સાથે જળયાત્રાનો શુભારંભ થશે.