
અમદાવાદ: જમાલપુરમાં આવેલા 700 વર્ષ જુના પૌરાણિક ત્રિકમજી મંદિર પર ભુમાફીઆઓનો ગેરકાયદેસર કબજો કરતા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. 700 વર્ષ જુના પૌરાણિક ત્રિકમજી મંદિર પર ગેરકાયદેસર કબ્જા બદલ બાબુલાલ શાહ, મોહમ્મદ અસગર પઠાણ, નિઝામુદ્દીન શેખ, મોહમ્મદ બીલાલ શેખ, જીશાન કાદરી, રોહન કાદરી અને સદ્દામ હુસેન કુરેશી વિરુદ્ધ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે. વસ્ત્રાપુર બહુમાળી ભવન મંદિર ટ્રસ્ટ નોંધણી કચેરીના નિરીક્ષક બ્રિજેશ પરમારે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. ગાયકવાડ પોલીસે ફરિયાદના આધારે આરોપી બિલાલ શૈખ અને અન્ય એક આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં તેમના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ફરિયાદમાં દર્શાવેલ આરોપી બાબુલાલ શાહ અને નિઝામુદ્દીન શૈખ મૃત્યુ પામ્યા છે.
શું છે સમગ્ર મામલો?
ચેરિટી કમિશનર ગુજરાત રાજ્ય દ્વારા ફરિયાદી બ્રિજેશ પરમાર દ્વારા ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ ત્રિકમજી મંદિર જે જમાલપુર વિસ્તારમાં આવેલ છે એ ખૂબ પ્રાચીન છે અને મંદિરની ચેરિટી કમિશ્નરમાં નોંધણી થયેલ છે. મંદિર સંબંધે 1999માં એક દસ્તાવેજ થયો હતો. જે દસ્તાવેજ હાલ નામદાર હાઈકોર્ટમાં જ્યુડિસિયલ પ્રોસેડીગમાં છે. જેના અનુસંધાનમાં અન્ય લોકો દ્વારા જે આ ફરિયાદમાં આરોપીઓ છે એમના દ્વારા એક નવો બીજો દસ્તાવેજ 2023માં બનાવવામાં આવ્યો હતો. દસ્તાવેજ અનુસાર આરોપીઓએ આ જમીન વેચાણે લઈ લીધેલી હતી. આ જમીન વેચાણે આપવામાં સહલ ઓનર્સના જે તે વખતના જવાબદાર વહીવટદાર બાબુલાલ ડાહ્યાલાલ શાહ, મોહમ્મદ અસગર, શેખ નિજામુદ્દીન દ્વારા આ જમીન અન્ય વ્યક્તિઓને ટ્રાન્સફર કરવામાં આવી હતી. જેની અંદર બિલાલ શેખ, રોહન કાદરી, જિશાન કાદરી અને સદ્દામ હુસેન છે. કુલ 7 આરોપીઓ વિરુદ્ધમાં ચેરિટી કમિશનર દ્વારા ગઈકાલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવામાં આવી હતી.
આરોપીઓનો શું રોલ હતો અને કેવી રીતે સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું?
પોલીસના જણાવ્યા અનુસાર આ ગુનાની અંદર કુલ સાત આરોપીઓ છે અને આ એક વાઇટ કોલર ક્રાઇમ છે. ધાર્મિક સ્થળ ધરાવતી આ જમીન ચેરિટી કમિશ્નરમાં નોંધાયેલી છે એ વેચાણે મેળવી લેવામાં આવી છે. જેને લઈને હાઈકોર્ટમાં 2010થી એક પિટિશન ચાલે છે અને એ પણ પેન્ડિંગ છે, ચેરિટી કમિશનરની આ જગ્યા હોવા છતાં FIRમાં દર્શાવેલ 7 આરોપીઓ બાબુલાલ ભાઈ, મોહમ્મદ અસગર અને શૈખ નિજમુદ્દીન દ્વારા આ જમીન અન્ય ચાર ઇસમો મોહમ્મ્દ બિલાલ શૈખ, ઝીશાન કાદરી, રોહન કાદરી અને સદ્દામહુસૈન કુરેશીને 2 કરોડ 36 લાખના દસ્તાવેજ મુજબ વેચી દેવામાં આવે છે અને એક ફ્રોડ દસ્તાવેજ બનાવવામાં આવે છે. જે આરોપીઓ છે તે કલેકટર કચેરી અમદાવાદ ખાતે પણ જમીન વેચાણની મંજૂરી બાબતે ખોટી રજૂઆતો કરી મંજૂરી મેળવી લે છે અને મંજૂરી આધારે 2023માં એક દસ્તાવેજ થાય છે જે દસ્તાવેજની અંદર તેઓ પોતાના આર્થિક ફાયદા માટે ત્રિકમજીની મંદિરની જગ્યા હતી. આરોપી મોહમ્મ્દ બિલાલ શૈખ, ઝીશાન કાદરી, રોહન કાદરી અને સદ્દામહુસૈન કુરેશી એમ કુલ ચાર ઇસમો છે જેમણે આ જમીનનો બીજા નંબરનો દસ્તાવેજ કર્યો છે.
કોર્ટ મેટર ચાલતી હોવા છતાં આરોપીઓએ ચેરિટી કમિશનર અને કલેક્ટરમાંથી કોણે મંજૂરી આપી હતી?
ત્રિકમજી મંદિરના અત્યારસુધી બે દસ્તાવેજ થયા છે. 1999નો પ્રથમ દસ્તાવેજ વિવાદાસ્પદ હોય ગુજરાત હાઇકોર્ટમાં ફર્સ્ટ અપીલ હાલ પેન્ડિંગ છે પણ જે બીજો દસ્તાવેજ થાય છે 2023માં એ દસ્તાવેજ કલેકટર અમદાવાદની અંદર વેચાણ માટેની મંજૂરી માટે રિપોર્ટ કરે છે. આ રિપોર્ટમાં આ આરોપીઓ એવું જણાવે છે કે આ જમીન છે એ ખાનગી જમીન છે અને અહીં કોઈ પણ પબ્લિક ટ્રસ્ટનો કાયદો લાગુ પડતો નથી. આ જમીન સંદર્ભમાં કોઈ પણ દાવાઓ કોઈ પણ નામદાર કોર્ટમાં ચાલતા નથી એટલે આવા પ્રકારની ખોટી રજૂઆત થયેલી અને કલેકટરની વ્યવસ્થા સંદર્ભમાં આની મંજૂરી મેળવેલી હતી. જે મંજૂરી ખોટી રીતે મેળવતા ફરિયાદ દાખલ થયેલી હતી.
મંજૂરી કોને આપી એ બાબતે તપાસ થશે?
પોલીસે કહ્યું છે કે, મંજૂરી કોણે આપી એ બાબતે તપાસ થશે. 2023નો જે દસ્તાવેજ થાય છે એ દસ્તાવેજ પહેલા આ આરોપીઓ જે નિજામુદ્દીન અને મોહમ્મદ બિલાલ દ્વારા કલેકટરની કચેરીમાં એક એફિડેવિટ કરવામાં આવ્યું હતું અને એફિડેવિટમાં પોતે આ જમીનને વેચવાની મંજૂરી માંગે છે. આરોપી નિજમુદ્દીન શૈખ મંજૂરી માંગીને આ જમીન આરોપી બિલાલને વેચાણે આપે છે. તેમણે ખોટી રીતે આ મંજૂરી મેળવી હતી.
માસ્ટરમાઈન્ડ કોણ છે?
પોલીસના જણાવ્યા અનુસાર આ ગુનામાં અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ થઇ છે. બે આરોપીઓ બાબુભાઇ ડાહ્યાભાઈ શાહ અને શેખ નિજામુદ્દીન શૈખનું મુત્યુ થઇ ચૂક્યું છે. પ્રાથમિક તપાસના આધારે જાણવા મળ્યું છે કે બિલાલ શેખ અને તેના દાદા શૈખ નિજામુદ્દીન આ ગુનાના માસ્ટરમાઇન્ડ હતા.
ત્રિકમજી મંદિરની હાલની સ્થિતીએ શું છે ?
1999ના દસ્તાવેજથી જ અત્યારસુધી આ જમીનનો ફિઝિકલ કબજો આરોપીઓ મોહમ્મદ બિલાલ અને તેની ટોળી પાસે છે. બાહ્ય રીતે જોતાં હાલ આ જગ્યા પર મંદિરના પુરાવા નથી મળતા પણ એ જગ્યા પર મંદિર હતું એ પ્રકારની રજૂઆત ચેરિટી કમિશનર દ્વારા કરવામાં આવી છે.
પોલીસ કયા કયા મુદ્દે કરશે તપાસ?
જો આ જગ્યા પર ત્રિકમજી મંદિર હતું તે કેવા પ્રકારનું હતું? મંદિરનું શું થયું હતું? મંદિરમાં રહેલી મૂર્તિઓ હાલ ક્યાં છે અને આ જમીન પર દુકાનો લગાવી શું આર્થિક ફાયદો લેવામાં આવ્યો તેને લઈને પોલીસે હાલ તપાસ હાથધરી છે.