Home / Gujarat / Bhavnagar : Father-son from Bhavnagar who died in terrorist attack set out on last journey

Pahalgam આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના પિતા-પુત્રની અંતિમ યાત્રામાં અનેક લોકો જોડાયા, CMએ પરિવારને સાંત્વના આપી

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં મંગળવારે (22મી એપ્રિલ, 2025) થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીના મોત થયા હતા. જેમાં સુરતના શૈલેષભાઈ કળથિયા અને ભાવનગરના પિતા-પુત્ર સ્મિત અને યતીશભાઈ પરમારનું ગોળીબારમાં મોત નીપજ્યું હતું. મૃતક સ્મિત અને યતીશભાઈના પાર્થિવ દેહને ભાવનગર લાવવામાં આવ્યો હતો. પહેલગામ આતંકી હુમલાનો ભોગ બનેલા ભાવનગરના પિતા-પુત્રની આજે અંતિમ યાત્રા નીકળી હતી. આ અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ત્યારે મૃતક પિતા-પુત્રના મૃતદેહને ઘરે લાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના નેતાઓ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. તો બીજી તરફ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુરતમાં શૈલેષ કળથિયાની અંતિમ વિધિમાં જોડાયા હતા. કેન્દ્રીય મંત્રી તથા ભાજપ શહેર પ્રમુખ સી. આર. પાટીલ, પ્રફુલ પાનસેરિયા, મુકેશ પટેલ પણ હાજરી આપી હતી અને  મૃતકના પરિવારજનોની મુલાકાત કરીને સાંત્વના પાઠવી હતી.

યતીશભાઈનો જન્મદિવસ 18 એપ્રિલે જ હતો 

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા યતીશભાઈ પરમાર વિશે ચોંકાવનારી માહિતી એ સામે આવી છે કે હજુ તો અમુક જ દિવસ પહેલા એટલે કે 18 એપ્રિલે તેમનો જન્મદિવસ હતો અને જમ્મુ-કાશ્મીરમાં જ તેમણે પત્ની, પુત્ર, સાસુ-સસરા અને અન્ય પરિજનો સાથે મળીને ઉજવણી કરી હતી. ત્યાં જન્મદિવસના ત્રીજા દિવસે જ મૃત્યુને ભેટતાં પરિજનોમાં આઘાત પ્રસરી ગયો છે. 

સીએમ પણ હાજર રહ્યા 

ઉલ્લેખનીય છે કે ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતાં યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું આતંકી હુમલામાં દુ:ખદ અવસાન થયું છે. તેમના મૃતદેહને મોડી રાત્રે ભાવનગર ખાતે લાવવામાં આવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે હતભાગીઓના ઘરે જઈ મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

ગઇકાલે તેમના પાર્થિવ દેહ અમદાવાદ લવાયા હતા 

આતંકવાદી હુમલામાં માર્યા ગયેલાં પિતા-પુત્રના મૃતદેહોને ઈન્ડિગોની ફ્લાઈટમાં શ્રીનગરથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અમદાવાદથી રોડ માર્ગે બન્ને મૃતદેહને મધ્યરાત્રીએ ભાવનગર લવાયા હતા.

Related News

Icon