
Jamnagar news: જામનગર મહાનગર પાલિકાનું આજે જનરલ બોર્ડ યોજાઈ ગયું. જો કે, આ જનરલ બોર્ડ યોજાય તે પહેલા જ મહિલા નગરસેવિકાએ અનોખો વિરોધ કર્યો હતો. કોર્પોરેટર રચના નંદાણિયાએ જનરલ બોર્ડ પહેલા પોતાના શરીર પર કરન્સી નોટ અને કાદવ લગાવીને ટાઉનહૉલ પહોંચ્યાં હતાં. મહિલા નગરસેવિકાના આવા વિરોધથી જનરલ બોર્ડમાં ભારે ચર્ચા થવા પામી હતી.
જામનગર શહેરનું શનિવારે 19 એપ્રિલે જનરલ બોર્ડનું આયોજન હતું. પરંતુ આ બોર્ડ યોજાય તે પહેલા મહિલા કોર્પોરેટર રચના નંદાણિયાએ કપડાં પર ચલણી નોટો અને કાદવ લગાડીને ટાઉન હૉલ પહોંચ્યાં હતાં. ત્યાં જઈને ભૂગર્ભ ગટરની સમસ્યાથી લોકો પરેશાન હોવાની રજૂઆત કરી વિરોધ કર્યો હતો. જામનગર શહેરમાં આવેલા ગુલાબનગર પાસેના વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે. તેમજ જનતાના પૈસા ગટરમાં જતા હોવાની ફરિયાદ તેમને કરી હતી. રચનાબેન નંદાણિયાએ રૂપિયા 100-100ની નોટો અને કપડાં પર ગંદો કાદવ ચોપડી લોકોનાં પૈસા બેફામ રીતે બરબાદ થતા હોવાનું જણાવ્યું હતું. જનતાને ભૂગર્ભ ગટરને લીધે ખૂબ તકલીફ પડી રહી હોવાની રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો હતો