
રાજકોટની ટુકડીએ બુધવારે રાત્રે જામનગરમાં ધામા નાખ્યા હતા. સમર્પણ સર્કલ વિસ્તારમાં લાંચનું છટકું ગોઠવી ઉદ્યોગ નગર પોલીસ ચોકીના પી.એસ.આઇ અને રાઈટર વતી રૂપિયા એક લાખની લાંચ લેતા SOGના એક પોલીસ કર્મચારીને રંગે હાથ ઝડપી લીધો છે. જયારે પીએસઆઇ અને રાઈટર હાલ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ કરવામાં આવી રહી છે.
જામનગરમાં એક નાગરિકે ઉદ્યોગ નગર પોલીસ ચોકીમાં ચિટિંગની અરજી
પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં એક નાગરિકે ઉદ્યોગ નગર પોલીસ ચોકીમાં ચિટિંગની અરજી થઈ હતી, આ મામલે પોલીસ ચોકીના પી.એસ.આઇ.આર.ડી ગોહિલ અને તેના રાઈટર ધમભાઈ બટુકભાઈ મોરીએ તેમને પોલીસ ચોકીમાં બોલાવ્યા બાદ આગળની તપાસમાં હેરાન પરેશાન નહીં કરવા માટે રૂપિયા 1 લાખની લાંચ ની માંગણી કરી હતી. આ રકમ SOGમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી રવિભાઈ ગોવિંદભાઈ શર્મા ને આપવા માટેનું નક્કી થયું હતું. પરંતુ અરજદાર તે રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે રાજકોટ એસીબીને સંપર્ક કરતાં બુધવારે રાત્રે જામનગરના સમર્પણ સર્કલ વિસ્તારમાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.
એક લાખની રોકડ રકમ સાથે રંગે હાથ ઝડપી લીધો
રાજકોટ ACBએ PSI અને રાઇટર વતી રૂપિયા 1 લાખની લાંચની રોકડ રકમ લેવા માટે આવેલા SOGના પોલીસ કર્મચારી રવિ ગોવિંદભાઈ શર્માને એક લાખની રોકડ રકમ સાથે રંગે હાથ ઝડપી લીધો હતો. ત્યારબાદ પૂછપરછમાં તેણે પી.એસ.આઇ.આર.ડી ગોહિલ અને રાઈટર ધનાભાઈ મોરી વતી લાંચની રકમ મેળવી હોવાનું કબૂલ્યું હતું. આ સફળ ટ્રેપને લઈને જામનગરના પોલીસ બેડામાં ભારે હલચલ મચી ગઈ છે.