
- આંખ છીપ, અંતર મોતી
મંદિરની અંદરનું દ્રશ્ય સાક્ષાત નજરે જોયા પછી અને ગોઠીના મોઢે એની કહ્યર્થના સાક્ષાત કાને સાંભળ્યા પછી મંદિરની અંદર જવા કોઈ તૈયાર નથી. સૌ એકબીજાની સામું જોઈ રહ્યા છે. કોણ અંદર જવાની બહાદુરી બતાવે ! અને ત્યાં જ...
દેવનો હુકમ થયો હોય તેમ શેઠ હકમચંદ દેવચંદ મંદિરની અંદર જવા માટે એક પગલું આગળ વધ્યા. ઊભેલા સૌ વિચારવા લાગ્યા કે આ મરવાનો થયો છે. ડગલું આગળ વધ્યો છે, પણ ડાગળી ચસકી લાગી છે. અત્યારે આ પરિસ્થિતિમાં અંદર જવાની ગુસ્તાખી કરનારને અદ્રશ્ય શક્તિ સાંખી નહીં લે. હેરાન-પરેશાન કરી મૂકશે.
કોઈક બોલ્યું પણ ખરું - 'શેઠ ! અંદર ના જાઓ અત્યારે. પરિસ્થિતિ સુધરે પછી જજો. અમને લાગે છે કે અત્યારે દેવતત્ત્વ રીસાયેલી રાણીની જેમ બેઠા છે. કંઈક અજુગતું થાય એ બરાબર નહીં.'
'પણ, એ રીસાયેલ રાણીને મનાવવા તો અંદર જવું જ પડશે ને ! અંદર ગયા વિના શેં કામ થશે ? મનાવ્યા વગર એમને એમ કેવી રીતે માની જશે ?'
'રીસાયેલ રાણી માની જાય એવી સ્થિતિમાં હોય ત્યાં સુધી બરાબર... પણ એ નખોરીયા ભરવાની સ્થિતિમાં હોય તેવા સમયે એની પાસે ના જવાય.'
'બરાબર છે... પણ મારે અંદર જઈને પરિસ્થિતિ સુધારવા પ્રયત્ન તો કરવો જ પડશે ને !' અને આમ કહીને શેઠ હકમચંદ મંદિરને બારણે પહોંચ્યા.
ત્યાં જ હકમચંદને જાણે દેવતત્ત્વે કોઈ હુકમ કર્યો હોય એમ તેમની દ્રષ્ટિ ગોઠી તરફ ફરી. ગોઠી માણસો વચ્ચે લપાઈને ઊભો હતો. તેને હકમચંદે આગળ આવવા કહ્યું. પણ એ એટલો ગભરાયેલો હતો કે એક ડગલું પણ આગળ વધવા તે તૈયાર ન હતો. તેણે આગળ આવવા માટેનો નનૈયો ભણી દીધો. એણે એટલો બધો માર ખાધો હતો કે તે હવે અંદર જવા જરાય તૈયાર ન હતો.
શેઠે કહ્યું - 'તારે અંદર નથી જવાનું. પણ એક વાત જાણવાની રહી ગઈ છે, તે જાણવી છે. માટે આગળ આવવા કહું છું. બાકી અંદર તો હું જાતે જ જઈશ અને જોઈશ. બીજા કોઈને ય હું ત્રાસ આપવા નથી માગતો.'
શેઠની પાસે આવતા ગોઠીએ પૂછયું - 'બોલો શેઠજી ! શું જાણવું છે?' શેઠે કહ્યું - 'ચૌટે આવીને તે જણાવ્યું હતું કે માર મારતી વખતે દેવતત્ત્વે તને તારી ભૂલ યાદ કરાવી હતી અને તેં તે ભૂલની દેવતત્ત્વની આગળ માફી માંગી હતી. પછી તને માર પડવો બંધ થઈ ગયો હતો. પણ અમને બધાને તે એ નથી જણાવ્યું કે તારી ભૂલ શું થઈ, જેના લીધે આ ખરાબ પરિસ્થિતિ પેદા થઈ ?'
ગોઠી સકલ સંઘની માફી માંગતા કહ્યું - 'સાંભળો! પાલિતાણામાં હમણાં અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. આપણા ગામના લોકો પણ ત્યાં ગયા છે. પણ પરમ દિવસની રાત્રે અધિષ્ઠાપક દેવે મને સ્વપ્નમાં આવીને જણાવ્યું હતું કે પાલિતાણામાં અંજનશલાકા પ્રસંગે ભયંકર રોગચાળો ફાટવાનો છે. અને ત્યાં જનારા બધા દુ:ખી થશે. આવું બધાં જ શ્રાવકોને કહી દેવાનું પણ દેવે મને કહી દીધું હતું. પણ હું તે ભવિતવ્યતાવશ ભૂલી જ ગયો. આજે એ મંદિરમાં પ્રવેશ્યા પછી દેવે યાદ કરાવ્યું ત્યારે યાદ આવ્યું. મને માફ કરજો. મારી એ ભૂલના કારણે આપણા શ્રાવકો ત્યાં હેરાન થયા હશે.'
શેઠજી કહે - 'તને તારી ભૂલની સજા મળી ગઈ છે. હવે કોઈ તને પરેશાન નહીં કરે.' અને પછી સભાને ઉદ્દેશીન શેઠે કહ્યું - 'તમે બધાં અહીં ઊભા ઊભા ભગવાનના નામનો જાપ કરજો. જેથી બધું સારું થાય.'
આમ કહી, મનમાં નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં શેઠજી મંદિરની અંદર પ્રવેશ્યા. ભગવાનમાં અડગ વિશ્વાસથી ડગ ભરનાર ક્યારેય ડગમગતો નથી. પરમેશ્વરમાં પ્રાણતત્ત્વનો સમાવેશ કરનારો ક્યારેય ગભરાતો નથી અને ક્યાંય ભરાતો નથી. તે તો હંમેશા રાતો માતો જ હોય છે. શેઠ નિશ્ચલ છે.
બહાર ઊભેલાના શ્વાસ અદ્ધર થઈ ગયા છે. પગથી અદ્ધર થઈને અને આંખો અદ્ધર કરીને અંદર જોઈ રહ્યા છે. હમણાં કાંઈક અજુગતું થશે. પણ કાંઈ અજુગતું દેખાયું નહીં અને સંભળાયું નહીં.
શેઠ ધીમે પગલે પણ મક્કમ પગલે આગળ વધે છે. અને ભગવાનની મૂર્તિ સુધી પહોંચે છે. મંદિરની બધી મૂર્તિઓ અવળા મુખવાળી છે. બધી જ મૂર્તિઓનું મુખ દીવાલ તરફ છે અને મંદિરના બારણા તરફ તેમની પીઠ છે. શેઠે એ મૂર્તિને સીધી કરવાનો પ્રયત્ન કર્યો, પણ મૂર્તિ ટસની મસ ના થઈ. દેવતત્ત્વને જ્યાં રસ ના હોય ત્યાં સ-રસ સરસ કામ ક્યાંથી થાય? બહાર ઊભેલા સૌ લોકો અદ્ધર શ્વાસે, અદ્ધર પગે, અદ્ધર આંખે અને અદ્ધર હૈયે આ બધું નિહાળી રહ્યા છે. મૂર્તિ જરાય હાલી નહીં. હવે શેઠ પણ પાછા બહાર આવ્યા. સ્નાન કરી, પૂજાના કપડાં પહેરી પાછા મંદિરમાં ગયા. અવળા મુખે બિરાજમાન એ પ્રતિમાજીઓનો અભિષેકથી માંડી બધી જ પૂજા કરી. પણ મૂર્તિ યથાવત્ રહી. દેવતત્ત્વને આ જ મંજૂર છે, એમ માની સૌએ એ સ્વીકારી લીધું. છ-છ મહિના સુધી મૂર્તિ એમ જ રહી. અને આ રીતે જ પૂજાતી રહી.
એક વખત એક સાધુ મહારાજ આ ગામે પધાર્યા. બધી હકીકત જાણ્યા પછી મુનિ મહારાજે કોઈ વિશિષ્ટ વિધિ શ્રાવકો પાસે કરાવડાવ્યો. એ વિધિનિ પૂર્ણાહુતિ બાદ શેઠ હકમચન્દ દેવચંદના સુપુત્ર મોતીલાલે હાથ જોડીને પ્રભુજીને વિનંતી કરી - 'પ્રભુજી, દર્શન આપો.'
તે પછી મોતીલાલે પ્રભુજીને અંગૂઠેથી પકડી સીધા કર્યા અને બધી જ પ્રતિમાજીઓ સન્મુખ થઈ ગઈ. મૂર્તિને લાગેલા કાળા ડાઘ પણ કાળક્રમે ભૂંસાઈ ગયા.
પ્રભાવના
ખેડા પાસે આવેલ માતર તીર્થની આ ઘટના વિક્રમ સંવત્ ૧૯૨૧માં ઘટી હતી. અનેકવિધ ચમત્કારોથી ભરપૂર આ માતરતીર્થ આજે પણ એટલું જ પ્રભાવપૂર્ણ છે. સાચા સુમતિનાથ ભગવાન સૌને સાચી સુમતિ આપે છે. વિ.સં. ૧૯૨૦ સુધી જે દરરોજ નાટય-ઘંટનાદ આદિ કાર્યક્રમો દૈવી તત્ત્વો તરફથી થતા હતા, તે ૧૯૨૧ પછી બંધ થઈ ગયા. ક્યારેક ક્યારેક થાય છે. ભગવાનના જિનાલયમાં ભગવાનોની વચ્ચે સાધ્વીજીની મૂર્તિ હોય તો એવું એકમાત્ર તીર્થ છે - માતર. ૭૦૦ સાધ્વીજીના ગણિની સાધ્વી પદ્મશ્રી મહારાજના પુણ્ય પ્રભાવને વર્ણવતું આ માતર તીર્થ '' સાધ્વી માતરં વંદે'' ની ગાથા ગાતું આજે પણ પુણ્યની માતર-સુખડી વહેંચી રહ્યું છે. માતરં વંદે...