
કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે (પહેલી જુલાઈ) યુવાનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી અનેક મોટી યોજનાઓને મંજૂરી આપી હતી. કેન્દ્રીય મંત્રીમંડળે રોજગાર પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે, જેનો લાભ બે તબક્કામાં મળશે. પહેલા તબક્કામાં, પહેલી વાર રોજગાર મેળવનારા કર્મચારીઓને બે હપ્તામાં મહત્તમ 15,000 રૂપિયા આપવામાં આવશે. આ હપ્તો નોકરી મળ્યાના છઠ્ઠા અને 12મા મહિનામાં આપવામાં આવશે. વળી, બીજા તબક્કામાં દર મહિને 3000 રૂપિયા આપવામાં આવશે. આખી યોજના ઉત્પાદન ક્ષેત્રમાં રોજગારને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, 'સરકાર આ યોજનામાં કુલ 1.07 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે.'
3.5 કરોડથી વધુ નોકરીઓના સર્જનને પ્રોત્સાહન
રોજગાર પ્રોત્સાહન યોજનાનો હેતુ રોજગાર સર્જન, રોજગારની સંભાવનામાં વધારો અને તમામ ક્ષેત્રોમાં સામાજિક સુરક્ષાને પ્રોત્સાહન આપવાનો છે. જેમાં, ઉત્પાદન ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ યોજનાથી બે વર્ષમાં દેશમાં 3.5 કરોડથી વધુ નોકરીઓના સર્જનને પ્રોત્સાહન આપવામાં આવશે છે. આ ઉપરાંત પહેલીવાર નોકરી મેળવનારા કર્મચારીઓને પણ પ્રોત્સાહન આપશે.'
નોકરીદાતાને પણ મળશે પ્રોત્સાહન
પહેલીવાર નોકરી કરનારા વધારાના કર્મચારીઓને બે વર્ષ સુધી 3000 રૂપિયા દર મહિને પ્રોત્સાહન આપવામાં આવશે. નોકરીદાતાઓને એક લાખ રૂપિયા સુધીના વેતનવાળા કર્મચારીઓના સંબંધમાં પ્રોત્સાહન આપવામાં આવશે. ઉત્પાદન ક્ષેત્ર માટે નોકરીદાતાઓને આપવામાં આવતા પ્રોત્સાહનો ત્રીજા અને ચોથા વર્ષ માટે પણ લંબાવી શકાય છે.
ખેલો ભારત નીતિને મંજૂરી
કેન્દ્રીય મંત્રીમંડળે કુલ ચાર મુખ્ય યોજનાઓને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળે સમગ્ર 'ખેલો ઇન્ડિયા નીતિ'ને મંજૂરી આપી છે. 1948માં પહેલીવાર રાષ્ટ્રીય રમત નીતિ લાગુ કરવામાં આવી હતી. ત્યારબાદ 2001માં નવી સ્પોર્ટ્સ પોલિસી જાહેર કરવામાં આવી છે. હવે કેન્દ્ર સરકાર ખેલો ભારત નીતિ 2025 લાગુ કરશે. જે હેઠળ યુવાનોને રમત માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, 'અમારો હેતુ રમતના મામલે દુનિયાના ટૉપ 5 દેશમાં ભારતને સામેલ કરવાનો છે.'
સંશોધન અને નવીનતા યોજના
કેન્દ્રીય મંત્રીમંડળે સંશોધન, વિકાસ અને નવીનતા યોજનાને મંજૂરી આપી છે. સરકાર આ યોજનામાં 1 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે. જે હેઠળ યુવાનોને સંશોધન અને નવીનતા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ ઉપરાંત, મંત્રીમંડળે તમિલનાડુમાં 1,853 કરોડ રૂપિયાના ખર્ચે 4-લેન પરમાકુડી-રામનાથપુરમ સેક્શન (46.7 કિમી) ના નિર્માણને મંજૂરી આપી છે.