Home / India : BJP national president may be announced by this date

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની આ તારીખ સુધીમાં થઈ શકે છે જાહેરાત, નડ્ડાના ઘરે સંરક્ષણ-ગૃહમંત્રીની બેઠક

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની આ તારીખ સુધીમાં થઈ શકે છે જાહેરાત, નડ્ડાના ઘરે સંરક્ષણ-ગૃહમંત્રીની બેઠક

દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાના ઘરે મંગળવારે મોડી રાત્રે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ગૃહ મંત્રી અમિત શાહે લગભગ બે કલાક સુધી બેઠક કરતાં કેન્દ્રીય મંત્રીમંડળ અને ભાજપ સંગઠનમાં મોટા પાયે ફેરફારોની અટકળો વહેતી થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૯ એપ્રિલની તેમની જમ્મુની યાત્રા પણ મોકૂફ રાખતાં ૧૯ એપ્રિલ પહેલાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખના નામની જાહેરાત થઈ જશે અને કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા પાયે ફેરફારો કરાશે એવી અટકળો ચાલી રહી છે. ભાજપે તાજેતરમાં તમિલનાડુમાં એઆઈએડીએમકે સાથે ફરી જોડાણ કર્યું છે. તમિલનાડુમાં જોડાણની સ્થિતિ મજબૂત કરવા માટે એક મંત્રીનો સમાવેશ કરાશે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 નડ્ડાના ઘરે અમિત શાહ અને રાજનાથસિંહની લાંબી બેઠક ચાલી 

તામિલનાડુમાંથી એઆઈએડીએમકેનો લોકસભામાં કોઈ સભ્ય નથી પણ રાજ્યસભામાં ત્રણ સભ્યો છે. આ પૈકી એન. ચંદ્રશેખરન જુલાઈમાં નિવૃત્ત થાય છે તેથી તેમને મંત્રી બનાવાય એવી શક્યતા નથી. બાકી રહેલા બે સભ્યોમાં સી.વી. શણ્મુગમ અને એમ. થાંબીદુરાઈ બંને જૂના જોગી છે પણ બંનેમાંથી કોઈ એકને મંત્રી બનાવાશે. ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફથી ભાજપને રાષ્ટ્રીય પ્રમુખપદે નિમણૂક માટે કેટલાંક નામો સૂચવાયાં છે. આ નામો પર ચર્ચા કરવા માટે નડ્ડાના ઘરે અમિત શાહ અને રાજનાથસિંહની લાંબી બેઠક ચાલી હતી. આ બેઠકમાં થયેલી ચર્ચા અંગે અમિત શાહે બુધવારે મોદીને જાણકારી આપી હતી. તેના આધારે મોદી એક-બે દિવસમાં મંજૂરીની મહોર મારે પછી ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખના નામની જાહેરાત થઈ જશે.

કેટલાક મંત્રીઓની બાદબાકી કરીને તેમને નિવૃત્ત કરી દેવાશે 

ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, મોદી મંત્રીમંડળમાંથી કેટલાક મંત્રીઓની બાદબાકી કરીને તેમને નિવૃત્ત કરી દેવાશે જ્યારે કેટલાક મંત્રીઓને સંગઠનમાં મોકલવાની વિચારણા છે. આ નામો અંગે પણ વિચારણા ચાલી રહી છે. ૧૯ એપ્રિલ પહેલાં આ નામો પણ નક્કી થઈ જશે તેથી મંત્રીમંડળમાં પણ મોટા પાયે ફેરફારો કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૯ એપ્રિલે કટરાથી શ્રીનગર જતી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપવા માટે જમ્મુ અને કાશ્મીર જવાના હતા પણ તેમની નિર્ધારિત મુલાકાત મુલતવી રાખવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે આ જાહેરાત કરી છે.

સંગઠન અને સરકારમાં ફેરફારોની યોજનાના કારણે મુલાકાત મોકૂફ

મોદીની યાત્રાના સમયગાળા દરમિયાન પ્રતિકૂળ હવામાનની આગાહીને કારણે મોદીની મુલાકાત મુલતવી રાખવામાં આવી છે એવો દાવો કરાયો છે પણ વાસ્તવમાં સંગઠન અને સરકારમાં ફેરફારોની યોજનાના કારણે મુલાકાત મોકૂફ રખાઈ હોવાનું સૂત્રોનું કહેવું છે. લોકસભાની ચૂંટણી બાદ જ ભાજપ પ્રમુખ બદલાય તેવી શક્યતા હતી, જોકે તેમાં બહુ મોડુ કરી નખાયું છે, જેનું કારણ ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખોની ચૂંટણી ન થઇ શકી હોવાનું માનવામાં આવે છે. જ્યાં સુધી આ બન્ને રાજ્યોમાં પ્રદેશનું નેતૃત્વ નક્કી ના થાય ત્યાં સુધી રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી પ્રક્રિયા લટકી પણ શકે છે.

શિવરાજસિંહે ના પાડતા સ્વતંત્રદેવને પ્રમુખ બનાવાય તેવી અટકળો

ભાજપમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે ઉત્તર પ્રદેશ ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ સ્વતંત્ર દેવસિંહ ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ બને એવી પૂરી શક્યતા છે. સ્વતંત્ર દેવ સિંહ પૂર્વ યુપીના વગદાર ઓબીસી નેતા છે અને કુર્મી સમાજમાંથી આવે છે. રાજ્યસભાના સભ્ય અને યુપીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા પણ પ્રબળ દાવેદાર મનાય છે. 

કોઈ  ઓબીસી નેતાને રાષ્ટ્રીય પ્રમુખ બનાવાય તો તેનો ભાજપને જોરદાર ફાયદો

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં કોઈ  ઓબીસી નેતાને રાષ્ટ્રીય પ્રમુખ બનાવાય તો તેનો ભાજપને જોરદાર ફાયદો થશે એવી ગણતરીથી સિંહના નામ પર સંઘે પણ મંજૂરીની મહોર મારી હોવાનું કહેવાય છે. ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવના વધતા પ્રભાવને ખાળવા ભાજપે પૂર્વ યુપીમાં પોતાની સ્થિતી મજબૂત કરવી જરૂરી છે. આ કારણે પણ સિંહ પ્રબળ દાવેદાર મનાય છે. સંઘ શિવરાજસિંહ ચૌહાણને પ્રમુખ બનાવવા માગે છે પણ શિવરાજ મંત્રીપદ છોડવા તૈયાર નથી. શિવરાજસિંહ સિવાય ધર્મપાલસિંહ, બી.એલ. વર્મા, બાબુરામ નિષાદ સહિતના ઓબીસી નેતા અને રામશંકર કઠેરીયા તથા વિનોદ સોનકર એ દલિત નેતાઓનાં નામ પણ ચર્ચામાં છે.

Related News

Icon