
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી હાલ નહીં યોજાય, જે પી નડ્ડા રાષ્ટ્રીય અધ્યક્ષ પદે કાર્યરત રહેશે. ભાજપ મેમાં પોતાના અધ્યક્ષની પસંદગી કરવાની યોજના બનાવી રહ્યું હતું. પરંતુ પહેલગામ આતંકવાદી હુમલાના કારણે આ ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. નવેસરથી ચૂંટણી ક્યારે થશે, તેની જાહેરાત બાદમાં કરવામાં આવશે.
સૂત્રોનું કહેવું છે કે, ભાજપે હાલ પોતાના અધ્યક્ષ પદની ચૂંટણીની યોજના સ્થગિત કરી છે. જગત પ્રકાશ નડ્ડા અધ્યક્ષ પદ પર જળવાઈ રહેશે. 2020થી નડ્ડા અધ્યક્ષ પદે કામગીરી સંભાળી રહ્યા છે.
પહલગામ હુમલા બાદ લીધો નિર્ણય
સૂત્રોનું કહેવું છે કે, પહલગામ આતંકી હુમલા બાદ સર્જાયેલી તંગદિલીના કારણે ભાજપ સંગઠને ચૂંટણીનો નિર્ણય ટાળ્યો છે. ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર આ હુમલા વિરુદ્ધ કાર્યવાહી કરવા વિચારણા કરી રહ્યું છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ આતંકવાદીઓને શોધી-શોધીને મારવાની ચીમકી આપી હતી. આતંકવાદનો ખાતમો બોલાવવાનું વચન આપ્યું હતું.
અંતિમ મહોર તો ચૂંટણી બાદ જ લાગશે
અમિત શાહ કેન્દ્રીય મંત્રી બન્યા બાદ જે પી નડ્ડાને 2020માં અધ્યક્ષ બનાવાયા હતા. 2024માં લોકસભા ચૂંટણી બાદ નડ્ડાને પદ પરથી દૂર કરવાની અટકળો વહેતી થઈ હતી. પરંતુ કેટલાક રાજ્યોમાં ચૂંટણી બાકી હોવાથી તેઓ અધ્યક્ષ પદે જળવાઈ રહ્યા હતા. નડ્ડા બાદ કોણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે? આ સવાલ પણ ખૂબ ચર્ચાઈ રહ્યો છે. ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી પર કોઈ એવા પ્રબળ સંકેત નથી આપ્યા. છેલ્લા છ માસમાં આ પદ માટે અનેક નામો ચર્ચામાં હતા. પરંતુ અંતિમ મહોર તો ચૂંટણી બાદ જ લાગશે.