
- અમૃતની અંજલિ
- આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- "મર્મ એ છે કે જે ખુલ્લા પડવાથી વ્યક્તિનું સામાજિક જીવન-પારિવારિક જીવન ઝેર જેવું બની જાય. મર્મ એ છે કે જે ખુલ્લા પડવાથી વ્યક્તિનું આત્મસન્માન ડગલે ને પગલે હણાયા કરે. મર્મ એ છે કે જેના પર ઘા થવાથી વ્યક્તિ ખતમ થઈ જાય."
સપ્તપદીનાં સાત પગલાં ભરતા દરેક સંસારીજનોની આંખમાં એક સ્વપ્ન અંજાયેલું હોય છે કે એ સાત પગલાં એમને સુખની સરહદમાં પ્રવેશ કરાવે. પરંતુ બને છે ઘણી વાર એવું વિપરીત કે એ સાત પગલાં સુખની સરહદમાં નહિ, દુ:ખના દાવાનલ તરફ પણ એ વ્યક્તિઓને લઈ જાય. એમાંથી જ નિત્યના ક્લેશ-કંકાસ-છૂટાછેડા સુધીની નોબત બજે.
પણ... સબૂર ! એ સપ્તપદી સુખની સરહદમાં લઈ જાય કે નહિ એ ભલે નિશ્ચિત ન હોય. પરંતુ છેલ્લા પાંચ લેખોથી આપણે 'ઉપમિતિ પ્રપંચા' ગ્રન્થના જે વિચારસુત્રોની સપ્તપદી પર ચિંતનયાત્રા કરીએ છીએ એ તો નિશ્ચિતપણે સુખની સરહદમાં પ્રવેશ કરાવે તેવી છે. એ સપ્તપદી કહો કે સપ્તરંગી મેઘધનુષ, એના છઠ્ઠા સુત્ર પર આજે આપણે કરીશું વિચારવિહાર.
(૬) ન વિધેયં પરમર્મોદ્ઘાટનમ્ :- આ સુત્ર કહે છે કે કોઈનાં મર્મો-ગંભીરગુપ્ત વાતો જગત સામે ખુલ્લી-ઉઘાડી ન કરવી જોઈએ. એક વાત ખબર છે ? પ્રાચીન કાળના રાજાઓની યુદ્ધનીતિમાં કેટલાક નીતિનિયમો હતા. ભલે એ દુશ્મનને ખતમ કરવાના ઝનૂનથી યુદ્ધમેદાનમાં ઊતરે. પરંતુ રાત્રિના સમયે શત્રુ પર આક્રમણ ન કરે, નિ:શસ્ત્ર શત્રુ પર હુમલો ન કરે, શત્રુ શરણાગતિ સ્વીકારે તો હણે નહિ વગેરે નિયમો-મર્યાદા રાખે. જો તેઓ રાત્રિઆક્રમણ વગેરે કરે તો એ આસુરી યુદ્ધ કહેવાય. જેમ રાજાઓના યુદ્ધમાં નીતિ હોય એમ સજ્જન વ્યક્તિનાં જીવનમાં પણ કેટલાક નીતિ-નિયમો હોય. જેમ કે સજ્જન વ્યક્તિ વિરોધી વ્યક્તિ માટે પણ નનામા પત્રો-મેસેજ વગેરે નિંદ્ય પ્રવૃત્તિ ન કરે, વિરોધી વ્યક્તિ પર પણ બેબુનિયાદ-હડહડતા જૂઠા આક્ષેપ ન કરે, વિરોધી વ્યક્તિને ખોટી રીતે ત્રાસ ન આપે કે જેથી એ આત્મહત્યા કરવા મજબુર થઈ જાય વગેરે નીતિ-મર્યાદા રાખે. બસ, આવી જ એક નીતિ-મર્યાદા છે અન્યોનાં મર્મોને ખુલ્લાં ન પાડવાં.
મર્મ એ છે કે ખુલ્લા પડવાથી વ્યક્તિનું સામાજિક જીવન-પારિવારિક જીવન ઝેર જેવું બની જાય. મર્મ એ છે કે જે ખુલ્લા પડવાથી વ્યક્તિનું આત્મસન્માન ડગલે ને પગલે હણાયા કરે. મર્મ એ છે કે જેના પર ઘા થવાથી વ્યક્તિ ખતમ થઈ જાય. મર્મ જો શરીરસંબંધી હોય તો એના ઘાથી વ્યક્તિ શારીરિક રીતે ખતમ થાય અને જો મર્મ પ્રતિષ્ઠા-ઈજ્જતસંબંધી હોય તો એના પરના ઘાથી વ્યક્તિ પ્રતિષ્ઠાદિની દૃષ્ટિએ ખતમ થાય. સજ્જન વ્યક્તિ કોઈના મર્મને-નબળી કડીને અવિચારીપણે ખુલ્લી તો ન પાડે, બલ્કે મર્મ ખુલ્લો થાય તેવી પરિસ્થિતિનું સ્વત:નિર્માણ થયું હોય ત્યારે ય કેવું વિવેકભર્યું વર્તન કરે એ નિહાળવું છે ?
તો વાંચો આ નજાકતભરી હૃદયસ્પર્શી ઘટના :
બાળકોને સ્કુલમાં અભ્યાસ કરાવી રહેલ શિક્ષક પ્રેમાળ હતા એટલા જ શિસ્તમાં કડક હતા. અભ્યાસ કરાતો હતો ત્યાં એક બાળક ઊભો થઈ ગયો. શિસ્તપ્રેમી શિક્ષકે જરા કડકાઈથી પૂછયું : કેમ ઊભો થયો તું ? "સર ! ગઈકાલે મારો જન્મદિવસ હતો. એ નિમિત્તે મારા પપ્પાએ મને સરસ 'હેન્ડ-ક્લોક' ભેટ આપી હતી. આજે બહુ હોંશથી પહેલી જ વાર એ પહેરીને ક્લાસમાં આવ્યો છું. હજુ થોડી વાર પહેલા જ મેં હાથમાંથી કાઢીને બાજુમાં મુકી હતી. પણ ખબર નહિ, અત્યારે એ અહીં નથી. કોઈએ મારી ઘડિયાળ ઉઠાવી લીધી લાગે છે. હું ઘરે ઘડિયાળ વિના જઈશ તો મારા પપ્પા મને મારશે..." બોલતા બોલતા બાળક રડી ગયો.
શિક્ષક બે ક્ષણ વિચારમગ્ન થઈ ગયા. એમણે વિચાર્યું કે 'ઘડિયાળ વિદ્યાર્થીઓમાંથી જ કોઈએ ચોરી છે એ હકીકત છે અને આ બાળકને એની ઘડિયાળ પરત અપાવવી એ મારૃં કર્તવ્ય છે. પરંતુ મારે એ કાર્ય એવી રીતે પાર પાડવું જોઈએ કે ચોરી કરનાર વિદ્યાર્થી બધા વચ્ચે બે-ઈજ્જત ન થાય.' એમણે ખુબ સહૃદયતાથી-સૌજન્યથી આ સમસ્યા ઉકેલવા બાળકોને કહ્યું : "જે પણ બાળકે ઘડિયાળ લીધી હશે એની બે-ઈજ્જતી ન થાય માટે તમારે સહુએ આંખે રૂમાલ બાંધી દેવાનો છે. કોઈએ કોઈને જોવાનો નથી. દરેક બાળક લાઈનમાં ઉભો રહે. હું ખિસ્સા તપાસીશ. એટલે આ બાળકને ઘડિયાળ પણ મળી જશે અને કોઈનું નામ ખરાબ નહિ થાય."
બધા બાળકોએ રૂમાલ બાંધી લીધા. શિક્ષક ક્રમસર આગળ જઈ બાળકોનાં ખીસ્સાં તપાસતા ગયા. એમાં એક બાળકના ખિસ્સામાંથી ઘડિયાળ મળી ગઈ. શિક્ષક એ લઈ પોતાનાં સ્થાને થોડી વાર બેસી રહ્યા. પછી જાહેરાત કરી કે "રૂમાલ ખોલી નાંખો. ઘડિયાળ મળી ગઈ છે." સહુએ રૂમાલ ખોલ્યા. જેની ઘડિયાળ ખોવાઈ હતી તે બાળક રાજીનો રેડ થતો આગળ આવ્યો. શિક્ષકે એને વહાલથી પંપાળી ઘડિયાળ પરત આપી. જાણે કે લોહીનું બુંદ પાડયા વિના શિક્ષકે 'ઓપરેશન' સફળ રીતે પાર પાડયું.
આ ઘટનાને લગભગ ત્રીસ વર્ષોનાં વહાણાં વહી ગયા. શિક્ષક નિવૃત્ત થઈ વૃદ્ધાવસ્થાના દિવસો વીતાવતા હતા. એ અરસામાં શાળાના તમામ પૂર્વ શિક્ષકોનો અને પૂર્વ વિદ્યાર્થીનો મિલનસમારોહ યોજાયો. તેમાં મોખરે, બાળકોમાંથી જ ટોચના વકીલ-ડોકટર-ઉદ્યોગપતિ બનેલ મહાનુભાવો હતા. સમારોહ સફલતાથી પૂર્ણ થયા બાદ એમાંનો સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ પેલા વૃદ્ધ પૂર્વ શિક્ષકને બાજુમાં લઈ ગયો અને ભાવથી હાથ જોડીને બોલ્યો :
"તે દિવસે ઘડિયાળ મેં ચોરી હતી. છતાં તમે મારૃં નામ જાહેર ન કરીને મારી ઈજ્જત બચાવી તો જ આજે હું તમારી સમક્ષ ઊભો છું. કારણ કે મારા પિતા પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા. મેં મારી જિંદગીમાં એ પહેલી (અને છેલ્લી) વાર જ ચોરી હતી. ક્લાસમાં ચોરીનો પ્રશ્ન ચગ્યો ત્યારે હું મનથી ખુબ ડરી ગયો હતો. મેં ત્યારે નક્કી કર્યું હતું કે જો હું ચોરી કરનાર તરીકે પકડાઈશ તો પપ્પાને મોઢું નહિ બતાવું. સ્કુલેથી છુટીને આત્મહત્યા કરી લઈશ ! હું મરી ન ગયો એવું કારણ તમારૃં સૌજન્ય છે !"
શાંતિથી વાત સાંભળી લીધા પછી શિક્ષક જે બોલ્યા એનાથી ચમકવાનો વારો પેલા યુવાન ઉદ્યોગપતિનો આવ્યો. શિક્ષકે કહ્યું : "પણ ઘડિયાળ તેં ચોરી હતી તેની ખબર મને પણ તે કહ્યું એટલે હમણા જ પડી." "કેમ ? તે દિવસે તમે જ તો મારા ખીસામાંથી ઘડિયાળ શોધી કાઢી હતી." શિક્ષકે ઉત્તર આપ્યો : "એ વાત બરાબર. પરંતુ ત્યારે મેં પણ મારી આંખે રૂમાલ બાંધ્યો હતો. એટલા માટે કે મને એ બાળક માટે તિરસ્કાર થાય, ન એ બાળકનું નામ ભુલમાં ય મારાથી ક્યારેય બોલાઈ ન જાય!"
પેલો શ્રીમંત ઉદ્યોગપતિ શિક્ષકની અત્યંત ઉમદા અને ઊંડી અદ્ભુત વિચારધારા પર આફ્રીન પુકારી ગયો...
કો'કનાં જીવનમાં આસમાની ઉથલપાથલ સર્જી કે એવી મર્મઘાતક નબળી વાતો જાણવા-સાંભળવા મળે ત્યારે ઘણી વાર વ્યક્તિઓ હરખપદુડી બની જઈ એને ઊંડાણથી જાણ્યા વિના, એનાથી થનાર ગેરલાભો ઊંડાણથી વિચાર્યા વિના, એ મર્મઘાતી વાતો આગળ ધપાવવામાં 'ફ્રી કુરિયર' સેવા આપવા તૈયાર થઈ જતી હોય છે. એવી વ્યક્તિઓએ પોતાના એવા ધખારા-ઊમળકા સમયે ઉપરોક્ત હૃદયસ્પર્શી દૃષ્ટાંત ખાસ સ્મરણમાં લાવવું. આનાથી મર્મઘાતના ધખારા પર મજબુત 'બ્રેક' લાગી શકશે અને સજ્જની નીતિ-રીતિ કેવી હોય તે સમજાશે. આ ઉપરાંત નીચેની વાતો પણ હૃદયસ્થ કરવા જેવી છે કે જે વ્યક્તિત્વને સજ્જનતાની મર્યાદામાં રાખવા સાથે મર્મઘાત તરફ ખેંચાઈ જતા અટકાવે :
મર્મઘાત થાય એવી પ્રવૃત્તિથી દૂર જ રહેવાનું સૂચન 'ઉપમિતિભવપ્રપંચા' ગ્રન્થનું પેલું સુત્ર કરે છે. છતાં કોઈ તેવી અતિ વિશિષ્ટ વ્યાવસાયિક-પારિવારિક-સામાજિક સ્થિતિ સર્જાય ત્યારે વારંવાર એ વિચારવું કે ઘણી વાર નજરે નિહાળેલ અને કાનોકાન સાંભળેલ વાત પણ ગલત હોઈ શકે છે. લીલાં-પીળાં વગેરે કલરના ચશ્મા પહેરનાર વ્યક્તિ નજરોનજર જ દૃશ્યો નિહાળતી હોય છે. છતાં ચશ્માનાં કારણે એને નિહાળાતો કલર અલગ હોઈ જ શકે છે. એવી જ રીતે કાનોકાન સાંભળેલ વાતનું તથ્ય પણ અલગ હોઈ શકે છે. ઉદાહરણરૂપે છે સમ્રાટ શ્રેણિકે કાનોકાન સાંભળેલ 'આ ઠંડીમાં એમનું શું થતું હશે' વચન. શબ્દો કાનોકાન સંભળાયા હતા. પરંતુ એના અર્થઘટનમાં પોતાની વિચારધારાનો કાલ્પનિક રંગ ચડી ગયો હતો. આવું આપણા વિચારોમાં ય બની શકે છે એમ સમજી, મર્મઘાતની વિશિષ્ટ પરિસ્થિતિમાં સામા છેડાના 'એંગલ'થી ય એને પુરેપુરી ચકાસવી-મુલવવી. જેથી મર્મઘાતથી શક્ય હદે અને ગલત મર્મઘાતથી લગભગ બિલકુલ બચી જવાય.
કોઈ વ્યક્તિએ વ્યાવસાયિક-પારિવારિકાદિ દૃષ્ટિએ આપણું અહિત કર્યું હોય અને એનો મર્મ-નબળી કડી પકડાઈ ગઈ હોય તો ય મર્મઘાતથી દૂર રહેવા શુભ પરિવર્તનની શક્યતાઓ ઠાંસી ઠાંસીને વિચારવી. એક મસ્ત મજાની પંક્તિ વાંચી હતી પૂર્વે કે :
માણસ રડયો તો બે-ચાર આંસુ ખર્યા,
પથ્થર રડયો તો ગંગા ને જમના વહ્યા...
કાળમીંઢ પથ્થરોમાંથી પ્રગટતી-વહેતી ગંગા-જમનાના સંદર્ભે લખાયેલ આ પંક્તિ એ શુભ શક્યતાઓ નિર્દેશ કરે છે કે કનડગત કરનારા ને પાપીઓ ય પાવન થઈ શકે છે : ઘડિયાળના દૃષ્ટાંતમાંનો બાળક જેમ જીવનભર માટે સુધરીને શ્રેષ્ઠ બન્યો એમ. આવી શક્યતા સાચવવા ય મર્મઘાતથી દૂર રહેવું.
કેટલીક વાર સામી વ્યક્તિને સબક શીખવવા મર્મોદ્ઘાટન થતું હોય છે. 'અધ્યાત્મસાર' ગ્રન્થ કહે છે કે સબક શીખવવાને બદલે એની ભવસ્થિતિ-સંસારભ્રમણની નિયતિ વિચારવી. "પાપિષ્ઠેષ્વપિ ભવસ્થિતિશ્ચિન્ત્યા" આ એ ગ્રન્થના શબ્દો છે. એક સ્પષ્ટતા કે આ સમગ્ર ચિંતન ક્રમપ્રાપ્ત સંસ્કૃત સુત્રનાં વિશ્લેષણરૂપે છે. એને કોઈ પણ ઘટના સાથે જોડી બંધબેસતી પાઘડી ન પહેરવી અને આ લેખના અંશોનો પોતાના લાભ ખાતર ઉપયોગ ન કરવો.
છેલ્લે એક વાત : ધોરી નસ કાપવી જો દ્રવ્યહિંસા છે તો મર્મઘાત કરવો એ ભાવહિંસા છે...