
કડી અને વિસાવદર બેઠક પર ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઇ ગઇ છે. આમ આદમી પાર્ટીએ કડી વિધાનસભા બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે .AAPએ કડી બેઠક પર જગદીશ ચાવડાને ઉમેદવાર બનાવ્યા છે.AAP પ્રમુખ ઇસુદાન ગઢવીએ કડી વિધાનસભા બેઠક પર ઉમેદવારનું નામ જાહેર કર્યું હતું.
કડી અને વિસાવદરમાં AAP મજબૂતીથી લડશે- ઇસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ કહ્યું કે, "કડી વિધાનસભા પેટા ચૂંટણી યોજાવાની છે તે માટે યુવા અને લડાયક ચહેરો જગદીશ ચાવડાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કડી સહિત આખા ગુજરાતના સર્વસમાજના લોકો માટે તેમને અવાજ ઉઠાવ્યો છે. તે SC વિંગના પ્રદેશ અધ્યક્ષ છે. મજબૂતાઇથી આમ આદમી પાર્ટી કડી વિધાનસભા ચૂંટણી લડશે. આ ચૂંટણી ભાજપના ભ્રષ્ટાચાર, ભાજપનો અત્યાચાર, બેરોજગાર યુવાન, વિવિધ રીતે લોકો પર અત્યાચાર થાય છે. નોકરીઓમાં ગપલા થાય છે, મોંઘવારી ચરમસીમા પર છે. આ બધાનો જવાબ આપવાનો સમય એટલે કડી અને વિસાવદરની ચૂંટણી છે." ઇસુદાન ગઢવીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે જગદીશ ચાવડા કડી વિધાનસભા ચૂંટણી મજબૂતાઇથી લડશે અને જીતશે.
કડી વિધાનસભા બેઠક પર અનેક દાવેદાર
કડી અને વિસાવદર બેઠક માટે 19 જૂન, 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂનના રોજ મતગણતરી કરવામાં આવશે. રે કડી બેઠક માટે ભાજપમાંથી ગાયક કાજલ મહેરિયા, સ્વ. કરશન સોલંકીના પુત્ર પિયુષ સોલંકી સહિત અન્ય દાવેદારોએ નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવી છે. જ્યારે કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા, પ્રવીણ પરમાર સહિત અન્ય દાવેદારોએ ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી છે.
ભાજપ-કોંગ્રેસના ઉમેદવારના નામ જાહેર કરવાના બાકી
કડી અને વિસાવદર બેઠકમાં ઉમેદવાર પસંદ કરવા ભાજપ અને કોંગ્રેસે રાજકીય કવાયત વધુ તેજ બનાવી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવાર પસંદ કરી નામો દિલ્હી મોકલાયાં છે જ્યારે કોંગ્રેસ પણ એકાદ બે દિવસમાં જ બન્ને બેઠકોના ઉમેદવારના નામો જાહેર કરી શકે છે.
કડી અને વિસાવદર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસે ઉમેદવાર પસંદ કરવા સેન્સ પ્રક્રિયા આટોપી લીધી છે. નીરીક્ષકોએ પ્રદેશ પ્રમુખને રિપોર્ટ સોંપી દીધો છે. સ્થાનિકોની ભલામણ અને માપદંડના આધારે હાઇકમાન્ડ આખરી નિર્ણય લેશે.આમ આદમી પાર્ટીએ કડી અને વિસાવદર બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે જ્યારે ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા બાદ ચૂંટણી પ્રચાર જામશે.