
Mehsana news: સરકારી અનાજ ગરીબો સુધી પહોંચાડવાની વાતોના લીરેલીરા ઉડાડતી ઘટના કડી અને વિજાપુરમાં બની છે. મોદી સરકારે દેશના 80 ટકા ગરીબોને સરકારી અનાજ આપવામાં આવે છે. પરંતુ આ સરકારી અનાજનું વેચાણ કરતી સંસ્થાઓમાંથી બારોબાર વેપલો થઈ જાય છે. કડી અને વિજાપુરમાંથી 25 લાખ રૂપિયા કરતાં વધુનું સરકારી અનાજ સગેવગે કરી બારોબાર વેચી મારે તે પહેલા સીઝ કરાયું છે.
મોદી સરકાર ભલે ગરીબો સુધી મફત અનાજ પહોંચાડવા માગતી હોય પરંતુ વચેટિયાઓનો વેપલો અટક્યો નથી. ક્યાં સુધી સરકારી અનાજનું આવી રીતે બારોબારીયું ચાલશે? કડી માર્કેટયાર્ડમાં યોગેશ્વર ટ્રેડિંગ કંપનીમાંથી શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે. 18460 કિલો ચોખા, 13375 કિલો ઘઉં તેમજ છૂટક અનાજ 14141 કિલો સહિત કુલ 11 લાખનો અનાજનો મુદ્દામાલ સીઝ કરાયો છે.
વિજાપુરમાંથી પણ શંકાસ્પદ સરકારી અનાજ ઝડપાયું છે. વિજાપુર બંસરી હોટલ પાસે આઈટીઆઈ પાછળ ગોડાઉનમાંથી શંકાસ્પદ સરકારી અનાજ ઝડપાયું છે. આ ગોડાઉનમાંથી 2.86 લાખના 10,600 કિલો ચોખા સીઝ કરાયા છે. જ્યારે 11.52 લાખના 29555 કિલો ઘઉં સીઝ કરાયા છે. વિજાપુરમાંથી કુલ મળીને રૂપિયા 14.38 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો છે.
હાલ આ બંને સ્થળોએથી શંકાસ્પદ સરકારી અનાજના સેમ્પલ FSL માં મોકલવામાં આવ્યા છે. સેમ્પલ રિપોર્ટ બાદ શંકાસ્પદ સરકારી અનાજની પુષ્ટિ થશે.