
ભગવાન શિવના નિવાસસ્થાન ગણાતા અને હિન્દુઓના આસ્થાકેન્દ્ર Kailash Mansarovar Yatra 5 વર્ષે ફરી શરૂ થવા જઈ રહી છે. વિદેશ મંત્રાલયે શનિવારે 'કૈલાશ માનસરોવર યાત્રા 2025' ની ઔપચારિક જાહેરાત કરી. આ યાત્રા જૂનથી ઓગસ્ટ 2025 દરમિયાન યોજાશે. કૈલાસ માનસરોવર યાત્રા તેના ધાર્મિક મૂલ્ય અને સાંસ્કૃતિક મહત્વ માટે જાણીતી છે. હિન્દુઓ માટે મહત્વપૂર્ણ હોવા ઉપરાંત તે જૈન અને બૌદ્ધ લોકો માટે પણ ધાર્મિક મહત્વ ધરાવે છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, kmy.gov.in વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. વર્ષ 2015થી કૈલાશ માનસરોવર યાત્રા માટે ઓનલાઈન અરજીથી લઈને મુસાફરોની પસંદગી સુધીની પ્રક્રિયા સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઈઝ્ડ છે.
આ વર્ષે કૈલાશ માનસરોવર યાત્રા માટે ઉત્તરાખંડ રાજ્યથી 5 બેચ (દરેકમાં 50 યાત્રાળુઓ) લિપુલેખ પાસ થઈને મુસાફરી કરશે અને 10 બેચ (દરેક 50 યાત્રાળુઓ) સિક્કિમ રાજ્યથી નાથુ લા પાસ થઈને યાત્રા કરશે. યાત્રાળુઓની પસંદગી વિદેશ મંત્રાલય દ્વારા એક ન્યાયી પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે અને તેમને અલગ અલગ રૂટ અને બેચ ફાળવવામાં આવશે. કોમ્પ્યુટરાઇઝ્ડ પ્રક્રિયા દ્વારા મુસાફરોને ફાળવવામાં આવેલ રૂટ અને બેચ સામાન્ય રીતે બદલાશે નહીં. જોકે, જો જરૂરી જણાશે તો પસંદ કરેલા યાત્રાળુઓ બેચમાં ફેરફાર માટે વિનંતી કરી શકે છે. આ ફેરફાર ફક્ત ત્યારે જ થઈ શકે છે જો ખાલી જગ્યા ઉપલબ્ધ હોય. આ બાબતે મંત્રાલયનો નિર્ણય અંતિમ રહેશે.
૩ જુલાઈથી શરૂ થશે અમરનાથ યાત્રા
અગાઉ, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે શુક્રવારે ખાતરી આપી હતી કે પહેલગામ આતંકવાદી હુમલા છતાં આ વર્ષે 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા રુટિન ચાલુ રહેશે. પહેલગામ આતંકી હુમલો છતાં પિયુષ ગોયલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, કાશ્મીરમાં પ્રવાસન ટૂંક સમયમાં ફરી શરૂ થશે. તેમણે કહ્યું કે કોઈ પણ કાશ્મીરને તેના વિકાસના માર્ગથી પાછું નહીં પાડી શકે.