Home / Kalasmruti : Author Ram Mori special conversation with GSTV on the launch of Satyabhama novel

લેખકની સ્પર્ધા આજે OTT, વેબ સિરીઝ અને મોરે-મોરા સાથે, GSTV સાથે લેખક રામ મોરીની ખાસ વાતચીત

લેખકની સ્પર્ધા આજે OTT, વેબ સિરીઝ અને મોરે-મોરા સાથે, GSTV સાથે લેખક રામ મોરીની ખાસ વાતચીત

ગજરાતી ભાષામાં લખતા સાહિત્યકારોમાં માનભેર સ્થાન પામનાર  યુવા લેખક રામ મોરીએ ‘મહોતું’, ‘કોફી સ્ટોરીઝ’ અને ‘કન્ફેશન બોક્સ’ બાદ સત્યભામા નવલકથા લખી છે, જેનું તાજેતરમાં જ લોકાર્પણ થયું છે. “સત્યભામા: કૃષ્ણ સૌભાગ્યશાળી કે હું મળી” એ રામ મોરીની એક અદ્ભૂત નવલકથા છે, જેમાં કૃષ્ણની 8 પટરાણીઓમાંની એક સત્યભામાના દૃષ્ટિકોણથી કૃષ્ણકથાનું આલેખન કરવામાં આવ્યું છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કૃષ્ણના જીવનમાં આઠનું મૂલ્ય હંમેશા રહ્યું છે. કૃષ્ણના અષ્ટદર્શન હોય કે જગમંગલ કાજે આઠે દિશાઓનું પરિભ્રમણ હોય, દેવકીનું આ આઠમું સંતાન આઠ હજાર વર્ષ પછી પણ 'સંભવામિ યુગે યુગે'ની સંકલ્પના સિદ્ધ કરે છે. એમને પટરાણીઓ પણ આઠ હતી. આ પટરાણીઓમાં બટમોગરા જેવી બટકબોલી સત્યભામાનું એક આગવું અને અલાયદું સ્થાન હતું.

ગુજરાતી સાહિત્યમાં સત્યભામા પર લખાયેલી આ પહેલી નવલકથા છે. GSTVની મુલાકાતે આવેલા રામ મોરીએ ‘સત્યભામા’ નવલકથાની પોતાની સર્જનયાત્રા અંગે મુક્તમને વાતો કરી. સાથે શાંતિલાલ શાહ જર્નાલિઝ્મ ફેલોશીપના વિદ્યાર્થીઓને સ્ક્રીનરાઈટિંગ અંગે મરહદર્શન પણ આપ્યું. રામ મોરીએ ‘સત્યભામા’ નવલકથાના સૃજન અંગે સવાલોના રોચક જવાબો આપ્યાં. 

પ્રશ્ન : સત્યભામા પર લખાવનો વિચાર ક્યારે અને કેવી રીતે સ્ફૂર્યો?

“હું જ્યારે પાંચ વર્ષની ઉંમરનો હતો ત્યારે મારા દાદા કેસર મોરી સાથે સત્સંગમંડળોમાં ભજન સાંભળવા જતો. જ્યાં  સત્સંગમંડળનું આયોજન થતું ત્યાં આખી રાત જેસલ-તોરલ, માલદે-રૂપાદે, લાખા-લોયણ, ગંગાસતી-પાનબાઈ, નવનાથ, નરસિંહ મહેતા, મીરાંબાઈ, કુંભો રાણો, લીરબાઈ, દાદા મેકરણ, દેવાયત પંડિત, રોહીદાસ, દાસી જીવણ અને કાગબાપુની રચાનો સાંભળવા મળતી. એક વાર એક દાદાએ ‘સત્યભામાનું રૂસણું’ ગાયું હતું, “રમવા આવો રે સતભામા સુંદરી …”

“ત્યારે દાદાને સવાલ પૂછ્યો હતો કે કૃષ્ણને આટલી બધી રાણીઓ હતી, એક સત્યભામા રાસ રમવા ન આવે તો શું ફેર પડી જાય? શા માટે કૃષ્ણ એને આટલું બધું મનાવતા હતા?”


“આજે વર્ષો પછી મને સમજાય છે કે કદાચ એ સવાલના જવાબની શોધમાં આ નવલકથા લખાણી છે. મને સત્યભામા ગમવા લાગી હતી. હું ભાગવત અને મહાભારત વાંચતો ગયો એમ એમ કથાનકના માધ્યમથી હું એની નજીક ગયો. હું મોટો થયો એમ મારી સત્યભામા અંગેની સમજ પણ મોટી થતી ગઈ. પહેલા હું એને દૂર ઉભો ઉભો જોતો હતો અને એક અંતરાલ પછી હું એની બાજુંમાં ઉભો રહીને જોતો હતો. આજે સંપૂર્ણ કથા લખાયા પછી સમજાય છે કે હું એને હવે મારી ભીતરથી જોઉં છું.” 

પ્રશ્ન : સત્યભામા નવલથા લખવાની શરૂઆત ક્યારે કરી અને પૂર્ણ કરવામાં કેટલો સમય લાગ્યો?

“2014માં જયારે મેં ન્યુઝ ચેનલમાં ભક્તિ કાર્યક્રમ લખવાનું કામ શરું  કર્યું હતું ત્યારે સત્યભામા લખાવની શરૂઆત કરી હતી. હું જે લખતો એ પહેલા મિત્રો સાથે શેર કરતો. ત્યારે મિત્રો સાથે ચર્ચા કરતા કરતા  કંઈક નવું લખાણ પણ જોડાતું અને બિનજરૂરી નીકળી જતું.”

“સત્યભામા નવલકથા લખવા માટે દેવીભાગવત  પુરાણ, ભાગવત પુરાણ, ગોપીગીત, ભ્રમરગીત, મહાભારત, હરિવંશ પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, સુરદાસના પદો વગેરેનો અભ્યાસ કર્યો, તેમાંથી સંદર્ભો લીધા અને સત્યભામાની કથાના વિવિધ ભાગો લખ્યાં. આ દરમિયાન મારા નજીકના મિત્રો પણ વારંવાર પૂછતાં કે ‘સત્યભામા’ ક્યારે આવશે?”

“ધનરાજ નથવાણીનું ‘રાજાધિરાજ’ નાટક લખવાનું કામ આવ્યું. આ કામ માટે મારે દ્વારકા, વ્રજ અને નાથદ્વારા જવાનું થયું. આ સાથે મારી અંદર રહેલી સત્યભામાની અધૂરી કથાઓ સળવળી. ‘રાજાધિરાજ’ સાથે સત્યભામા નવલકથાનું લેખન પણ પૂર્ણ કર્યું.”

પ્રશ્ન : ‘સત્યભામા’ નવલકથાના મુખપૃષ્ઠ પરનું ચિત્ર કોણે દોર્યું છે?

“ચિત્રકાર મહેન્દ્ર મિસ્ત્રીના કબીર અને મીરાના ચિત્રો આગાઉ જોયા હતા, માટે સત્યભામાનું ચિત્ર બનાવવા માટે એમને જ મેં આગ્રહ કર્યો હતો. એક વર્ષ પહેલા એમને વાત કરી હતી અને એમણે પહેલું ચિત્ર બનાવીને આપ્યું હતું. ત્યારબાદ મેં એમના ઘરે આખી સત્યભામા નવલકથા સંભળાવી અને કહ્યું કે મારે કેવી સત્યભામા ચિત્રમાં જોઈએ છે. ત્યારબાદ એમણે ફરીવાર સત્યભામાનું જે ચિત્ર બનાવ્યું હતું એ એવું હતું જેવું હું ઈચ્છતો હતો, જેવી મેં કલ્પના કરી હતી એવું જ સત્યભામાનું ચિત્ર એવું જ હતું. ચંપા અને કૃષ્ણકમળના ફૂલો, મોરપિચ્છ અને વાંસળી. ‘સત્યભામા’ના લેખક તરીકે મારા મારે આ યાદગાર ક્ષણ હતી.”

પ્રશ્ન : ‘સત્યભામા’ને અભિનીત કરવાની હોય તો તમે સત્યભામા તરીકે કોને જુઓ? 

“સત્યભામામાં હું પોતાને જોઉં છું અને જો આ નવલકથા પરથી કોઈ ફિલ્મ બનાવવાની હોય તો હું મધુબાલાને સત્યભામા તરીકે કાસ્ટ કરું.”

પ્રશ્ન : ‘સત્યભામા’ લખતા સમયે તમારા સારા અનુભવો કયા હતાં?

“જામનગરમાં લાભશંકર ત્રિવેદી એટલે જે લાભુદાદાએ મને સૂરદારના પદો સંભળાવ્યાં હતા. તેમણે મને કહ્યું હતું કે જો કૃષ્ણના જીવન વિશે કઈ લખવું હોય તો સૂરદાસના પદો વગર નહીં લખી શકાય. ત્યારબાદ મેં સૂરદાસના બે ગ્રંથોનો અભ્યાસ કર્યો અને વાર્તાલેખનમાં મને એ કામ લાગ્યાં.” 

“દ્વારકામાં પંડિત કપિલમુનિ છે, તેઓ દ્વારકાધીશ મંદિરના પૂજારી છે. તેમણે મને  દ્વારકાની ભૂગોળ સમજાવી અને દ્વારકાના દરેક ખંડ વિશે માહિતી આપી.”

“સત્યભામા લખતા સમયે હું બહુ સ્પષ્ટ હતો કે મારે ભગવાન કૃષ્ણની નહીં પણ દિનકર, મુનશી, નાનાભાઈ ભટ્ટ, હરીન્દ્ર દવે વગેરે એ જે માનવ કૃષ્ણને રજૂ કર્યા છે તેમના રેફરન્સ મારી સામે જ હતા. આમાંથી મારે સત્યભામાના કૃષ્ણનું વર્ણન કરવાનું હતું. અહીં જે કૃષ્ણ છે એ યુદ્ધ કરતા કે ગીતાગાન કરનારા નથી. એટલે સત્યભામાની નજરે મારે કૃષ્ણકથા કરવાની હતી.”

પ્રશ્ન : ‘કૃષ્ણ સૌભાગ્યશાળી કે હું મળી’ સત્યભામાને આટલું બધું અભિમાન કેમ? 

“સત્યભામાને આટલું બધું અભિમાન એટલા માટે છે કે તે આર્યાવર્તની સર્વશ્રેષ્ઠ સુંદરી છે, સર્વગુણ સંપન્ન છે અને પોતે એવું માનતે છે કે તેનો જન્મ કૃષ્ણને પરણવા માટે જ થયો છે. આ ભ્રમ તેણે આજીવન તૂટવા દીધો નથી. ભાગવતમાં કે અન્ય જગ્યાએ પણ કોઈ એવો ઉલ્લેખ નથી કે સ્વયં કૃષ્ણએ પણ સત્યભામાના માનનું ખંડન કર્યું હોય. એનો અર્થ એ પણ થયો કે કૃષ્ણ પોતે એવું ઇચ્છતા હતા કે કોઈ તેમને આવો પણ પ્રેમ કરે. 

“કૃષ્ણની 16107 રાણીઓ મને છે કે તેઓ પોતે સૌભાગ્યશાળી છે કે કૃષ્ણ એમને મળ્યાં. એક માત્ર સત્યભામા મને છે કે કૃષ્ણ સૌભાગ્યશાળી છે કે હું તેમને મળી. સત્યભામાએ આ પ્રકૃતિ છોડી જ નથી.”

પ્રશ્ન : ‘સત્યભામા’ નવલકથામાં સત્યભામા સાથે અન્ય કોની કથાઓ છે?

“આ નવલકથામાં રાધાની કથા છે, જેમાં આખું બરસાના બતાવ્યું છે, રાધાની આ કથામાં તમને વ્રજના કૃષ્ણ દેખાશે. બીજી દ્રૌપદીની કથા છે, જેમાં તેના સ્વયંવરની કથા પણ સાથે છે. ત્રીજી રુક્મિણીની કથા છે, જેમાં કૃષ્ણ-રુક્મિણીના વિવાહની કથા છે. ચોથી જામ્બવતીની કથા છે. આ સાથે મહાભારતની પણ ઘણીં કથાઓ છે.”

પ્રશ્ન : ‘સત્યભામા’ લખતી વખતે કેવા પડકારો આવ્યાં? 

“મુખ્ય પડકાર એ હતો કે મારે ભગવાનની વાત નહોતી કરવી, મારે કોઈ ચમત્કાર નહોતો બતાવવો, મારે એક માણસ જેવા કૃષ્ણની વાત કરવી હતી, જે એક પતિ છે. મારે કૃષ્ણ વગરની દ્વારકાની વાત કરવી હતી, જે મોટો પડકાર હતો. આ અડધી નવલકથા સુધી કૃષ્ણ દ્વારકામાં છે જ નહીં. આ બતાવવું મારા મારે પડકાર હતો.”

પ્રશ્ન : ઐતિહાસિક પાત્રોના આલેખનમાં કેટલી છૂટછાટ લેવી જોઈએ? 

“ઐતિહાસિક પાત્રોના આલેખન વખતે લેખકે એટલી હદે છૂટછાટ ન લેવી જોઈએ કે તેણે બાળપણથી જે કથાઓ સાંભળી છે એનો મૂળ પાયો હચમચી ન જાય. કારણકે અમુક વર્ષો પછી આ સત્યભામા નવલકથાને પણ ધર્મગ્રંથ અને ઓથેન્ટિક માનવામાં આવશે. હું એવું માનું છું કે લેખકને ફેરફાર કરવાની મંજૂરી હોવી જોઈએ, પણ સાથે મૂલ્યોમાં બાંધછોડ ન થાય એ લેખકની નૈતિક જવાબદારી છે.”

પ્રશ્ન : સત્યભામાના સદ્ગુણો અને દુર્ગુણો વિશે કહો.

“સત્યભામામાં કોઈ દુર્ગુણ નથી. સદ્ગુણની વાત કરીએ તો સત્યભામા એવું માને છે કે કોઈને પ્રેમ કરો તો સ્વમાનના ભોગે પ્રેમ ન કરો. પ્રેમ જીવનનો ભાગ હોઈ શકે, પણ સમગ્ર જીવન પ્રેમ ન હોઈ શકે. સત્યભામા કહે છે કે હું ટોળાનો ભાગ હોઈ શકું, ટોળું ન હોઈ શકું. સત્યભામા કૃષ્ણની એક માત્ર એવી રાણી હતી જેના લગ્ન દ્વારકામાં થયા હતા.” 

પ્રશ્ન : ‘સત્યભામા’ પછી શું?

“મારે એક વાર્તાસંગ્રહ તૈયાર કરવાનો છે જેનું નામ છે ‘માડીએ લાજ રાખી’, આ ઉપરાંત 2018માં મેં લખેલી નવલકથા ‘કંકુના સૂરજ’ ફરીથી લખવાની છે. ગાંધીજીના બાળપણ અંગે ‘મોહન’ નામની નવલકથા ‘બીજમાં વૃક્ષ તું’ એ કોન્સેપ્ટ સાથે લખવી છે. આ સિવાય લક્ષ્મણની પત્ની ઉર્મિલા પર એક નવલકથા લખવી છે, જેમાં ઉર્મિલાના દૃષ્ટિકોણથી સમગ્ર રામાયણ લખવી છે.”

“મારી એક નવલકથા ‘ધાક’ના 12 પ્રકરણ મેં લખી નાખ્યાં છે, આ નવલકથામાં 15 ઓગષ્ટ 1947ના દિવસે આઝાદી મળી એનો બીજો દિવસ એટલે કે 16 ઓગષ્ટની વાર્તા છે. સૌરાષ્ટ્રના એક નાનકડાં ગામની વાર્તા છે, જ્યાં અંગ્રેજો, ગુલામી અને ગાંધીજી પહોચ્યા જ નથી. એ ગામના લોકો માટે આઝાદી શું છે એ પરિપ્રેક્ષ્યમાં મારે આ નવલકથા લખાવની છે.”

પ્રશ્ન : સ્ક્રીનરાઇટિંગ માટે શું તૈયારી રાખવી જોઈએ?

“સ્ક્રીનરાઇટિંગ માટે સારા નાટકો વાંચવા જોઈએ. ઉત્તમ સ્ક્રીનરાઇટિંગ બનવા માટે ઉત્તમ નાટકો વાંચવા જરૂરી છે. કારણ કે આવા નાટકો લેખકનું કામ ઘણું સરળ કરી નાખે છે. જેટલા સારા નાટકો વાંચ્યાં હશે એટલી સારી પટકથા તમે લખી શકશો. વાંચન હોવું જરૂરી છે, જેટલું વાંચન કરશો એટલી તમને મર્યાદાઓ સમજાશે. એક સારી ફિલ્મ નવલકથાની ગરજ સારે છે, માટે સારી ફિલ્મો જોવી જોઈએ. સારા પુસ્તકો વાંચવા જોઈએ. ગુગલ પર વિવિધ ફિલ્મોની સ્ક્રીપ્ટ ઉપલબ્ધ છે. એ સ્ક્રીપ્ટ ડાઉનલોડ કરીને વિડીયો જોતા જોતા તેનો અભ્યાસ કરવાથી ઘણું શીખવા મળશે.”

પ્રશ્ન : આ 10 વર્ષમાં તમે શું શીખ્યાં?

“આ 10 વર્ષમાં હું એટલું શીખ્યો કે લેખકની સ્પર્ધા નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ સાથે છે, મોરે-મોરો સાથે છે, ડાયરા સાથે છે અને ફિલ્મો સાથે પણ છે. લેખકે આ તમામની વચ્ચે વાચકને શોધવાનો છે. માટે લેખક અને પુસ્તક બંનેએ વાચક પાસે જવું પડશે. લેખકે એ ભ્રમમાં ન રહેવું જોઈએ કે કોઈ કૃતિ લખીને એ છૂટી ગયો. પુસ્તક વેચવું એ માત્ર પ્રકાશક કે પબ્લિશરનું કામ નથી, લેખકનું પણ કામ છે. લેખકનો પોતાનો અવાજ લેખકે સતત નોંધાવતા રહેવું પડશે.”

Related News

Icon