
કલા સ્મૃતિ દ્વારા ગુજરાતી બુક ક્લબ અને કર્મા ફાઉન્ડેશનના સથવારે રવિવારે સાહિત્યનો ફિલ્મોત્સવ યોજાઈ ગયો. જેમાં ત્રણ મૂર્ધન્ય સાહિત્યકારો નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠી, કવિ રમેશ પારેખ અને ઐતિહાસિક નવલકથાકાર-શિક્ષણવિદ્દ કનૈયાલાલ મુનસી પરની ડોક્યુમેન્ટ્રી ફિલ્મો રજૂ થઈ.
આજના યુવાનો સુધી સાહિત્ય પહોંચાડવાનો નમ્ર પ્રયાસ
આ તમામ ડોક્યુમેન્ટ્રીનું નિર્માણ કલાકાર ધ્રુવ શાસ્ત્રી દ્વારા કરવામાં આવ્યુ છે. ધ્રુવ શાસ્ત્રીએ જણાવ્યુ હતુ કે, 'સાહિત્યકારોની ફિલ્મ એક પ્રકારે સાહિત્યની સેવા કરવાનો અને આજના યુવાનો સુધી સાહિત્ય પહોંચાડવાનો નમ્ર પ્રયાસ છે.
લોકોને ગમે તેવી રીતે ગુજરાતી સાહિત્ય પહોંચાડવાનો પ્રયાસ
સોશિયલ મીડિયાના સમયમાં યુવાનો હિન્દી સાહિત્યના કવિઓ અને લેખકોને રીલના માધ્યમથી ઓળખતા થયા છે પરંતુ ગુજરાતી સાહિત્ય પ્રત્યે તેમનો એટલો લગાવ નથી કારણ કે આપણે તેમના સુધી તેમની ગમતી રીતે સાહિત્યને પહોંચાડ્યું નથી. જો તેમને ગમે તેવી રીતે ગુજરાતી સાહિત્ય પહોંચાડવાનો પ્રયત્ન કરીશું તો ચોક્કસથી તે પહોંચશે જ અને વાંચશે જ.
કોઇની પાસેથી નાણાકીય મદદ મેળવી નથી
તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, 'આ ત્રણેય ફિલ્મો બનાવવા માટે તેમણે કોઇની પાસેથી નાણાકીય મદદ મેળવી નથી, પોતાના સ્વખર્ચે આ ફિલ્મોનું નિર્માણ કર્યું છે. હાલમાં સુરેશ જોષીની જન્મોત્સવ અને ધૂમકેતુની પોસ્ટઓફિસ પર કાર્ય ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં આ ફિલ્મો પણ લોકો સમક્ષ મૂકવામાં આવશે.
આ પ્રસંગે ગુજરાતી બુક ક્લબના કિશન કલ્યાણીએ સાહિત્યનો ફિલ્મોત્સવ સ્પર્ધાની જાહેરાત કરી હતી. આ સ્પર્ધામાં સ્પર્ધકોને કોઈ પણ સાહિત્યકાર અથવા પુસ્તક પર પાંચથી સાત મિનિટની ફિલ્મ બનાવવા આહવાહન કર્યુ હતુ. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.