
સાચ્ચે, સિનિયર હીરો-હિરોઈનો અત્યારે ફુલ ફોર્મમાં છે. જુઓને, બે બચ્ચાની અમ્મા કરીના કપૂર ખાને વધુ એક ફિલ્મ સાઈન કરી છે અને તે પણ 'રાઝી' અને 'તલવાર' જેવી પાવરફુલ ફિલ્મો બનાવનાર ગુલઝાર પુત્રી મેઘનાની. ફિલ્મનું ટાઈટલ છે, 'દાયરા'. આ ક્રાઈમ-ડ્રામામાં કરીના કપૂર સાથે જોડી જમાવશે દક્ષિણનો અભિનેતા પૃથ્વીરાજ સુકુમારન.
કરીના કહે છે, 'હિન્દી સિનેમામાં આ મારું પચ્ચીસમું વર્ષ છે. મારા આનંદનો અતિરેક સમજી શકાય તેવો છે. મારી આગામી ફિલ્મ 'દાયરા' માટે હું રોમાંચિત છું. આ ફિલ્મના દિગ્દર્શક મેઘના ગુલઝાર છે. મેં તેની 'ફિલહાલ' થી 'સેમ બહાદૂર' સુધીની આખી સફર જોઈ છે અને હું એના કામની પ્રશંસા કરું છું. મેઘના એક ઉત્તમ ડિરેક્ટર છે. મેઘના અને એટલા જ ટેલેન્ટેડ અભિનેતા પૃથ્વીરાજ સાથે કામ કરવાનો અનુભવ ખૂબ મજાનો રહેશે.'
પૃથ્વીરાજનો હિન્દી ફિલમોનો નાતો જુનો છે. સૌથી પહેલા આપણે તેને છેક 2012માં આવેલી ફિલ્મ 'અય્યા' માં રાની મુખર્જીના હીરો તરીકે જોયો હતો. છેલ્લે તે 'બડે મિંયા છોટે મિંયા' (2024) માં દેખાયો હતો. પૃથ્વીરાજ કહે છે, 'મને સ્ક્રિપ્ટનું નરેશન આપવામાં આવ્યું હતું. હું બિલકુલ સ્પષ્ટ છું કે મારે આ ફિલ્મમાં એકઝેટલી શું કરવાનું છે. આ ફિલ્મ મારે કરવી જ હતી. આ ફિલ્મમાં મારી ભૂમિકામાં કેટલાય રંગ છે. મેઘના અને કરીના સાથે કામ કરવા હું સુપર એક્સાઈટેડ છું.'
ડિરેક્ટરનું શું કહેવું છે?
મેઘના જણાવે છે, 'જ્યારે ન્યાય અને કાનૂની સીમાઓનું ઉલ્લંઘન કરવું પડે ત્યારે શું થાય? બસ, 'દાયરા' માં આ જ મુદ્દો ચર્ચાયો છે. મારા સહ-લેખકો સીમા અને યશે પાત્રો અને પરિસ્થિતિઓના ગ્રે શેડ્ઝને સરસ રીતે ઊપસાવ્યા છે. કરીના અને પૃથ્વીરાજ આ વાર્તાને નેક્સ્ટ લેવલ પર લઈ જશે તેની મને ખાતરી છે.'
સારું છે. આમેય કોઈ ફિલ્મ લોન્ચ થાય ત્યારે બધા ઉત્સવના મૂડમાં હોય, સૌ મોટી-મોટી, ઊંચી ઊંચી વાતો કરે. મેઘનાએ દીપિકા પદુકોણને લઈને 'છપાક' નામની ફિલ્મ બનાવી હતી ત્યારે પણ એવું જ લાગતું હતું કે કંઈક અદ્ભુત વસ્તુ બનવા જઈ રહી છે, થયું એનાથી ઊલટું. જોઈએ, મેઘના-કરીનાનું કોમ્બિનેશન જાદુ કરી શકે છે કે કેમ.