
ભારત એક સમયે 'સોને કી ચિડિયા' નામથી ફેમસ હતું. દેશમાં સોનાની મોટી ખાણો હતી. જ્યાંથી મોટો ભંડાર મળી આવતો હતો. આવી જ એક ખાણ હતી કર્ણાટકની કોલાર ખાણ જે KGFતરીકે પણ ઓળખાય છે. અહીંથી મોટી માત્રામાં સોનું મળી આવ્યું હતું. આજ કર્ણાટકની કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ (KGF) ફરી એકવાર ચમકવા માટે તૈયાર છે! લગભગ 80 વર્ષના લાંબા ગાળા પછી, ભારતની આ ઐતિહાસિક સોનાની ખાણ ફરીથી કાર્યરત થવા જઈ રહી છે. આઝાદી પછી ફરી ખુલનારી દેશની આ પહેલી સોનાની ખાણ હશે.
સરકારી અંદાજ મુજબ, KGF દર વર્ષે લગભગ 750 કિલો સોનાનું ઉત્પાદન કરે તેવી અપેક્ષા છે. આનાથી ભારતને સોનાની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં અને સ્થાનિક પુરવઠો વધારવામાં મદદ મળશે. જો અહીં મોટો સોનાનો ભંડાર મળી આવે, તો દેશને લાખો કરોડનો ફાયદો થઈ શકે છે.
ભારત વિશ્વમાં સોનાનો સૌથી મોટો ગ્રાહક છે, દેશમાં સોનાના ઝવેરાતની ખરીદી એટલી વધારે છે કે ભારતને દર વર્ષે સેંકડો ટન સોનું ખરીદવું પડે છે. KGF ખોલવાથી લાખો કરોડ રૂપિયાની બચત થશે.
કોલાર ગોલ્ડ ફિલ્ડનો ઇતિહાસ
કોલાર ગોલ્ડ ફિલ્ડ બ્રિટિશ યુગમાં સૌથી મોટો ગોલ્ડ રિઝર્વ હતો. બ્રિટિશ શાસન દરમિયાન, અહીંથી દર વર્ષે સેંકડો ટન સોનું કાઢવામાં આવતું હતું. 1880 થી 120 વર્ષમાં અહીંથી લગભગ 900 ટન સોનું કાઢવામાં આવ્યું હતું. પરંતુ 2001 માં, અહીં ખાણકામ બંધ કરવામાં આવ્યું. કોલાર ગોલ્ડ ફિલ્ડ્સને એક સમયે ગોલ્ડ સિટી અથવા મિની ઈંગ્લેન્ડ પણ કહેવામાં આવતું હતું.
સોનાની ખાણનો પૌરાણિક ઉલ્લેખ
કોલારમાં મોટા સોનાના ભંડારનો ઉલ્લેખ ચોલ સામ્રાજ્યમાં પણ જોવા મળે છે. ચોલ સામ્રાજ્યમાં 1004 થી 1116 સુધીના શિલાલેખો અને પુસ્તકોમાં સોનાની ખાણકામનો ઉલ્લેખ છે. વિજય નગર રાજવંશ દરમિયાન પણ અહીં સોનું કાઢવામાં આવતું હતું, એવો ઉલ્લેખ છે કે મૈસુરના શાસક ટીપુ સુલતાને પણ 1750 થી 1760 ની વચ્ચે સોનાની ખાણનો ઉપયોગ કર્યો હતો.
બ્રિટિશ સમયગાળા દરમિયાન મોટી ખાણકામ
ભારતમાં બ્રિટનના વર્ચસ્વ પછી, લેફ્ટનન્ટ જોન વોરેને 1802 થી કોલારની ખાણોમાં સોનાના ભંડારનું ખાણકામ શરૂ કર્યું. 1804 થી 1860 ની વચ્ચે કોલાર ગોલ્ડ ફિલ્ડ્સમાં ખોદકામ શરૂ થયું. અંગ્રેજી કંપનીએ 1880 માં કોલારમાં સોનું કાઢવાનું શરૂ કર્યું. 1943 સુધીમાં, સ્વતંત્રતાના થોડા વર્ષો પહેલા, KGF એ 583 ટન સોનું કાઢ્યું અને તિજોરી ભરી દીધી.
આઝાદી પછી, કર્ણાટક સરકારે KGF પર નિયંત્રણ મેળવ્યું. જોન ટેલર અને સન્સને સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. પરંતુ 1972 માં, કેન્દ્ર સરકારે ભારતની સોનાની ખાણો KGF ને સોંપી દીધી. જ્યારે BGML નું નુકસાન વધવા લાગ્યું અને સોનાનું ખાણકામ ઘટ્યું, ત્યારે તે 2001 માં બંધ થઈ ગઈ.