
Gir news: ગીરની પ્રખ્યાત અને વિશ્વ વિખ્યાત એવી સુગંધીદાર કેસર કેરીની હરાજીનો આજથી તાલાલા માકેઁટિંગ યાર્ડમાં પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે પહેલા દિવસે જ 14000 બોક્ષ ઉપર આવક નોંધાઈ છે. હજી કેસર કેરીની 45 દિવસ સુધી હરાજી થવાની છે. ત્યારે કેરીના શોખીનો માટે આ વર્ષે કેરી ખાવાની મજા પડશે.
કેસર કેરીના શોખીનો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ત્યારે ફળનો રાજા એવી ગીરની પ્રખ્યાત કેસર કેરીની હરાજીનો આજથી પ્રારંભ થઈ ચુક્યો છે. તાલાલા માકેઁટિંગ યાર્ડ ખાતે આજ રોજ 1:30 કલાકે હરાજીનો દબદબાભેર પ્રારંભ થયો હતો. હજારોની સંખ્યામા ખેડૂતો ,વેપારીઓ જોવા મળ્યા હતા ત્યારે પ્રથમ દિવસે જ અંદાજીત 14000 બોક્ષથી વધુ બોક્ષની આવક નોંધાઈ છે. ગત વર્ષની સિઝનમાં 5,90,000 બોક્ષની આવક નોંધાઇ હતી અને સરેરાશ 700 રૂપિયા ભાવ રહ્યા હતા ત્યારે આ વખતે ગ્લોબલ વોર્મિંગના લીધે કેરીનો પાક ઓછો થયો છે જેથી ગત વર્ષ કરતાં 200 ભાવ વધુ રહેશે પરંતુ ખેડૂતોના જણાવ્યા મૂજબ આ વખતે કેસર કેરી સારી મળશે.
આ વખતે પાંચ દિવસ વહેલી સિઝન શરૂ કરવામા આવી છે અને 45 દિવસ સુધી સિઝન ચાલુ રહેવાનુ અનુમાન છે. આ વખતે ગત સિઝન કરતાં એક લાખ બોક્ષ ઓછી આવક થવાની પણ શક્યતા છે. હાલતો આજથી ગીરની પ્રખ્યાત કેસર કેરી દુનિયાના ખૂણે ખૂણે જોવા મળશે અને માંગ પણ ખૂબ જ છે.