
ખેડા જિલ્લામાં ગઈકાલે ડબલ મર્ડરનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં મહીસા ગામના સીમમાં આવેલા ખેતરમાં કરપીણ હત્યા કરાયેલ હાલતમાં બંનેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે.
ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મહિસામાં ડબલ મર્ડર કેસ મામલે ખેડા પોલીસે 30 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. વિકૃત માનસિકતા ધરાવનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે. પ્રેમી યુગલને અજાણ્યા શખ્સની મદદ લેવી જીવલેણ સાબિત થઈ હોવાનું સામે આવ્યું છે.
યુવતી લગ્નના આગલા દિવસે પ્રેમી સાથે ભાગી હતી
મળતી માહિતી પ્રમાણે, યુવતી લગ્નના આગલા દિવસે પ્રેમી સાથે બાઈક ઉપર ભાગી હતી. પંચમહાલના ઝાંખરીપુરાથી બાઈક લઈ ભાગી પ્રેમી યુગલ ડાકોર દર્શને આવ્યા હતા. આઇડી પ્રૂફ ન હોવાથી હોટલ, ગેસ્ટહાઉસમાં રૂમ ન મળતા તેઓ મૂંઝવણમાં મુકાયા હતા. એવામાં અજાણ્યો શખ્સ પ્રકાશ નીનામા મદદ કરવાની વાત કરી ફોસલાવી મહીસા ગામની વાડીમાં લઈ ગયો હતો.
મહિસા ગામે વાડી ખાતે ખાટલામાં પ્રેમી યુગલને સાથે સૂતેલા જોઈ નરાધમના મનમાં હવસનો કીડો સળવળ્યો. બાજુમાં પડેલું લાકડું લઈ યુવકના માથાના ભાગે આરોપી પ્રકાશ નીનામાએ ફટકો મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારબાદ યુવતી સાથે પણ જબરદસ્તી બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. યુવતી તાબે ન થતા યુવતીના માથામાં પણ લાકડાનો ફટકો માર્યો હતો.
ત્યારબાદ યુવતી સાથે બળાત્કાર કર્યો અને પછી ગુપ્તાંગના ભાગે તમાકુના છોડનું રાડીયું ઘુસાડીને ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ મૃતકનુ બાઈક લઈ ઘટનાસ્થળેથી આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે CCTV તપાસતા આરોપી પ્રકાશ યુગલને બાઈક પર બેસાડી જઇ રહ્યો હતો તે દેખાતા ગુનાનો સમગ્ર ભેદ ઉકેલાયો હતો.