
આણંદ, નડિયાદ - ચરોતરમાં અનેક પરીવારોમાં ગમગીની છવાઈ ગઈ છે. અમદાવાદ પ્લેન ક્રેશ થવાની ઘટનામાં મોડી સાંજ સુધી મળતી માહિતી મુજબ આણંદના ૩૩ અને ખેડા જિલ્લાના અંદાજે ૧૭ જેટલા વ્યક્તિ આ ફ્લાઈટમાં જવા નીકળ્યા હતા અને તેમના મૃત્યુ થયા હોવાની આશંકાઓ છે. હાલ તો આ તમામ મુસાફરોના પરીવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. જ્યાં સરકાર દ્વારા ડી.એન.એ.થી માંડી અને અન્ય કાર્યવાહીમાં ભાગ લઈ પોતાના સ્વજનોને શોધી રહ્યા છે.
આણંદ, નડિયાદ - ચરોતરમાં અનેક પરીવારોમાં ગમગીની
અમદાવાદમાં ગુરૂવારની બપોરે એક મોટી હોનારત સર્જાઈ હતી. અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જતી એક એર ઈન્ડિયાની ફ્લાઈટે ઉડાન ભરી અને પ્લેન ક્રેશ થઈ ગયું હતું. આ પ્લેનમાં ૨૪૨ મુસાફરો સવાર હતા અને તેમાં ખાસ તો ચરોતરમાં આણંદના ૩૩ અને ખેડા જિલ્લાના અંદાજે ૧૭ ઉપરાંત લોકો શામેલ હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. પેટલાદ તાલુકાના ફોગણી ગામનો નીખીલ પટેલ નામનો યુવક પણ પ્રથમ વખત સ્ટુડન્ટ વિઝા લઈને યુકે ભણવા માટે જતો હતો. તેનું પણ પ્લેન દુર્ઘટનામાં નિધન થવા પામ્યું હતું.
આણંદના હાલાણી પરિવારના ત્રણ સભ્યોનું પણ નિધન થયું હતું. હાલાણી પરિવારને યુકેમાં તેમના પરિવાર જનોને મળવા જવા માટે વિઝીટર વિઝા મળ્યા હતા. આ અગાઉ પણ આ પરિવાર વારંવાર યુકે પોતાના પરિવારજનોને મળવા જતા હોવાનું જાણવા મળેલ છે.વાસદમાં રહેતા પટેલ પરિવારના ત્રણ સભ્યોનું પણ મૃત્યુ થયું હતું, પરિવારના ત્રણેય સભ્યો પોતાની દીકરી યુકેમાં સ્ટુડન્ટ વિઝા ઉપર ભણતી હતી જેથી તેને મળવા માટે વિઝીટર વિઝા મેળવીને આજે મળવા જવા માટે ઘેરથી નીકળ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા મુસાફરોના પરિવારજનોની ભારે ભીડ એકઠી થઈ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા મુસાફરોના પરિવારજનોની ભારે ભીડ એકઠી થઈ હતી. ડીએનએ માટે તથા પાર્થિવ શરીરની ઓળખાણ સંદર્ભની કામગીરી સહિત તમામ વ્યવસ્થાઓ કરાઈ હતી. આણંદ જિલ્લા પ્રશાસને તો સત્તાવાર રીતે ૩૩ લોકોની યાદી જાહેર કરી છે, જે આ પ્લેનમાં સવાર હતા. પરંતુ, ખેડા જિલ્લા પ્રશાસન મોડી સાંજ સુધી ઘટનામાં જિલ્લાના કેટલા લોકો શામેલ હતા, તે અંગે પુષ્ટિ કરી શક્યું નથી. કઠલાલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને સમાજવાદી પાર્ટીમાં લાંબો સમય કઠલાલનું પ્રતિનિધિત્વ કર્યા બાદ ભાજપમાં જોડાયેલા પ્રશાંત પટેલ પણ આ પ્લેનમાં હોવાની માહિતી છે. આ તરફ નડિયાદ, ઠાસરા, મહેમદાવાદ, કઠલાલ સહિતના તાલુકાના વ્યક્તિઓ લંડન જવા નીકળ્યા હતા.
આણંદ જિલ્લાના ૩૩થી વધુ મુસાફરો પણ આ વિમાનમાં સવાર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આણંદ જિલ્લાના બોરસદ, ફાંગણી, ચિખોદરા, કરમસદ, સોજીત્રા, રામનગર, ખંભોળજ, ઉમરેઠ, કસુંબાડ, ગાના, તારાપુર અને આણંદ ના કુલ ૩૩ યાત્રિકો વિમાનમાં મુસાફરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં એક ડૉક્ટર, ૧૫ મહિલાઓનો સમાવેશ થાય છે.