
દાહોદમાં મનરેગા કૌભાંડમાં બંને મંત્રીપુત્રોને જામીન મળ્યા બાદ જેલમુક્ત થતાની સાથે જ પોલીસે મંત્રીપુત્ર કિરણ ખાબડની જેલ બહારથી ધરપકડ કરી લેતા દાહોદ જિલ્લામાં રાજકીય ક્ષેત્રે ચર્ચાનો વિષય બન્યો છે. દેવગઢબારીઆ તાલુકાના લવારીયા ગામે મનરેગાના 79 જેટલા કામોમાં 21 કામો કાગળ પર બતાવી મંત્રીપુત્રએ બિલ પાસ કરાવી કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. મનરેગા કૌભાંડ મામલે આ બીજી પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, ધરપકડ બાદ કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
લવારીયા ગામે મનરેગા કૌભાંડમાં કિરણની ભૂમિકા
દાહોદ જિલ્લામાં બહુચર્ચિત રૂ.71 કરોડના મનરેગા કૌભાંડમાં પોલીસે બી ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરી રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના બંનેપુત્ર બળવંત અને કિરણ ખાબડની ધરપકડ કરી હતી. પોલીસે તપાસ દરમિયાન બંનેના રિમાન્ડ મેળવ્યા બાદ કસ્ટડીમાં મોકલી દીધા હતા. ત્યારબાદ ગઈકાલે બંને આરોપીઓના દાહોદની ચીફ જ્યુડિશિયલ કોર્ટે 50,000ના બોન્ડ પર શરતી જામીન મંજૂર કરતા પોલીસે આ જામીન સામે સ્ટે આપવા માટે દાદ મેળવી હતી. આજે સુનાવણી બાદ કોર્ટે પોલીસની જામીન અરજી રદ કરવાનો સ્ટે ફગાવી બંને મંત્રી પુત્રોને જામીનમુક્ત કર્યા હતા.
79 કામોમાંથી 21 કામો કાગળ ઉપર પૂર્ણ બતાવી ગેરરીતિ આચરી
સાંજે સબ જેલ ખાતે બંને મંત્રીપુત્રો જેલમુક્ત થતા પોલીસે બળવંત ખાબડને જવા દીધો હતો. જ્યારે કિરણ ખાબડની ધરપકડ કરી લીધી છે. દેવગઢબારીઆના લવારીયા ગામે મનરેગાના કામોની તપાસ દરમિયાન 79 કામોમાંથી 21 કામો કાગળ ઉપર પૂર્ણ બતાવી ગેરરીતિ આચરી હોવાનું બહાર આવતા જે તે સમયે જિલ્લા વિકાસ અધિકારીના આદેશ બાદ ડીઆરડીએ નિયામકે તત્કાલીન કરાર આધારિત ટેકનિકલ આસિસ્ટન્ટ મનીષ પટેલ તેમજ ગ્રામ રોજગાર સેવક બારીયા કાંતિભાઈ ધનસુખભાઈને ફરજ મુક્ત કર્યા હતા. લવારીયા ગામે મનરેગાના 21 કામોમાં 18.41 લાખના કૌભાંડમાં જે તે સમયે ફરિયાદ નોંધાઇ ન હતી પરંતુ તે દિશામાં પોલીસ હવે આગળ વધી છે.
ટીડીઓ દર્શન પટેલે ફરિયાદ ના કરી અને હાલ જેલવાસ ભોગવે છે
ધાનપુરના લવારીયા ગામે મનરેગા કૌભાંડ સામે આવ્યા બાદ તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારીએ જે તે સમયે તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી દર્શન પટેલને કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ કરવા માટે અધિકૃત કર્યા હતા. પરંતુ તેઓએ પોલીસ ફરિયાદ નહોતી કરી અને હાલ તેઓની 71 કરોડના મનરેગા કૌભાંડમાં ધરપકડ કરતા અત્યારે જેલવાસો ભોગવી રહ્યા છે.
જામીન સામે સેશન્સ કોર્ટમાં અરજી : સોમવારે સુનાવણી
દાહોદની ચીફ જ્યુડિશિયલ કોર્ટે મનરેગા કૌભાંડમાં મંત્રીપુત્ર બળવંત અને કિરણ ખાબડને શરતી જામીન આપતા પોલીસે બંનેના જામીન ઉપર સ્ટે મેળવવા ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં દાદ મેળવી હતી. પરંતુ કોર્ટે પોલીસની અરજી ફગાવી જામીન યથાવત રાખતા પોલીસે તાત્કાલિક સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી વિથ સ્ટે માટેની અરજી કરતાં કોર્ટે આ અરજીને ગ્રાહ્ય રાખી હતી અને બંને મંત્રી પુત્રો વિરુદ્ધ નોટિસ ઈસ્યૂ કરી સોમવારે સુનાવણી હાથ ધરી છે.