
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ ડિફેન્ડિંગ ચેમ્પિયનના ઘરઆંગણે 2 વિકેટથી જીત મેળવી. ઈડન ગાર્ડન્સ ખાતે અંતિમ ઓવરમાં અંશુલ કંબોજની બાઉન્ડ્રી સાથે CSK એ સિઝનની પોતાની ત્રીજી જીતનો સ્વાદ ચાખ્યો. CSK એ KKR દ્વારા આપવામાં આવેલ 180 રનનો ટાર્ગેટ 2 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. ટીમ માટે ડેવાલ્ડ બ્રેવિસે 25 બોલમાં 52 રનની તોફાની ઈનિંગ રમી. જ્યારે, શિવમ દુબેએ 45 રનનું યોગદાન આપ્યું હતું. બોલિંગમાં, નૂર અહેમદની સ્પિનનો જાદુ ચાલ્યો હતો. તેણે 4 વિકેટ લીધી. આ હાર સાથે, KKR માટે પ્લેઓફમાં પહોંચવાનો રસ્તો વધુ મુશ્કેલ બની ગયો છે.
ચેન્નઈની ખરાબ શરૂઆત
180 રનના ટાર્ગેટને ચેઝ કરતી વખતે CSKની શરૂઆત સારી નહતી રહી. આયુષ મ્હાત્રેને વૈભવ અરોરાએ ખાતું ખોલાવ્યા વિના પવેલિયન મોકલી દીધો હતો. તે જ સમયે, ડેવોન કોનવેને મોઈન અલીએ શૂન્ય પર ક્લીન બોલ્ડ કર્યો હતો. આ પછી, IPLમાં ડેબ્યુ કરી રહેલો ઉર્વિલ પટેલ ક્રીઝ પર આવ્યો. આવતાની સાથે જ ઉર્વિલે વિસ્ફોટક શૈલીમાં બેટિંગ કરી અને માત્ર 11 બોલમાં 31 રન બનાવ્યા. ઉર્વિલ હર્ષિત રાણાનો શિકાર બન્યો. જાડેજા 10 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો હતો.
બ્રેવિસે રમી તોફાની ઈનિંગ
60 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવ્યા બાદ મુશ્કેલીમાં મુકાયેલી ચેન્નાઈની ઈનિંગને ડેવાલ્ડ બ્રેવિસે પોતાની તોફાની બેટિંગથી સંભાળી હતી. બ્રેવિસે વૈભવ અરોરાની એક ઓવરમાં 30 રન બનાવ્યા, જેમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થયો. તેણે માત્ર 22 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. બ્રેવિસ 25 બોલમાં 52 રન બનાવીને આઉટ થયો હતો. બ્રેવિસ અને શિવમ દુબેએ છઠ્ઠી વિકેટ માટે 67 રન જોડ્યા હતા. બ્રેવિસ પવેલિયન પરત ફર્યા બાદ, શિવમ દુબે એક છેડે ઉભો રહ્યો અને 40 બોલમાં 45 રન બનાવ્યા હતા. અંતિમ ઓવરમાં, એમએસ ધોનીએ છગ્ગો અને અંશુલ કંબોજે ચોગ્ગો ફટકારીને CSKની જીત પર મહોર લગાવી.
રહાણે-રસેલએ શાનદાર ઇનિંગ રમી
ઈડન ગાર્ડન્સ મેદાન પર ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ KKRની શરૂઆત સારી નહતી થઈ. ગુરબાઝ માત્ર 11 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી સુનીલ નરેન અને કેપ્ટન અજિંક્ય રહાણેએ અડધી સદીની પાર્ટનરશિપ કરી. નરેને 17 બોલમાં 26 રન બનાવ્યા હતા. જ્યારે રહાણેએ વિસ્ફોટક શૈલીમાં બેટિંગ કરી અને 33 બોલમાં 48 રન બનાવ્યા હતા. રહાણેએ પોતાની ઈનિંગ દરમિયાન 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. રઘુવંશી બેટથી કંઈ ખાસ ન કરી શક્યો અને માત્ર એક રન બનાવીને આઉટ થયા.
છેલ્લી ઓવરોમાં મનીષ પાંડે અને આન્દ્રે રસેલે બેટિંગની જવાબદારી સંભાળી. રસેલે 21 બોલમાં 38 રન બનાવ્યા. રસેલે પોતાની ઈનિંગ દરમિયાન 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. જ્યારે મનીષે 28 બોલમાં 36 રન બનાવ્યા, જેના કારણે કોલકાતાની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવ્યા બાદ સ્કોર બોર્ડ પર 179 રન બનાવવામાં સફળ રહી હતી.
કોલકાતા માટે મુશ્કેલ થઈ પ્લેઓફની રેસ
આ હાર સાથે KKRની ટીમ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર જ થઈ ગઈ છે. હવે કોઈ ચમત્કાર જ ટીમને પ્લેઓફમાં પહોંચાડી શકે છે. KKR એ આ સિઝનમાં 12 મેચ રમી લીધી છે. જેમાંથી તેને 5માં જીત મળી છે અને 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેમજ એક મેચ અનિર્ણિત રહી છે. આમ, ટીમ 11 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલ પર છે. હવે જો તે બાકીની બંને મેચ પણ જીતે છે, તો તેના બ્ધુમાં વધુ 15 પોઈન્ટ થશે. જે પ્લેઓફમાં પહોંચવા માટે પૂરતા નથી.