
તમે જો લક્ષાધિપતિ હો અને તમે એવું કશુંક વસાવવા માગો છો જે તમારા મોભાને અનુરૂપ હોય. શું હોઈ શકે તે? કાં તો વાન ઘોઘનાં અમૂલ્ય પેઇન્ટિંગ્સ અથવા તો 'કોઈ' નામની માછલી. યાદ રહે, આ માછલી તમારા હીરાજડિત માછલીઘરની શોભા વધારવા માટે છે; તળીને, મરી-મસાલા છાંટીને ખાવા માટે નહીં. ક્વીન ઍલિઝાબેથ, બિલ ગેટ્સ, મેડોના અને માઇકલ જેક્સન જેવા સુપર સેલિબ્રિટીઓ જેને સ્ટેટ્સ સિમ્બોલ ગણે એવી આ કોઈ માછલી અજબગજબની માયા છે. સાંભળો : એક કોઈ માછલીની કિંમત ૧ લાખ પાઉન્ડથી લઇને ૭ લાખ ૫૦ હજાર પાઉન્ડ એટલે કે ૧ કરોડ રૂપિયાથી લઇને ૭.૫ કરોડ રૂપિયા) જેટલી હોઈ શકે છે! બ્રિટન અને જપાન જેવા દેશોમાં કોઈ માછલીની 'સૌંદર્યસ્પર્ધાઓ' યોજાય છે. તેમને માર્ક્સ આપતી વખતે અને કિંમત નક્કી કરતી વખતે તેની ત્વચાની ગુણવત્તા, કદ, આકાર, રંગ અને ચહેરાનો નાકનકશો ધ્યાનમાં લેવામાં આવે છે. તે પાણીમાં કેટલી ખૂબસૂરતીથી તરે છે, તે કેવીક નખરાળી છે અને તેની પર્સનાલિટી કેવીક મોહક છે તે પણ જાવામાં આવે. પુખ્ત કોઈ માછલી સામાન્યપણે ૯૦ સેન્ટીમીટર લાંબી હોય. 'કોઈ' શબ્દ 'નિશીકીગોઇ'નું ટૂંકું રૂપ છે. નિશીકીગોઇ એટલે મીઠા પાણીમાં થતી સુશોભિત માછલી. કોઈ મુખ્યત્વે કેસ્પિયન અને કાળા સમુદ્રમાં થાય છે. આમ તો માદા કોઈ માછલી અક સાથે અકથી પાંચ લાખ ઇંડાં મૂકે છે, પણ તેમાંથી દસથી બાર બચ્ચાં જ સ્પર્ધાલાયક કે સંગ્રહવાલાયક સાબિત થાય છે. કોઈ માછલીનાં માબાપ કોણ છે તે જાણવું ખૂબ જરૂરી હોય છે. ખાનદાન ઊંચું તો કિંમત પણ ઊંચી.
શિક્ષકોએ કલાસમાં કૂતરો રાખવાની અનુમતી માંગી
વર્ષો પહેલાં ખુદાબક્ષ ઉતારુઓને ડરાવવા માટે આપણા રેલવેવાળાઓએ કૂતરાની મદદ લેવાની યોજના અમલમાં મૂક્યા બાદ તરત પાછી ખેંચી લીધી હતી. પરંતુ બ્રિટનમાં પ્રોફેશનલ એસોસિયેશન ઑફ ટીચર્સની એક કોન્ફરન્સમાં વેન્ડી ડાયબલ નામની શિક્ષિકાએ પ્રાથમિક શાળામાં ભણાવતા શિક્ષકોને ક્લાસમાં પોતાની સાથે કૂતરો રાખવાની છૂટ આપવા બાબતે માગણી ઉઠાવી અને આ શિક્ષિકાની દલીલો સાંભળીને બધા જ શિક્ષકોએ આ માગણીને મજબૂત ટેકો આપ્યો છે. વેન્ડી ડાયબલે કૂતરો સાથે રાખવા માટે જે કારણો આપ્યાં તે જાણવા જેવાં છે. પહેલું કારણ એ કે વિદ્યાર્થીઓને કલાસની બહાર લઈ જવામાં આવે ત્યારે તેઓ આડાઅવળા ન ભટકે અને લાઇનમાં ચાલે તે જોવાનું કામ કડક મિજાજનો કૂતરો સારી રીતે કરી શકે છે. બીજું કારણ, છોકરાંવ ક્લાસમાં દૂધ ઢોળી નાખે તો કૂતરો દૂધ પીને ક્લાસમાં સ્વચ્છતા જાળવી શકે છે. કારણ નંબર ત્રણ : ભણાવી રહેલા શિક્ષક બોર્ડ સામે કે પુસ્તકમાં જુએ ત્યારે તેમનું ધ્યાન વિદ્યાર્થીઓ તરફ નથી હોતું. આવી પળોમાં શ્વાનની તેજ નજર વિદ્યાર્થીઓ તરફ મંડાયેલી હોવાને કારણે ક્લાસમાં શિસ્ત જળવાઈ રહે છે. ચોથું કારણ એ કે ગંદા વિદ્યાર્થીના શરીરમાંથી દુર્ગંધ આવતી હોય છે ત્યારે શિક્ષક માટે પ્રત્યેક વિદ્યાર્થીને સૂંઘીને ગંદા વિદ્યાર્થીને પકડી પાડવાનું કામ અત્યંત કષ્ટદાયક સાબિત થાય છે. આ પરિસ્થિતિમાં કૂતરો એક સરળ સાધન સાબિત થઈ શકે છે. પાંચમું કારણ : કોઈ બાળકનાં જૂતાં કે બાર્બી ડોલ જેવી વસ્તુ ખોવાઈ જાય ત્યારે શક્ય છે કે પોલીસના સ્નિફર ડોગની માફક ક્લાસનો કૂતરો પણ ખોવાયેલી વસ્તુ શોધવામાં ઉપયોગી નીવડી શકે. છઠ્ઠું અને અત્યંત મજબૂત કારણ એ કે આપસમાં મારામારી કરનાર વિદ્યાર્થીઓને ભસીને ડાહ્યાડમરા કરવાનું કામ શ્વાન સારી રીતે કરી શકે છે.
પ્રપોઝ કરવાનો અનોખો તરીકો!
આઇસલેન્ડમાં હોકુર મેગ્નસન નામનો એક યુવાન ઍડ ઍજન્સીમાં કામ કરે છે. તેણે એક લોકપ્રિય કાર્યક્રમના 'છોટે સે બ્રેક' દરમિયાન પોતાની એક જાહેરાત પ્રસારિત કરાવી. એ ઍડમાં ભાઈશ્રી હોકુર નમ્ર સ્વરમાં એટલું જ બોલ્યા કે 'સોફિયા, મારી સાથે લગ્ન કરીશ?' હોકુરનાં નસીબ એટલાં સારાં કે ટીવી પર તેની ઍડ આવી ત્યારે
સોફિયા ટીવી જ જોઈ રહી હતી. હોકુર કહે છે, ''બીજો કોઈ છોકરો સોફિયા સમક્ષ દરખાસ્ત મૂકે તે પહેલાં મારે કોઈ પણ સંજાગોમાં દરખાસ્ત મૂકવી જ પડે તેમ હતી. ખેર! મેં ઍડ આપી. અને સાંજે હું તેને મળ્યો ત્યારે... છોકરીએ હા પાડી દીધી.'' એ ઍડ વિશે સોફિયા સહેજ શરમાઈને કહે છે, ''આટલી સારી પ્રપોઝલ હું કઈ રીતે ઠુકરાવી શકું?''
ભિખ માંગવાની પણ આચારસંહિતા
ઍડિનબર્ગ, ઇંગ્લેન્ડના ભિખારીઓના સમુહે પોતાના માટે દસ મુદ્દાની આચારસંહિતા ઘડી કાઢી છે. રાઇટ ટુ બેગ કમિટીએ તેના સભ્યોને જણાવ્યું છે કે ભીખ માગતી વેળાએ ખોટું ન બોલવું અને સોગંદ ન ખાવા. નમ્રતાથી ભીખ માગવી અને કોઈ ભિક્ષા ન આપે તો તેની પાછળ ટટળ્યા કરવું નહીં. ભીખ માગતી વેળાએ રસ્તે ચાલ્યા જતા લોકોને સતાવવા નહીં. ભીખ માગવાની જગ્યાની આસપાસનો કચરો સાફ કરી નાખવો. હિંસાનો કે ધાકધમકીનો આશરો લેવો નહીં. કમિટીએ ભિખારીઓને અપીલ કરી છે કે દુર્વ્યવહાર કરીને ભિક્ષાવૃત્તિના વ્યવસાયની આબરૂ ગુમાવવી નહીં. ઍડિનબર્ગ નગરની કાઉન્સિલ ત્રાસદાયક ભિખારીઓ સામે સખત કાયદો ઘડવાની તૈયારીમાં હતી તેના આગલા દિવસે રાઇટ ટુ બેગ કમિટીએ કાઉન્સિલને નવી આચારસંહિતાની યાદી સુપરત કરી હતી.
પ્રાચીન ઇજિપ્તની પ્રથાઓની અનન્ય ચાહકની આખરી ઇચ્છા
ઇંગ્લેન્ડની હેમિલ્ટન કાઉન્ટીમાં એક અજીબોગરીબ ઘટના બની. અહીંના એક એપાર્ટમેન્ટના અવાવરું ઘરમાંથી અક વૃદ્ધાનું 'મમી' (મસાલા ભરીને સાચવી રાખેલી લાશ) મળી આવ્યું. આ જ ઍપાર્ટમેન્ટમાં આ વૃદ્ધાનાં સગાંસંબંધીઓ વસતાં હતાં. પણ છેલ્લાં અઢી વરસથી ઘરમાં પડી રહેલા આ મમી વિશે તેમને અણસાર પણ નહોતો. અ તો પેલા વૃદ્ધાના ઘરનું અસી બંધ પડી જતાં કોહવાઈ ગયેલી લાશ માથું ફાટી જાય અવી દુર્ગંધ મારવા લાગી, જેના કારણે સ્થાનિક રહીશોએ પોલીસફરિયાદ કરી. પોલીસે તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી આ શંકાસ્પદ ઘરનો દરવાજા ખોલ્યો ને તેમને અક રૂમની ખુરશીમાં આ વૃદ્ધાનું મમી મળી આવ્યું. વૃદ્ધાનાં સગાંવહાલાં ચોકી ઊઠયાં : છેલ્લાં અઢી વરસથી આ મમી અહીં પડી રહ્યાં છે અને આપણને જાણ સુદ્ધાં નથી! પોલીસને શંકા ગઈ કે આ મહિલાનું રહસ્યમય સંજાગોમાં ખૂન કરી દેવામાં આવ્યું હશે. છેલ્લા દિવસોમાં આ વૃદ્ધાની ચાકરી આધેડવયની એક મહિલા કરતી હતી, એ તો નેક અને ભલી બાઈ હતી, એમ મોટા ભાગનાં સગાંસંબંધીએ જણાવ્યું. તો આ મમી પાછળનું રહસ્ય શું? પોલીસને ઇન્વેસ્ટિગેશન બાદ જાણ થઈ કે, વૃદ્ધા પ્રાચીન ઇજિપ્તની પ્રથાઓની અનન્ય ચાહક હતી. એમની આખરી ખ્વાહિશ એક જ હતી કે મૃત્યુ બાદ એમના પાર્થિવ શરીરને મસાલા ભરી, કાપડમાં વીંટી એક ખુરશી પર મૂકી રાખવામાં આવે, મમીની જેમ. આથી ચાકરી કરતી બાઇએ વૃદ્ધાની આખરી ઇચ્છા પૂરી કરવા તેમના મૃતદેહને કાપડમાં જેમતેમ લપેટી તેનું મમી બનાવી દીધું અને પોતે છૂ થઈ ગઈ.