
મહારાષ્ટ્રનું રાજકારણ સતત ચર્ચામાં છે. એકબીજાથી નારાજ પિતરાઈ બંધુઓ રાજ અને ઉદ્ધવ ઠાકરેએ ગઈકાલે ગુરૂવારે મહારાષ્ટ્ર સરકાર પર રોષ ઠાલવતા પ્રાથમિક શાળામાં ત્રીજી ભાષા તરીકે હિન્દીને ફરિજ્યાત બનાવવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. શિવસેના (યુબીટી) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ આ મામલે છ અને સાત જુલાઈના રોજ અલગ-અલગ વિરોધ કરવાની તૈયારી પણ દર્શાવી છે. તેમની આ ગતિવિધિથી લગભગ બે દાયકા બાદ બંને પક્ષો એકજૂટ થવાની સંભાવનાઓ તીવ્ર બની છે.
શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, મહાયુતિ સરકારનો નિર્ણય રાજ્યમાં 'લેંગ્વેજ ઈમરજન્સી' લાદી રહ્યો છે. પક્ષ હિન્દી ભાષાની વિરૂદ્ધમાં નથી. મહાયુતિ સરકાર જબરદસ્તી હિન્દી ભાષા લોકો પર થોપી મહારાષ્ટ્રમાં મરાઠી અને હિન્દી બોલતા લોકો વચ્ચે ઝેર ઘોળવા માગે છે.
મહાયુતિ સરકારે હિન્દી ભાષાને ફરિજ્યાત બનાવી
ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિ સરકારે મહારાષ્ટ્રમાં મરાઠી અને અંગ્રેજી શાળાઓમાં ધોરણ એકથી પાંચમાં ત્રીજી ભાષા તરીકે હિન્દી સામેલ કરવા આદેશ આપ્યો છે. જેનો ઠાકરે બંધુઓએ અલગ-અલગ પ્રેસ કોન્ફરન્સ યોજી વિરોધ કર્યો છે.
શિવસેના 7 જુલાઈએ કરશે વિરોધ
શિવસેના (યુબીટી) હિન્દી ભાષા મામલે સરકારના નિર્ણયનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. જેના ભાગરૂપે સાત જુલાઈના રોજ આઝાદ મેદાનમાં રેલી યોજી દેખાવો કરશે. જ્યાં સુધી સરકાર પોતાની ત્રિ-ભાષા ફોર્મ્યુલાને પાછી નહીં ખેંચે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાનું જણાવ્યું છે.
રાજ ઠાકરેનો પક્ષ પણ કરશે વિરોધ
મનસેના રાજઠાકરેએ પણ હિન્દી ભાષાના અમલીકરણના નિર્ણયનો વિરોધ કરતાં છ જુલાઈના રોજ ગીરગામ ચૌપાટીથી આઝાદ મેદાન સુધી રેલી યોજી દેખાવો કરવાનો નિર્ણય લીધો છે. તેમણે આ વિરોધ રેલીમાં રાજકીય પક્ષો, લેખકો, તત્વચિંતકો, અને તમામ પ્રજાને જોડાવવા અપીલ કરી છે.
રાજઠાકરેએ જણાવ્યું કે, સરકાર મહારાષ્ટ્રમાં મરાઠીનું પ્રભુત્ત્વ ઘટાડવાનું ષડયંત્ર રચી રહી છે. અમે સરકારને જણાવીશું કે, મહારાષ્ટ્ર શું ઈચ્છે છે. મહારાષ્ટ્ર તેની સંપૂર્ણ તાકાત સાથે આ નિર્ણયનો વિરોધ કરશે. તેના માટે અમે શિવસેના (યુબીટી)ના નેતાઓ સહિત અન્ય રાજકીય પક્ષોને પણ જોડાવવા અપીલ કરીશું.