
Bhavnagar news: ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામના અગ્નિવીર જવાન જયદીપ ડાભી જમ્મુ-કાશ્મીર ખાતે ફરજ દરમિયાન વીરગતિ પામ્યા હતા. દેશની સરહદ પર એરડિફેન્સ રેજિમેન્ટમાં ફરજ બજાવતા જયદીપ ડાભીના શહીદ થવાના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને સમગ્ર મોટા ખોખરા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું
હતું.
જમ્મુથી હવાઈ માર્ગે અમદાવાદ અને ત્યારબાદ રોડ માર્ગે શહીદ જવાનનો પાર્થિવદેહ ગઈકાલે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. ભારતીય સેનાના વાહનમાં સંપૂર્ણ સન્માન સાથે તેમના પાર્થિવ દેહને મોટા ખોખરા ખાતે લઈ જવામાં આવ્યો હતો. શહીદ જવાનની અંતિમ યાત્રામાં સમગ્ર મોટા ખોખરા ગામના લોકો ઉમટી પડ્યા હતા. સેનાના રાષ્ટ્રીય સન્માન અને ગાર્ડ ઓફ ઓનર સાથે વીરગતિ પામેલા જવાન જયદીપ ડાભીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ દુઃખદ પ્રસંગે રાજ્ય મંત્રી પુરુષોત્તમ સોલંકીના પ્રતિનિધિ દિવ્યેશ સોલંકી સહિતના રાજકીય આગેવાનો, જિલ્લા કલેક્ટર મનીષ બંસલ સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહી શહીદ જયદીપ ડાભીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.