Home / : The army is and will remain, whether the leaders remain or not.

'જવાનો છે અને રહેવાના', નેતાઓ તો આજે સત્તા પર છે કાલે ન પણ હોય

'જવાનો છે અને રહેવાના', નેતાઓ તો આજે સત્તા પર છે કાલે ન પણ હોય

ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભારતીય લશ્કર ખરા અર્થમાં કોસ્મોપોલિટન-સેક્યુલર અને વિશ્વના કોઇ પણ દેશના લશ્કર કરતાં વધુ શિસ્તબદ્ધ છે. દેશના દરેક રાજ્યના અને દરેક ધર્મ-જાતિના યુવાનો લશ્કરમાં છે. આપણું લશ્કર ખરેખર સમપત છે. આપણા જવાનો ક્યારેય સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકતા નથી. દરિયાની સપાટીથી હજારો ફૂટ ઊંચે બારેમાસ આંખોને આંજી નાખતા હિમાચ્છાદિત વિસ્તારોમાં ચૂપચાપ પોતાની ફરજ બજાવે છે. પરિવારથી દૂર, ટાંચાં સાધનો અને જીવન જરૂરિયાતની મર્યાદિત સગવડો વચ્ચે મૂગે મોઢે ફરજ બજાવે છે. સીમાડા સાચવવા ઉપરાંત કુદરતી આપત્તિ ટાણે આપણને તદ્દન નિઃસ્વાર્થ ભાવે સહાય કરે છે, પરંતુ આપણને કદી એમનો વિચાર આવતો નથી. એમાંય આપણા ટીનેજર્સ કદી આ લોકોને પોતાનો આદર્શ (હીરો) ગણતા નથી. ગણે છે? અફસોસ સાથે જવાબ નામાં આપવો પડે.

હાલ પાકિસ્તાન સાથે સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યારે એક મહિલા લશ્કરી અધિકારી મેજર અનિતા રાઠોડે સોશિયલ મીડિયા પર વ્યથિત હૈયે એક સંદેશો મૂક્યો છે. એનો સાર ખરેખર વિચારપ્રેરક છે. આજના ટીનેજર્સ અમુક તમુક ફિલ્મ સ્ટાર્સને કે ક્રિકેટરને ભગવાન સમજે છે. આ ફિલ્મ સ્ટાર્સ કે ક્રિકેટર્સ ખરેખર ભગવાન તરીકે પૂજાવા લાયક છે ખરા? ઊલટું કેટલાક ફિલ્મસ્ટાર્સ, ખાસ કરીને ખાન અટકધારી કલાકારો અવારનવાર તદ્દન ખોટાં વિધાનો કરે છે કે અમે અહીં અસલામતી અનુભવીએ છીએ. ક્રિકેટ તો વરસો પહેલાંજ જેન્ટલમેન ગેમ મટી ગયેલી. નરી સટ્ટાખોરી પર આ વિદેશી રમત રમાય છે. હાર-જીત સદાય શંકાસ્પદ હોય છે. આજે આ એક્ટર્સ-ક્રિકેટર્સ કેમ હોઠ સીવીને બેઠા છે? પાકિસ્તાનના આતંકવાદ વિરુદ્ધ કેમ કંઇ બોલતા નથી?

આ ફિલ્મ સ્ટાર્સ અને ક્રિકેટર્સને ભગવાન સમજતા ટીનેજર્સને મેજર અનિતા રાઠોડે એક બે સાદા સવાલ પૂછયા છે. એમાંનો એક સવાલ છે- આજના કેટલા ટીનેજર્સે કેપ્ટન સૌરભ કાલિયાનું નામ સાંભળ્યું છે? સીમાડા સાચવતા આ લશ્કરી અધિકારી યુદ્ધકેદી તરીકે પકડાયા ત્યારે પાકિસ્તાની લશ્કરે એમના પર જે રાક્ષસી અત્યાચારો કરેલા એ વિશે આજના ટીનેજર્સ શું જાણે છે? એમના હાથપગના જીવતા નખ ઊખાડી લેવામાં આવેલા. એમનો મૃતદેહ મળ્યો ત્યારે તપાસ કરતાં જાણવા મળેલું કે એમની આંખો ખેંચી કાઢવામાં આવેલી. આવા તો ઘણા દાખલા છે. સીમાડા સાચવતા જવાનો આપણા સાચા હીરો છે. આ હકીકત ટીનેજર્સને સમજાવવાની જરૂર છે. 

થોડા સમય પહેલાં અન્ય એક લશ્કરી અધિકારીએ પોતાનો જુદી જાતનો અનુભવ વર્ણવેલો. આ અધિકારી કોઇ કામસર પાટનગર નવી દિલ્હીમાં એક સનદી અધિકારીને મળવા ગયેલા. કર્નલ લેફ્ટનન્ટ જેવી રેન્ક ધરાવતા આ અધિકારીને પેલા તુમાખીદાર સનદી અધિકારીએ ખાસ્સા લાંબા સમય સુધી બહાર વેઇટીંગ રૂમમાં બેસાડી રાખેલા. પોતે એકદમ બિઝી હોય એવો એમનો દાખડો હતો. એ પછી લશ્કરી અધિકારીને મળવા બોલાવ્યા ત્યારે તોછડાઇથી એમની સાથે વાત કરી. સનદી અમલદારો લશ્કરી અધિકારીઓને પોતાના કરતાં નીચલી પાયરીના સમજે છે.

તદ્દન તાજા સમાચાર યાદ કરીએ તો મધ્ય પ્રદેશના એક પ્રધાને કર્નલ સોફિયા કુરૈશી વિશે અને સમાજવાદી પક્ષના રામગોપાલ યાદવ વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ વિશે જે અભદ્ર ભાષા વાપરી એવું કોઇ આરબ દેશમાં કે ચીનમાં કર્યું હોય તો બંનેને ઠાર કરી નાખ્યા હોય. 

બે કોડીના પોલિટિશિયનો પોતાને સમજે છે શું? સારું થયું કે સુપ્રીમ કોર્ટે આ કહેવાતા નેતાઓ સામેની કાર્યવાહી સામે સ્ટે આપવાનો ઇનકાર કર્યો. આ લોકોને એમની ઔકાત દેખાડી દેવાનો આ સમય છે. કોઇ પણ દેશનેતા કરતાં સીમાડા સાચવતા સૈનિકો વધુ આદરપાત્ર છે અને હોવા જોઇએ. નેતાઓ તો આજે સત્તા પર છે અને કાલે ન પણ હોય. જવાનો છે અને રહેવાના.

Related News

Icon