
દાહોદના ગ્રામ્ય વિસ્તારમાં રાન પશુનો સતત ભય વધતો જોવા મળી રહ્યો છે, ત્યારે ગરબાડાના છરછોડા ગામે ઘરબહાર સૂઈ રહેલા વૃદ્ધા પર દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ વૃદ્ધા અને પરિવારજનોએ બુમાબુમ કરતા દીપડો ત્યાંથી ભાગી છૂટયો હતો. જો કે, દીપડાના હુમલા અને બુમાબુમથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી વિગતો અનુસાર, દાહોદ જિલ્લામાં આવેલા ગરબાડા નગરમાં રાત્રિના સુમારે અચાનક દીપડો ઘુસી આવ્યો હતો. જે બાદ દીપડાએ ઘરબહાર ઘસઘસાટ નિંદ્રા માણી રહેલી વૃદ્ધા પર જીવલેણ હુમલો કર્યો હતો. અચાનક દીપડાના હુમલા બાદ વૃદ્ધા ગભરાઈ ગઈ હતી. જે બાદ વૃદ્ધા અને ઘરના અન્ય સભ્યો જાગી જતા બુમબુમ શરૂ કર્યું હતું. જેથી દીપડો ત્યાંથી નાસી છૂટયો હતો. આટલા અવાજ બાદ આસપાસના લોકો જાગી જઈને દોડી આવ્યા હતા. જે બાદ વૃદ્ધાને ગંભીર હાલતમાં તાબડતોબ હોસ્પિટલ ખસેડયા હતા. જયાં વૃદ્ધાની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. દીપડાનો વૃદ્ધ મહિલા પર હુમલાને લઈ ગરબાડા અને આસપાસના પંથકમાં ફફડાટનો માહોલ વ્યાપ્યો છે.