Home / Lifestyle / Beauty : make a scrub at home that keeps your skin glowing monsoon

Sahiyar : ચોમાસામાં ત્વચાને ચમકીલી રાખે તેવા સ્ક્રબ ઘરમાં જ બનાવી શકો 

Sahiyar : ચોમાસામાં ત્વચાને ચમકીલી રાખે તેવા સ્ક્રબ ઘરમાં જ બનાવી શકો 

ચોમાસાના આગમન સાથે દઝાડી દેતી ગરમીમાંથી ચોક્કસ રાહત મળી છે. પરંતુ દરેક મોસમને સારાં-નરસાં બંને પાસાં હોય છે. મેઘરાજા મહેરબાન થાય અને મોસમ મસ્ત મસ્ત બની જાય ત્યારે આપણી ત્વચા પર તેની માઠી અસર પડે છે. આ સીઝનમાં ચામડી તરડાઈ જવી કે એલર્જી થવી જેવી બાબતો સામાન્ય છે. આવી સ્થિતિમાં ત્વચાને નરમ-મુલાયમ અને સ્વચ્છ રાખવા સ્ક્રબનો પ્રયોગ મહત્ત્વનો બની જાય છે. ત્વચા નિષ્ણાતો કહે છે કે સ્ક્રબિંગ માત્ર તમારા ચહેરા માટે જ નહીં, પણ સમગ્ર શરીર માટે જરૂરી બની રહે છે. સ્ક્રબિંગ કરવાથી ત્વચા પરના મૃત કોષો દૂર થાય છે, રક્ત પ્રવાહ ઝડપી બને છે, ત્વચા તાજી અને કાંતિવાન લાગે છે. અલબત્ત, આનો અર્થ એવો નથી કે તમે રોજેરોજ સ્ક્રબ કર્યા કરો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અઠવાડિયામાં બે વખત બેથી ત્રણ મિનિટ માટે હળવા હાથે સ્ક્રબિંબ કરવું પૂરતું છે. જો વારંવાર કે વધારે મિનિટ સુધી સ્ક્રબ કરતા રહેશો તો ત્વચા છોલાઈ જશે અથવા રાતી થઈ જશે. આ ઉપરાંત કોઈપણ સ્ક્રબનો ઉપયોગ કરવાથી પહેલા તેનો હાથના અંદરના ભાગમાં પ્રયોગ કરી જુઓ જેથી તેનાથી એલર્જી થાય છે કે નહીં તેનો ખ્યાલ આવી જાય. જો એલર્જી ન થાય તો જ ચહેરા પર તેનો ઉપયોગ કરો. આ સિવાય સ્ક્રબિંગ કર્યા પછી ત્વચા પર મોઈશ્ચરાઈઝર લગાવવાનું ન ભૂલો. ત્વચા નિષ્ણાતો કહે છે કે તમે ઘણી જાતના સ્ક્રબ ઘરમાં જ બનાવી શકો છો જેમ કે...

પપૈયાનું સ્ક્રબ : થોડું પપૈયું લઈને તેને સારી રીતે છુંદી નાખો. તેમાં ચારથી પાંચ ટીસ્પૂન બ્રાઉન સુગર અને ઓટનો લોટ ભેળવો. હવે તેને સારી રીતે મિક્સ કરો. જો આ મિશ્રણ વધારે પડતું ઘટ્ટ લાગે તો તેમાં એકથી બે ટીસ્પૂન દૂધ નાખીને ફરીથી મિક્સ કરો. આ સ્ક્રબ ચહેરા તેમ જ સમગ્ર શરીર પર લગાવી શકાય છે. ચોમાસાની ઋતુમાં મૃત ત્વચાને હળવેથી દૂર કરવામાં આ સ્ક્રબ ઉત્તમ ગણાય છે.

સ્ટ્રોબેરી સ્ક્રબ : ચારથી પાંચ સ્ટ્રોબેરીને છુંદીને તેમાં ચારથી પાંચ ટીસ્પૂન લીંબુનો રસ ભેળવો. હવે તેમાં એક ટીસ્પૂન ઓટમીલ નાખીને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણ વડે ચહેરા પર હળવે હાથે એકાદ-બે મિનિટ મસાજ કરો. છેલ્લે હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો.

ગ્રીન ટી સ્ક્રબ : બે ટેબલસ્પૂન ગ્રીન ટી લઈને તેને મિક્સરમાં એકદમ ઝીણી દળી નાખો. તેમાં એક ટીસ્પૂન દહીં નાખી મિક્સ કરો. આ મિશ્રણમાં તમને ગમતી ફ્લેવરના એસેન્શિયલ ઓઈલના એકથી બે ટીપાં ભેળવો. હવે આ સ્ક્રબ તમારા ચહેરા અને ગરદન પર લગાવીને એક મિનિટ માટે મસાજ કરીને છોડી દો. ૧૦ મિનિટ પછી ચહેરો ધોઈ લો.

લેમન સ્ક્રબ : લીંબુના રસમાં મધ અને થોડી સાકર નાખી મિક્સ કરો. આ સ્ક્રબ તમારા શરીર પર હળવે હાથે ઘસો. તેનાથી  તમારી ચામડી પર જામેલો મેલ દૂર થઈ જશે. એટલું જ નહીં, જો ઉનાળા દરમિયાન તમારી ત્વચા દાઝી ગઈ હશે તો તેનો રંગ ફરીથી ખીલી ઉઠશે.

ઓટમીલ સ્ક્રબ : અડધા કપ ઓટના લોટમાં અડધો કપ દહીં નાખો. તેમાં થોડાં ટીપાં વિટામીન 'ઈ'નું તેલ ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરીને હળવે હાથે સમગ્ર શરીર પર મસાજ કરો. આ સ્ક્રબથી ત્વચા પરના મૃત કોષો તેમ જ મેલ દૂર થવાથી ચામડી ચમકી ઉઠશે.

Related News

Icon