
- નિષ્ણાત વેડિંગ પ્લાનરને બદલે ઘરની જ અનુભવી વ્યક્તિને તમામ જવાબદારી સોંપો
મહેતા પરિવારમાં વર્ષો બાદ લગ્નનો અવસર આવ્યો હતો. શુભાંગી મહેતાનો હરખ સમાતો નહોતો. તેની એકની એક પુત્રી સોનાલીના લગ્ન હતા. શ્રીમંત પરિવારમાં લગ્ન હોવાથી પુત્રીની ખુશી સાથે પરિવારનો મોભો જળવાઇ રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું હતું. એક દિવસ શુભાંગીએ લગ્નવિધિ સમયે સોનાલીને પહેરવા માટે રૂ. ૫૦ હજારની કિંમતની સાડી ખરીદી અને હરખાઇને પતિને જણાવ્યું હતું. તેના પતિ મિલન મહેતા તો આ વાત સાંભળીને આશ્ચર્યચક્તિ થઇ ગયા હતા. માત્ર બે કલાક માટે પહેરવાની સાડીની કિંમત ૫૦ હજાર રૂપિયા! તને નથી લાગતું કે આ રકમ વધારે છે?
એટલે તમે એમ કહેવા માગો છો કે મહેમાનો કરતાં નવવધૂએ સારા ન દેખાવું જોઇએ? શુભાંગીએ પતિ સામે દલીલ કરતાં રોષપૂર્વક કહ્યું હતું.
જોકે, દિકરીના લગ્નના ખર્ચ બાબતે મહેતા પરિવારમાં આ પ્રકારની બોલાચાલી કંઇ પહેલી વખત થઇ નહોતી. આ દિવસ તેમની લાડકવાયી દીકરીના જીવનનો મહત્ત્વનો દિવસ હોવાથી તેની બધી ઇચ્છા પૂરી થાય તથા કંઇ ચૂકી ન જવાય તેની ખાસ તકેદારી રાખવાની હતી. પરંતુ જેમ જેમ ખરીદીઓ થતી ગઇ તેમ તેમ ધાર્યા કરતાં ખર્ચ વધી જતો હતો એટલે પછી તેમણે લગ્ન માટે નાછૂટકે બજેટ નક્કી કરવું પડયું હતું.
મારા લગ્નના એક વર્ષ અગાઉથી મેં તૈયારીઓ આરંભી દીધી હતી. આ કારણે બધું એટલું વ્યવસ્થિત થયં હતું કે, છેલ્લી મિનિટની ભાગદોડ, દલીલો અને બીનજરૂરી ખર્ચને ટાળી શક્યા હતા, એમ દીપા સાંગાણીએ કહ્યું હતું. સાત વર્ષના પ્રેમપ્રકરણ બાદ દીપાના લગ્ન અરુણ સાથે થયા હતા.
દીપાની વાત સો ટકા સાચી છે. સમય હોય અને લગ્ન અગાઉથી નક્કી થઇ ગયા હોય તો એક વર્ષ પૂર્વેથી લગ્નની યોજના બનાવવાનો આરંભ કરવો જોઇએ. તે માટે આખા પરિવારે સાથે મળીને બેસીને લગ્નનું બજેટ નક્કી કરવું જોઇએ તે અનુસાર કેટલા ફંક્શન રાખવા, કેટલા મહેમાનોને બોલાવવા, જ્વેલરી તથા પરિધાન પર કેટલો ખર્ચ કરવો, ભેટ, સંગીત, મહેંદી તથા બહારગામથી આવતાં મહેમાનોના રહેવાની સુવિધા વગેરે માટે નાણાંની ફાળવણી કરવી જોઇએ.
અહીં પ્રશ્ન એ થાય છે કે જો, ઘડિયા લગ્ન લેવામાં આવે કે ખૂબ જ ઓછો સમય રહે તો શું કરવું? લગ્નનું બજેટ નક્કી કરવા માટે કોઇ સમય મર્યાદા નથી. લગ્નના આયોજનનું સૌથી પહેલું કામ બજેટ નક્કી કરવાનું છે. તથા બજેટ નક્કી કરવામાં ક્યારેય મોડું થતું નથી. હા, આગોતરી તૈયારીઓ કરી હોય તો થોડી દોડાદોડ ઓછી થઇ જાય છે. પણ જો સમય ઓછો હોય તો તમે તે પ્રમાણે યોજના બનાવો. લગ્ન સુપેરે પાર પડે તે માટે વેડિંગ પ્લાનરને રાખવાની જરૂર નથી, પરંતુ તમારા ઘરની જ એક અનુભવી અને વિશ્વાસુ વ્યક્તિને આ કામ સોંપી દો. આ વ્યક્તિ એવી હોવી જોઇએ કે અન્ય સભ્યો તેનો આદેશ ઝડપથી માને, તે સહેલાઇથી અન્યોને કામ સોંપી શકે, અન્યોએ કરેલા કામ તપાસી શકે, જરૂર હોય ત્યારે હાજર થઇ જાય તથા નિર્ધારીત બજેટની અંદર કામ કરે.
ભારતમાં લગ્નની પછવાડે લખલૂટ ખર્ચ કરવામાં આવે છે, પરંતુ લગ્નના ખર્ચને ઓછો કરવાનો સૌથી સરળ ઉપાય એ છે કે વચેટીયાઓને દૂર કરો, એમ જાણવા મળ્યું હતું. લગ્નની કંકોતરી, ડેકોરેશન, પરિધાન, જ્વેલરી તથા સંગીત સમારંભ માટે કોરિયોગ્રાફર જેવી વિવિધ બાબતો માટે તમે વચેટીયાઓને પડતા મૂકીને સહુનો સીધો સંપર્ક કરો.
આ કારણે તમે ઘણી બચત કરી શકશો. જેમ કે, લગ્નની કંકોતરી માટે પ્રોફેશનલ ડિઝાઇનર પાસે જઇને આગવી કંકોતરી બનાવવા માટેનો ઓર્ડર આપવાને બદલે સીધા જ પેપર બજારમાં જવું. ત્યાં ઉપલબ્ધ કાગળમાંથી પસંદગી કરી તમારી ઇચ્છા પ્રમાણે કાર્ડની ડિઝાઇન બનાવો. તમે પોતે લગ્નની કંકોતરી ડિઝાઇન કરશો તો કંકોતરી દીઠ રૂ. ૫૦થી ૧૦૦ની બચત થશે.
લગ્ન સમયે જ્વેલરી પછવાડે પણ ઘણો ખર્ચ કરવામાં આવે છે. હાલમાં સોનાના ભાવ પણ કુદકેને ભૂસકે વધી રહ્યા છે એટલે આભૂષણો માટે નક્કી કરેલું બજેટ વધારવું જ પડે છે. લગ્નને દિવસે નવવધૂ આભૂષણોથી લદાયેલી હોવી જોઇએ એવી માન્યતા હોવાથી ઘરેણાંની ખરીદી કરવામાં આવે છે. આ ઘરેણાં બાદમાં ઘરના પ્રસંગ સિવાય પહેરાતાં નથી, એટલે જ્વેલરીની ખરીદી વખતે ખૂબ જ કાળજી રાખવી જોઇએ. એવા આભૂષણો ખરીદો જેને સહેલાઇથી છૂટાં પાડીને અન્ય નાના-મોટા પ્રસંગોએ પહેરી શકાય. આવા આભૂષણોને 'ડિટેચેબલ' કહેવામાં આવે છે. હાલમાં કેટલાક પરિવારો તો લગ્નપ્રસંગ માટે જ્વેલર્સ પાસેથી ભાડેથી દાગીના લાવ્યા હતા. આ બાબતને ગુપ્ત રાખવામાં આવે છે. પરિવારજનો કે જ્વેલર્સ બેમાંથી એકે આ વાતનો ઉલ્લેખ કરતા નથી. આ પ્રકારે ભાડેથી દાગીના લાવવાથી ખર્ચ બચી જાય છે અને આબરૂ પણ જળવાઇ રહે છે.
નવવધૂના પોશાકની ખરીદી સમયે પણ વચેટિયાની બાદબાકી કરો. લેટેસ્ટ ટ્રેન્ડની જાણકારી મેળવીને જો તમે પોતે તે ડિઝાઇન કરો તો ઘણી બચત કરી શકાશે. ઘરમાં દાદીમાના સમયની સાચી જરીની સાડી હોય તો તેને નવા સ્લિકના કાપડ પર ઉતારી તેમાં જરૂરી સ્વરોવસ્કી તથા રંગીન રત્નો અને ટીકીઓ લગાડી તેમાંથી નવવધૂનો પરિધાન તૈયાર કરો. લગ્ન નક્કી થયા પછી વધારે સમય હાથમાં હોય તો ઓફ સીઝનમાં વાજબી ભાવે આ માટેની ખરીદી કરી શકશો. આ દ્વારા રેડીમેડ બ્રાઇડલવેરની સરખામણીએ હજારો રૂપિયાની બચત થશે.
આજકાલ લગ્ન પ્રસંગે મહેંદી રસમ અને સંગીત પાર્ટી રાખવાનો ટ્રેન્ડ પ્રચલિત બની રહ્યો છે. આમાં પણ મહેંદી આર્ટીસ્ટ સાથે તમે ભાવ કરી શકો છો. સામાન્ય રીતે મહેંદીવાળી એક હાથના રૂ. ૧૦૦થી ૩૦૦નો ચાર્જ લે છે, પરંતુ આ ચાર્જમાં થોડો ઘટાડો કરાવી શકો છો. તે જ પ્રમાણે નવવધુની મહેંદી માટે રૂ. ૫થી ૭ હજાર ચૂકવવા પડે છે. પરંતુ અંગત સગાઓ અને સખીઓના હાથે પણ મહેંદી મૂકવામાં આવે છે. તેમનાં હાથ પર કેવી અને કેટલા રૂપિયા સુધીની મહેંદી મૂકવી તે અગાઉથી મહેંદીવાળી સાથે નક્કી કરી લેવું. એટલે પાછળથી વાંધો ન આવે.
એક સમયે લગ્નની પૂર્વસંધ્યાએ લગ્નગીતો ગાવાનો રિવાજ હતો જે આજકાલ સંગીત પાર્ટીના સ્વરૂપે જોવા મળે છે. તે માટે ડાન્સ સ્ટેપ શીખવવા કોરિયોગ્રાફરને પણ બોલાવવામાં આવે છે, પરંતુ જો પરિવારના યુવાનો અને યુવતીઓને અગાઉથી બોલાવીને આ માટે કાર્યક્રમ તૈયાર કરવાની સૂચના આપવામાં આવે તો કોરિયોગ્રાફરની જરૂર નહીં પડે. આ કારણે તેઓ તે દિવસ માટેના ગીતોની પસંદગી પણ કરી શકશે તથા તેના પર ડાન્સ પણ બેસાડી શકશે. સામાન્ય રીતે ચાર ગીતની ધૂન પર પાંચ લોકોને ડાન્સ શીખવવાનો ચાર્જ રૂ. ત્રણ હજારનો છે, પરંતુ જો ઘરના જુવાનિયા અને મિત્રો મળીને આ કામ કરે તો ઘરમાં થોડી ધમાલ મસ્તી પણ લાગે તથા પૈસાની બચત થાય. ડીજેને રાખવાને બદલે સીડી પ્લેયર તથા જાણીતા ગીતોની સીડીઓ તૈયાર રાખવી.
લગ્નના દિવસે તથા રિસેપ્શન સમયે સૌથી વધુ ખર્ચ ડેકોરેશન પર થાય છે. અને આ ખર્ચ પર કાપ મૂકી શકાય છે. સ્ટેજ ડેકોરેશનમાં 'ફ્રેશ ફ્લાવર્સ' તાજા ફૂલો વાપરવાનો આગ્રહ ન રાખવો જોઇએ. જો તાજા ફૂલો જ વાપરવા હોય તો ભારતીય ફૂલો વાપરવા. વિદેશી ફૂલો કરતાં ભારતીય ફૂલો છથી આઠ ગણા સસ્તાં હોય છે.
લગ્ન પ્રત્યેકના જીવનનો મહામૂલો પ્રસંગ હોય છે. આ દિવસે પ્રત્યેક દુલ્હા-દુલ્હન એક દિવસના રાજા-રાણી છે અને તેમની તમામ ઇચ્છા પૂરી કરવામાં આવે છે. પણ તે સાથે અનાવશ્યક ખર્ચ પર કાપ મૂકવો પણ એટલો જ જરૂરી છે તે વાત ભૂલવી ન જોઇએ.