
- કાળઝાળ ઉનાળો,રેસિંગ સીઝન અને આઉટડોર માટે હેટ આવશ્યક બની રહે છે
ઊનાળો આવી પહોંચે એટલે સામાન્ય માણસો પણ કેપ પહેરીને ફરતા દેખાય ત્યારે ફેશન વર્લ્ડમાં કેપની નહીં જુદી જુદી સ્ટાઈલની હેટ પહેરવાની ફેશન ચાલે છે. આ સમયે સેલિબ્રીટી ગણાતી વ્યક્તિઓ ડર્બીમાં,બીચ પર,પાર્ટીઓમાં,રમત ગમતના મેદાન પર અને બહાર જતી વખતે એમ જુદા જુદા પ્રસંગો માટેની અલગ અલગ હેટ રાખે છે.
પ્રખ્યાત ઍડ ફિલ્મમેકર પ્રહલાદ કક્કર માને છે કે હેટ પહેરવી એ વ્યક્તિગત પસંદગી પર આધાર રાખે છે. દરેક વ્યક્તિ તે આત્મવિશ્વાસથી નથી પહેરી શકતી. હું જ્યારે એરપોર્ટ પર વેઈટ લિસ્ટેડ મુસાફરોના ટોળામાં ઉભો હોઉ છું ત્યારે મારી સ્ટ્રાઈકિંગ હેટને લીધે હું જલ્દીથી કન્ફર્મ્ડ ટિકિટ મેળવી લઉં છું. લોકો મને મારી હેટથી જ ઓળખે છે. પ્રહલાદ પાસે રશિયાની ફર હેટ,યુએસની સ્ટેટસોન્સ ન્યુઝીલેન્ડની સ્ટ્રો,ઓસ્ટ્રેલિયાની અકૂબા (સંગ્રહ કરવા લાયક) તથા તેની દર વખતની ગોરખા રેજીમેન્ટની ગુરખા હેટનો સમાવેશ થાય છે. અભિનેત્રી પૂજા બેદી માને છે કે આપણે ત્યાં ડિઝાઈનર હેટનો યુગ ઘણો મોડો શરૂ થયો છે.
પૂજા બેદીને ઓપન એર લંચ તેમ જ ડર્બીની રેસમાં હેટ પહેરવાની ગમે છે. ખૂબ જ મોટી હોવાથી તેના ખભા સુધી આવે છે. અને તેને તડકો લાગતો નથી. મારી પાસે મરૂન સાટીન બાંધેલી કાળી તેમ જ ટર્કોઈશ હેટ છે.
સૂર્યના પ્રખર તાપથી બચવા માટે પણ જાતજાતની વસ્તુઓમાંથી 'હેટ' તૈયાર કરવામાં આવે છે. આજે પર્યાવરણની સુરક્ષા માટે અમુક લોકો જાગૃત થયા છે. ત્યારે ફેલ્ટ, હેમ્પ, ટ્વિસ્ટેડ પેપર, ટ્વિસ્ટેડ ગ્રાસ (ઘાસ) વાંસ, ક્રોશેટ પેપર અને સ્ટ્રોમાંથી હેટ બનાવવામાં આવે છે. હેટને અવનવા રંગસંયોજન અને સ્ટાઈલમાં બનાવવામાં આવે છે જે દરેક પ્રસંગને અનુરૂપ લાગી શકે છે. આજે ભારતમતાં હાથ કારીગરી દ્વારા સુંદર હેટ બનાવવામાં આવે છે. આ ઉપરાંત માર્લબોરો, સ્ટ્રેટસોન,યુક્રેનિઅન,કેનેડિયન,ઓસ્ટ્રીઅનટાયરોલીઅન અને કોન્ટીનેન્ટલ ડિઝાઈન ધરાવતી હેટ અહીંયા મળતી થઈ ગઈ છે.
હેટના ઉત્પાદક જણાવે છે કે અમે શરૂઆતમાં હેટ ફક્ત મોટી કંપનીઓ અને સંસ્થાઓ માટે જ ઓર્ડર લઈને બનાવતા હતા જેમાં જે તે કંપનીનો લોગો કે ચિત્ર રહેતું. આજે તો ગ્લેમરસ ઈવેન્ટ્સ વખતે તમને ડિઝાઈનર્સ હેટ જોવા મળશે. દરેક લોકોની હેટની પસંદ જુદી જુદી હોઈ શકે છે તેના આકારમાં પણ વિવિધતા રહેવાની. તેની કિંમત રૂપિયા ૩૨૫ થી લઈને ૮૫૦ અને વધુની રહેવાની. આ પ્રકારની હેટમાં પીંછાવાળી, ભરતકામવાળી, સાટીન તથા કેપની હેટનો સમાવેશ થાય છે. રંગો પણ ખૂબ આકર્ષક રહેવાના કુદરતી ડાય કરેલ શેડ ધરાવતી હેટ, પોલ્કા ડોટ્સ ધરાવતી હેટ અને પેસ્ટલ રંગો ધરાવતી હેટ.
શહેરમાં ઘણી બુટીકમાં સાદી તેમ જ ડિઝાઈનર હેટ મળતી થઈ ગઈ છે તો તમારી પસંદ મુજબ તેની ખરીદી કરો અને તેને યોગ્ય સમયે પહેરો.