
કપડાં સાચવવાની ઝંઝટ હોય નહીં તો વરસાદમાં ભીંજાવું મનપસંદ પ્રવૃત્તિ બની શકે છે. ઉનાળામાં તમે સ્ટાઇલીસ્ટ શેડ, કોટન અને પેસ્ટલ રંગો, શિયાળામાં ક્લાસી વુલન પોલો નેક, જેકેટ, સ્ટોલ અને બુટ્સ પહેરી શકો છો પણ ચોમાસામાં આપણામાંના ઘણાં લોકો મૂંઝાઇ જાય છે કે આરામદાયક અને વરસાદ પડે છતાં ગંદકીરહિત રહે તેવા કયા વસ્ત્રો પહેરવા, કે જેથી તમે સુંદર દેખાઇ શકો.
શું તમે એવી યુવતી છો, જે તદ્દન સાદી છતાં સ્ટાઇલિસ્ટ હોય? શું તમે સ્પોર્ટી દેખાવના છો, જે હંમેશા એલીગન્ટ દેખાતા હોય? તમને બ્રાન્ડેડ વસ્તુઓનો મોહ છે? અથવા તમે કારકિર્દીલક્ષી મહિલા છો? તમે ગમે તે હો, વરસાદમાં તમારી જાતને સુંદર કેવી રીતે દેખાડી શકાય તેની ટીપ્સ અહીં રજૂ કરી છે.
સ્પોર્ટી દેખાવ માટે :
ઘૂંટણ સુધીના ડ્રેસ અને હળવા ડેનિમ તમને સ્પોર્ટી દેખાવ આપે છે. કપડાં જેટલા વધુ હળવા હોય તેટલો વધુ સ્પોર્ટી દેખાવ મળે છે. ગુલાબી અને પીળા રંગમાં બ્રાઇટ ફૂલોની પ્રિન્ટ ધરાવતાં વસ્ત્રો વરસાદના મૂડને નિખારે છે. કાર્ગો સ્પોર્ટી લાગી શકે પણ વધુ પડતાં ખીસાઓ હોવાને કારણે તે જલદી સૂકાતા નથી. ટ્રેક સૂટ સ્પોર્ટી અને કલરફૂલ લાગે છે. તમારા ટ્રેક સૂટ સાથે લાલ અને પીળા જેવા રંગોની મોટી સ્ટાઇલીશ બેગ રાખો. ઘૂંટણ સુધીના બરમ્યુડા અને કેપ્રીસ ખાસ કરીને બેઇજ અને ઓલીવગ્રીન આ સિઝન માટે પરફેક્ટ છે.
સાનિયા મિરઝા અને પ્રીટી ઝિન્ટા સ્પોર્ટી દેખાવમાં આદર્શ લાગે છે.
સ્પોર્ટી એસેસરીઝ : લાલ જેવા બ્રાઇટ રંગની વોટરપ્રૂફ કેપ, ઘણા બધા રંગોવાળી મોટા ડાયલની મોટી ઘડિયાળો ખૂબ ફંકી લાગે છે.
વાળ અને મેકઅપ : જરાક અમથું બ્લશ, ઘણો બધો લીપ ગ્લોસ અને ઊંચી પોનીટેઇલ આ દેખાવને ઉઠાવ આપે છે.
શૂઝ : રબર સ્લીપ-ઓન, ઓલ વેધર જ્યુટ કે ક્વાર્ક (પોઇન્ટેડ-અણીવાળા) હીલવાળા સ્લીપઓન પહેરી શકાય. ઊંચી એડીના શૂઝ પણ સ્પોર્ટી દેખાવ ઊભો કરે છે.
સાદી અને સ્વીટ યુવતી જેવો દેખાવ :
સુંદર બ્રાઇટ રંગનો કોટન ડ્રેસ તમને સાદી યુવતી તરીકેનો દેખાવ ઊભો કરવામાં મદદ કરી શકે છે. બ્રાઇટ કોટન લિનન શર્ટ અને પિંક કે લાઇમ રંગની કેપ્રી પણ સુંદર લાગે છે. સ્વેટ શર્ટ, હુડેડ જેકેટ અને બેઇજ કેપ્રી સાથે રંગબેરંગી છત્રી લઇ શકાય કે પછી સ્કીનટાઇટ, ફીટ જીન્સ ઉપર ઢીલું, ફીટિંગ વગરનું, કમર સુધીનું લાંબુ સ્મોક ટોપ તમને સાદો દેખાવ આપશે. સેમી કાર્ગો પેન્ટ્સ, ઓલીવગ્રીન, બ્રાઉન કે બેઇજ રંગની કોટન કેપ્રીઝ પણ સુંદર લાગે છે. ઘૂંટણ સુધીના ક્રોશેટ સ્કર્ટ ઉપર કોટન શર્ટ પણ સુંદર દેખાવ ઊભો કરે છે.
એસેસરીઝ : કમર સુધી લાંબી લટકતી ચેન અને મોટી સાઇઝની બેગ્સ આ દેખાવને અનુરૂપ હોય છે.
વાળ અને મેકઅપ : તમારો મેકઅપ એકદમ ઓછો રાખો. જરાક બ્લશ, સહેજ લીપ કલર અને મસ્કરા પૂરતાં છે.
શૂઝ : આગળથી બંધ, ફ્લેટ શૂઝ કે ચંપલનો ઉપયોગ કરી શકાય.
કારકિર્દીલક્ષી સ્ત્રી માટે આદર્શ દેખાવ :
નોકરિયાત મહિલાઓએ ફૂલ લેન્થ સ્કર્ટ જરા પણ પહેરવા જોઇએ નહીં. ઘૂંટણ સુધીના ફોર્મલ સ્કર્ટ યોગ્ય ગણી શકાય. નાયલોનને બદલે નેચરલ બ્લેક લિનન કોટન ફેબ્રિક આદર્શ રહે છે. ટૂંકી લંબાઇના બ્લૂમર પેન્ટ્સ અને બ્રાઇટ, પ્રીન્ટેડ શર્ટની ઉપર જેકેટ પહેરી શકાય. ખાસ કરીને કોટન પોલીસ્ટર કપડામાંથી બનેલા વસ્ત્રો સારા રહે છે.
રંગની વાત આવે તો સફેદ કપડાં બને ત્યાં સુધી ટાળવા. કારણ કે ભીના થયા બાદ સફેદ કપડાં પારદર્શક બની જાય છે અને તેના ઉપર ડાઘ પણ ઝડપથી લાગે છે.
પિંક રંગોમાં સ્માર્ટ રેઇનકોટ કે છત્રી વાપરી શકાય. આજકાલ ઓવરકોટ અને જેકેટ પણ આ સિઝનમાં ખૂબ ચાલે છે. સ્ટ્રેટ કટ શર્ટ પહેરવા પણ ઘેરવાળા સ્કર્ટ ટાળવા. ગ્રે, બ્લેક અને બ્લ્યુ જેવા કોટ પહેરી શકાય.
ફોર્મલ ડ્રેસિંગ માટે શર્ટ કરતાં જેકેટ ડાર્ક રંગનું હોવું જોઇએ. શર્ટના રંગ પીળો અને સ્કાય બ્લ્યુ પસંદ કરી શકાય.
કિરણ મઝુમદાર શો અને મૌરીન વાડિયા સ્ટાઇલીશ મહિલાઓ તરીકેની ઇમેજ વધુ જાળવે છે.
એસેસરીઝ : નાનકડી, નાજુક જ્વેલરી ઓફિસ દેખાવ માટે સારી લાગે છે. તમે એની સાથે જુદા પ્રકારની ઘડિયાળ પહેરી શકો. નાના મોતી પણ સારા લાગે છે. સોનામાં રંગીન હીરાવાળા ઘરેણાં તમને ક્લાસીક દેખાવ આપી શકે છે. એક સૌથી મોટી ફેશન ટીપ એ ધ્યાનમાં રાખવી કે બધી જ એસેસરીઝ એક જ રંગની હોવી જોઇએ. બેલ્ટ, શૂઝ, બેગ, બધું જ એક રંગનું હોવું જોઇએ.
વાળ અને મેકઅપ : વાળ ચહેરાથી દૂર રાખવા. મેકઅપ ઓછો રાખવો. ચહેરા ઉપર થોડો રંગ લગાડવો, જેથી બ્લશ જેવો દેખાવ આવે. ચોમાસામાં ગુલાબી શેડ આદર્શ રહે છે. હોઠ માટે પણ ગુલાબી રંગ વાપરો. ચોમાસામાં ઓઇલ બેઝ્ડ મેકઅપ વાપરવો જોઇએ.
શૂઝ : ચામડાના શૂઝ ચોમાસામાં ક્યારેય પહેરવા જોઇએ નહીં કારણ કે તેમાંથી ઘણી વાસ આવે છે. ઓફિસમાં શૂઝની એક વધારાની જોડી રાખવી. પ્રવાસ કરતી વખતે પ્લાસ્ટિકના સેન્ડલ પહેરવા અને ઓફિસ પહોંચીને બદલી નાખવા. ખુલ્લા આંગળાવાળા સેન્ડલ - ખાસ કરીને કાળો, બ્રાઉન, બેઇઝ, બ્લ્યુ અને ગ્રે રંગના સારા લાગે છે.
પ્રેઝન્ટેબલ મહિલાઓ માટેનો દેખાવ :
લિનન અને માઇક્રો પોલીસ્ટરમાંથી બનેલા વસ્ત્રો કે પાર્ટીવેર વરસાદમાં પહેરી શકાય. એલીગન્ટ બ્લેક, ઘૂંટણ સુધીનો લાંબો ડ્રેસ, ઓફસેટ, ડેલીકેટ ક્લાસિક શૂઝ શ્રેષ્ઠ લાગે છે. જેમને ડિઝાઇનર વસ્ત્રો પહેરવાનો શોખ હોય તેમને માટે બ્લેક, નેવી બ્લ્યુ અને પિંક કલર સારા રહે છે. સ્ટ્રેટ ફીટિંગ ટ્રાઉઝર્સ, બ્રાઇટ શર્ટ અને જેકેટ સારા લાગે છે. પહોળા, ફીટિંગ વગરના ટયુનીક્સ, લુઝ કોટન કુરતી અને ક્રોશેટ સફેદ સ્કર્ટ પણ વરસાદમાં શ્રેષ્ઠ રહે છે.
સીમી ગરેવાલનો દેખાવ પ્રેઝન્ટેબલ મહિલા તરીકે આગવો છે.
એસેસરીઝ : મોટી, ચંકી અને વિચિત્ર દેખાવની જ્વેલરી સારી લાગે છે. લાંબી ચેન આકર્ષક દેખાય છે. બ્રાન્ડેડ, મોટી બેગ તમારા દેખાવને સંપૂર્ણ બનાવે છે.
વાળ અને મેકઅપ : વેવી વાળ સારા લાગે છે. વાળના નીચેના છેડા ઉપર વળાંક કરેલા કર્લી વાળ સારા લાગી શકે છે. મેકઅપમાં સાંજના દેખાવ માટે સ્મોકી આંખો અને હોઠ પર તદ્દન ઓછી લિપસ્ટીક લગાડવી. જો આંખો વધુ ઉપસાવવી હોય તો હોઠ ઉપર વધુ મેકઅપ કરવો નહીં.
શૂઝ : રંગબેરંગી, બધી ઋતુમાં ચાલે તેવા બ્રાન્ડેડ સ્લીપઓન કે શૂઝ વાપરી શકાય.
વરસાદનો જાદુ : ચોમાસામાં આટલી બાબતો ધ્યાનમાં રાખો.
- નાયલોન પહેરવાનું ટાળો. જો ભીનું થાય તો તેમાંથી વાસ આવી શકે છે. કોટન કે લિનન જેવા કુદરતી ફેબ્રિકના વસ્ત્રો પહેરો.
- આછા રંગો, ખાસ કરીને સફેદ પહેરવાનું ટાળો.
- જો તમને જીન્સ પહેરવું ગમતું હોય તો હળવા ડેનિમ પહેરો.
- ચોમાસામાં ઓઇલ બેઝ મેકઅપ વાપરો.
- સાદી કાળી છત્રીને બદલે રંગબેરંગી છત્રી વારપવાથી સ્ટાઇલ જળવાઇ રહે છે.
- ચામડાના જૂતા ઉપર પોલીશ લગાડી તેને સિલીકા જેલના પાઉચમાં રાખી દો. તેનાથી જૂતા સલામત અને ચોખ્ખા રહેશે.